Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ડીસામાં એસઓજીનો સપાટો : રહેણાંક મકાનમાંથી ૬ કિલો ગાંજા સાથે ગવાડીના શખ્સની ધરપકડ

ડીસાના ગવાડી વિસ્તારમાંથી એસ.ઓ.જી પોલીસે ૬ કિલો ૪૯૧ ગ્રામ ગાંજો ઝડપ્યો હતો. એસ.ઓ.જી એ રોકડ તેમજ ગાંજાની કિંમત મળી ૮૭,૪૧૦નો મુદ્દામાલ સાથે એકની અટકાયત કરી લીધી હતી.

   આ અંગેની વિગત મુજબ ડીસાના ગવાડી તીનબત્તી વિસ્તારમાં રહેતા ઇસ્માઇલ ઇબ્રાહિમભાઈ શેખના રહેણાક મકાનમાં ગાંજો પડ્‌યો હોવાની બાતમી મળતા એસ.ઓ.જીની ટીમે અચાનક રેડ કરી હતી. આ દરમ્યાન એસ.ઓ.જી.એ રેડ કરતા ઘટના સ્થળેથી ૬ કિલો ૪૯૧ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જેથી એસ.ઓ.જી પોલીસે રોકડ ૨૪,૫૦૦ તથા ગાંજાની કિંમત ૬૪,૯૧૦ મળી કુલ ૮૭,૪૧૦નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. એસ.ઓ.જી. પોલીસે ઇસ્માઇલ ઈબ્રાહીમભાઈ શેખને ઝડપી લીધો હતો. બાદમાં એસ.ઓ.જી. પોલીસે આ શખ્સ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો.તે સહિતના સવાલોના જવાબો મેળવવાની તજવીજ હાથ ધરી હતી.

(12:45 pm IST)