Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

જીંદગીમાં ખુશીથી જીવવું તે તમારા હાથમાં : હિતેનકુમાર

ગુજરાતી ફિલ્મ જલસા ઘરની સ્ટારકાસ્ટ શહેરમાં : ગુજરાતી ફિલ્મ જલસાઘર ૧૦ મે ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે : ઘણા સમય બાદ એક સારી ફિલ્મ બની છે

અમદાવાદ, તા.૮ : જીંદગીમાં પાછલી ઉંમરનો તબક્કો એટલે કે, વૃધ્ધાવસ્થાનો પ્રારંભ અને પછી તે અવસ્થામાં માણસ જાણે તેના જ સંતાનો અને પોતીકાઓ દ્વારા હાંસિયામાં ધકેલાઇ જાય છે અને બહુ ખતરનાક ઉપેક્ષાનો ભોગ બનતો હોય છે અને તેવા સમયે તે ભારે નિરાશાની ગર્તામાં ધકેલાઇ જાય છે અને બધી રીતે જીવન જીવવાની હિંમત હારી જાય છે પરંતુ કોઇપણ વ્યકિતએ એ ના ભૂલવું જોઇએ કે, જયાં સુધી તે તેના મનથી હાર માની ના લે, ત્યાં સુધી તેને કોઇ હરાવી શકતુ નથી. જીદંગીમાં કોઇપણ તબક્કે પછી ભલે તે આધેડ વય હોય કે વૃધ્ધાવસ્થા કોઇપણ ઉંમરે ખુશીથી જીવવું તે વ્યકિતના પોતાના હાથમાં જ છે અને તેથી જ આવી ઉમંરે પણ વ્યકિતએ ભરપૂર ખુશી, આનંદ અને મોજથી જીંદગી જીવવી જોઇએ એમ અત્રે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હિતેનકુમારે જણાવ્યું હતું. મનોરંજનથી ભરપૂર અને જીદંગી જીવવાનો સામાજિક સંદેશો આપતી ગુજરાતી ફિલ્મ જલસા ઘરના પ્રમોશનને લઇ સ્ટાર કલાકાર હિતેનકુમાર, યામિની જોષી, જિતેન્દ્ર ઠક્કર, નિખિલ પરમાર સહિતની સ્ટારકાસ્ટ શહેરની મુલાકાતે આવી હતી. તે દરમ્યાન ફિલ્મને લઇ ઘણી રોચક અને રસપ્રદ વાતો કરતાં હિતેનકુમારે આ મુજબ જણાવ્યું હતું. ખૂબ જ સંુદર અને કંઇક અલગ વિષયવસ્તુ પરંતુ હૃદયસ્પર્શી સામાજિક સંદેશા સાથેની ગુજરાતી ફિલ્મ જલસા ઘર આગામી તા.૧૦મી મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હિતેન કુમારે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોથી હવે સારી ગુજરાતી ફિલ્મો બની રહી છે અને નવા તેમ જ હૃદયને સ્પર્શતા સબ્જેકટ પર ફિલ્મો આવી રહી છે ત્યારે ગુજરાતના દર્શકો અને નાગરિકોને મારો ખાસ અનુરોધ છે કે, તેઓ ફરી એકવાર ગુજરાતી ફિલ્મનો સુુવર્ણયુગ લાવવામાં અને ગુજરાતી ફિલ્મો નિહાળી પ્રોત્સાહિત કરવા આગળ આવે તે સમયની માંગ છે. ફિલ્મમાં ભરપૂર મનોરંજનની સાથે સાથે સમાજને અનોખો દિલને સ્પર્શી જાય તેવો સંદેશો આપવાનો પ્રયાસ છે અને અમને આશા છે કે, દર્શકોને આ ફિલ્મ બહુ જ ગમશે અને તેઓ વારંવાર તે જોવા જશે. ગુજરાતી ફિલ્મ જલસા ઘરના નિર્માતા અને દિગ્દર્શક અતુલ પટેલ છે. મુખ્ય કલાકારો હિતેનકુમાર, યામિની જોશી, નીખીલ પરમાર, ખેવના રાજયુગુરુ, જીતેન્દ્ર ઠક્કર, હિતેશ રાવલ, કલ્પેશ પટેલ અને રાજેશ ઠકકર છે. ફિલ્મની સ્ટોરી કંઇક એવી છે કે, યુવાન વયે પોતાનો પહેલો પ્રેમ નિષ્ફળ જતા કવિરાજ(હિતેન કુમાર )પોતાની મરજી વિરુદ્ધ લગ્ન કરે છે. પરંતુ તેમનો પુત્ર નિષ્ઠુર અને દયાહીન પાકે છે. અંતે કવિરાજ વૃદ્ધોના આશરા માટે એક બંગલામાં જલસાઘર શરૂ કરે છે. અહીં કર્નલ(જીતેન્દ્વ ઠકકર ), મહેસાણાના કરસન કાકા(હિતેષ રાવલ) અલ્પેશભાઇ (કલ્પેશ પટેલ) અને એક જમાનાના બિઝનેસમેન ઉપાધ્યાય (રાજેશ ઠક્કર )રહેતા હોય છે. આ તમામ લોકોના જીવનની અને તેઓ કેવી રીતે જલસાઘરમાં રહેવા આવ્યા તેની વાત રજૂ કરે છે. એક દિવસ આ જલસાઘરમાં એક વૃદ્ધ મહિલાની એન્ટી્ર થાય છે. જેનુ નામ સ્મિતા(યામિની જોશી) છે.આ ઉપરાંત વૃદ્ધોના આદર વિશે જાગૃતિ આપતી યુવતી નિકિતા (ખેવનારાજયગુરુ) પણ આવ-જા કરતી હોય છે. ફિલ્મમાં તમામ પાત્રોને ખુબ રસપ્રદ રીતે વણી લેવામાં આવ્યા છે. એકંદરે જલસાઘર આજના યુવાનોને પોતાના માતા પિતાની સારસંભાળ લેવા માટે અને તેમના માટે સમય ફાળવવા માટેનો સંદેશો હળવા અંદાજમાં આપતી સામાજીક અને ભરપુર કોમેડી ફિલ્મ છે. આ આ ફિલ્મની કથા અંકિત ગોરની છે. ફિલ્મની પટકથા અને સંવાદ યુવરાજ જાડેજા અને અંશુ જોશીએ લખ્યા છે. બહુ જ હૃદયસ્પર્શી કથા સાથે ગુજરાત દર્શકોને ભરપૂર અને પૈસા વસૂલ આનંદ આપે તેવી આશા ફિલ્મની સ્ટારકાસ્ટે વ્યકત કરી હતી.

(9:16 pm IST)