Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

ભારતનું પ્રથમ, વિશ્વનું ત્રીજુ ડાયનાસોર પાર્ક ખુલ્લુ મુકતા વિજયભાઇ

બાલાસિનોરમાં વિશ્વ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા પ્રવાસન વિભાગને રૂ.૧૦ કરોડની વધારાની સહાય સરકાર આપશે : ડાયનાસોરનાં હાડકા, ઇંડા, જીવનચક્ર ડોકયુમેન્ટરી ફિલ્મ, છ ગેલેરી સાથેનો અદ્ભુત પાર્ક

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આજે બાલાસિનોર ખાતે ડાયનાસોર પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે તસ્વીરમાં નજરે પડે છે.

ગાંધીનગર, તા. , ૮ :  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આજે સવારે ૯.૩૦ કલાકે વિશ્વના સૌથી મોટા ફોસિલ પાર્ક અને ડાયનાસોર મ્યુઝિયમનું લોકાર્પણ કરાયુ હતું.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે આ ડાયનાસોર પાર્ક ભારતનું પહેલું અને વિશ્વનું ત્રીજુ મ્યુઝીયમ છે. ગુજરાતના બાલાસિનોર પાસે રૈયાલીના ડાયનાસોર મ્યુઝીયમ અને ફોસીલ પાર્કને થ્રીડી ટેકનોલોજી અને આધુનિક તકનીક સાથે વિશ્વ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા પ્રવાસન વિભાગને રૂ.૧૦ કરોડની વધારાની સહાય સરકાર આપશે.

વિજયભાઇ રૂપાણીએ વધુમાં જણાવ્યું કે આ મ્યુઝીયમના લોકાર્પણ સાથે ગુજરાતના પ્રવાસન વિકાસમાં એક નવું મોરપીચ્છ છે વિશ્વના પ્રવાસન નકશામાં ગુજરાતના પ્રવાસન ધામો સાથે મ્યુઝીયમ પણ ચમકયું છે અને ગુજરાતે વિશ્વના દેશોની હરોળમાં અગ્રેસર રહેવાની પરંપરા સાકાર કરી છે. ગુજરાતમાં પ્રવાસન વૈવિધ્યની વિશેષતાઓની ભુમીકા આપતા ટુરીઝમ સરકીટ વિકસાવવાની પણ રાજય સરકારની નેમ છે.

વિજયભાઇ રૂપાણીએ વધુમાં જણાવ્યું કે આ મ્યુઝીયમ અને ફોસીલ પાર્કની મુલાકાત લઇને શાળાના બાળકોથી માંડીને ડાયનાસોરની સૃષ્ટિમાં અને અભ્યાસમાં રસ ધરાવનાર પુરાતત્વવિદો, સંશોધકોને જીવાસ્મીની અનેક વાતો, ગાથાઓ જાણવા, નિહાળવા મળશે. હવે પ્રવાસન ધામ તરીકે વિકાસ થતા રૈયાલીમાં સ્થાનીક રોજગારીની તકો પણ વધશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

આ ડાયનાસોર મ્યુઝિયમનો પ્રારંભ થતાં ગુજરાતનો આ પાર્ક દુનિયાના ત્રીજા સૌથી મોટા વિશિષ્ઠ ડાયનાસોર ફોસીલ પાર્ક તરીકે ગૌરવ પ્રાપ્ત કરશે. આ ફોસીલ પાર્ક દેશનો પ્રથમ પાર્ક બનશે. આ પાર્ક દ્વારા પ્રવાસીઓને ડાયનોસરનો ઇતિહાસ, એમની જીવન પધ્ધતિ અને આવા વિશાળકાય પ્રાણીઓને કેવી રીતે નાશ થયો તેની અદ્યતન અને વૈજ્ઞાનિક માહિતી મોડેલ્સ, ફિલ્મ અને ચાર્ટ દ્વારા જોવા મળશે.

બાલાસિનોરની નજીક રૈયોલી ગામે આશરે પર હેકટર વિસ્તારમાં ૬પ મીલીયન વર્ષના ગુજરાતના ડાયનોસોરના ઇતિહાસની ગાથા કહેતો માહિતીસભર મ્યુઝિમ અને પાર્ક ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વિકસાવવામાં આવ્યો છે. આ પાર્ક અને મ્યુઝિયમમાં વિવિધ છ જેટલી માહિતી આપતી ગેલરીઓ ઉભી કરાઇ છે. અલગ અલગ ડાયનોસોરના મોડેલ્સ, ટચ સ્ક્રિન, સેલ્ફ નેવીગેટર, ડોકયુમેન્ટરી ફિલ્મ દ્વારા ધરતીની ઉત્પતિથી એનો ઇતિહાસ, વિશાળકાળ ડાયનોસોરનું જીવનચક્ર અને ડાયનોસોર કેવી રીતે નાશ પામ્યા તેની વિવિધ માહિતી પણ રજૂ કરવામાં આવી છે. વર્ષ ૧૯૮૩ અને ત્યારબાદ ર૦૦૩ માં જે ઇંડા અને ડાયનોસોરના વિવિધ ભાગોના હાડકા મળ્યા હતા, એને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. જેમાં ડાયનોસોરના રહેઠાણ, એની ટેવો, ખોરાક અને એના જીવનને લગતી અન્ય માહિતી વિભિન્ન સ્વરૂપે મુકવામાં આવી છે.

આજથી ૩૬ વર્ષ પહેલા વિશાળકાળ રાજાસોરસ નર્મન્ડેન્સિસ ડાયનોસોર, રાયોલિસોરસ ગુજરાતેન્સિસ અને ટાએટેમોસોરસના હાડકારૂપી અવશેષો મધ્ય ગુજરાતના નવાબી નગર બાલાસિનોરથી ૧૧ કિલો મીટર દૂર રૈયોલી ગામે સંશોધન દરમિયાન મળ્યા હતાં. આ ડાયનોસોરની વિશ્વની ત્રીજી સૌથી મોટો ફોસીલ વસાહત, છે. અગાઉ ર૦૦૩ માં, અહીંથી ડાયનોસોરની લગભગ સાત પ્રજાતિઓને શોધી કાઢવામાં આવી હતી. આ પ્રજાતિઓ ડાયનોસોર રેકસ કુળની હતી. જે નર્મદા નદીના વિસ્તારના  સ્થળોએથી પ્રાપ્ત થયા હતાં.

(2:04 pm IST)