Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

અલ્પેશના ઘરના વાસ્તુમાં ભાજપના ટોપ નેતા હાજર

ભાજપના નેતાઓની મહેમાનગતિ બાદ ચર્ચાઓ : ધારાસભ્યપદેથી રાજીનામું આપવા અલ્પેશ ઠાકોરનો ફરી ઇન્કાર : કોંગ્રેસને જોરદાર વળતો જવાબ આપવા ચિમકી

અમદાવાદ,તા. ૮ :  કોંગ્રેસમાંથી વિદાય લઈ ચૂકેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પોતાના ઘરના વાસ્તુપૂજનમાં ભાજપના નેતાઓને આમંત્રણ આપતા ફરી એક વખત અલ્પેશ ભાજપમાં જોડાઈ રહ્યો હોવાની અટકળો તેજ બની છે. તો, બીજીબાજુ, કોંગ્રેસની છાવણીમાં ચિંતા વધી છે. અલ્પેશ ઠાકોરે તે ભાજપના નેતાઓની મહેમાનગતિ કરી ભાજપમાં પ્રવેશ મેળવી રહ્યા હોવાની ચર્ચાઓ ફરી શરૂ થઇ રહી છે ત્યારે અલ્પેશ ઠાકોરે આ મામલે કોઇ સ્પષ્ટ ફોડ પાડયો નથી પરંતુ તે હાલ ધારાસભ્યપદેથી રાજીનામું નહી આપે તે સ્પષ્ટ કરી દીધુ હતું. એટલું જ નહી, કોંગ્રેસ તેમનું ધારાસભ્યપદ રદ કરાવવા જે પ્રયાસો કરી રહી છે તે મુદ્દે તે કોંગ્રેસને એવો વળતો જવાબ આપશે કે, કોંગ્રેસને કળ નહી વળે, તેવી ચીમકી ઉચ્ચારી છે. આ બાબતે અલ્પેશ ઠાકોરે પોતાના ઘરે મીડિયા સમક્ષ અનેક બાબતે ખુલાસા કર્યા હતા. અલ્પેશે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ તે ગરીબો માટે નવા આંદોલનના મંડાણ કરશે. ભાજપમાં જોડાવાની વાત પર અલ્પેશે કોઈ સ્પષ્ટતા ન કરતા મીડિયાને ટોન્ટ માર્યો હતો કે, તમે લોકો સમય અને મુહૂર્ત નક્કી કરશો ત્યારે હું આવી જઈશ. કોંગ્રેસ અલ્પેશનું ધારાસભ્ય પદ રદ કરવા માટે પ્રયત્નશીલ હોવા અંગે અલ્પેશે જણાવ્યું હતું કે, તે ધારાસભ્ય પદેથી રાજીનામું નહીં આપે. ભાજપના નેતાઓની મહેમાનગતિ મુદ્દે પણ તેણે સ્પષ્ટતા કરી કે, સીએમ વિજય રૂપાણી, પ્રદીપસિંહ જાડેજા અને જીતુભાઈ વાઘાણી મારા સારા મિત્રો છે. મારા ઘરે નાની પૂજા રાખી હોવાથી મેં પ્રદીપસિંહ અને જીતુભાઈને આમંત્રણ આપ્યું હતું. બંને નેતાઓ મારા ઘરે હાજર રહ્યા હોવા અંગે મીડિયા જે અર્થઘટના કાઢવું હોય એ કાઢી શકે છે. કોને આમંત્રણ આપવું અને કોને ન આપવું એ મારે નક્કી કરવાનું હોય છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડા અને પરેશ ધાનાણી સાથે પણ મારસાારા સંબંધો છે. અલ્પેશે જણાવ્યું કે, મને કોઈ વ્યક્તિનો વિરોધ નથી પરંતુ નીતિઓનો વિરોધ હોય છે. હું ત્યારે પણ વિરોધ કરતો હતો અને ભવિષ્યમાં પણ વિરોધ કરીશ. કોંગ્રેસે ધારાસભ્ય પદ રદ કરવા માટે અધ્યક્ષને અરજી કરી હોવા અંગે અલ્પેશે જણાવ્યું કે, ચૂંટણી વખતે કોંગ્રેસને મારા સમાજના મત જોતા હતા, એટલે ત્યારે મારી સામે કોઈ કાર્યવાહી ન કરી. કોંગ્રેસ રાજકીય નફા-નુકસાનની ગણતરી કરી રહી છે. મેં પક્ષના કોઇ વ્હિપનો અનાદર નથી કર્યો. મારું ધારાસભ્ય પદ લેવા માટે કોંગ્રેસ હવાતિયા મારે છે. મારી સામે કરવામાં આવેલા ષડયંત્રનો હું એવો જવાબ આપીશ કે કોંગ્રેસને કળ નહીં વળે. અંદર અંદરની લડાઈને કારણે કોંગ્રેસ ગુજરાતમાં ૨૫ વર્ષથી સત્તાની બહાર છે. ઠાકોર સમાજ અને ઓબીસીનો દીકરો હોવાથી મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. હું ધારાસભ્ય પદેથી રાજીનામું નહીં આપું. પાંચ વર્ષ ધારાસભ્ય પદે રહીને રાધનપુરનો વિકાસ કરીશ.

(7:42 pm IST)