Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ખાલી કરના થા સ્વિસ બેંક કા કાલા ધન, ખાલી કર દિયા રિઝર્વ બેંક કા સફેદ ધન

ઈંદોરમાં મોદી સરકાર પર તૂટી પડતા કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીઃ મોદીના રોજગારી, શિક્ષણ, સુરક્ષા, મોંઘવારી વિશેના વાયદા ગાયબ

રાજકોટ, તા. ૮ :. ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ મધ્યપ્રદેશના ઈંદોર ખાતે પત્રકાર પરિષદમાં મોદી સરકારના વચનો બાબતે સવાલ ઉઠાવી આકરા પ્રહારો કર્યા હતા. કાળા ધન મુદ્દે તેમણે ટકોર કરેલ કે 'ખાલી કરના થા સ્વીસ બેંક કા કાલા ધન, ખાલી કર દિયા રિઝર્વ બેંક કા સફેદ ધન !'

તેમણે જણાવેલ કે શ્રી મોદીએ સત્તામાં આવવા માટે રોજીરોટી, શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા, ભ્રષ્ટાચાર, કાળુ ધન, મોંઘવારી વગેરે બાબતે વચનો આપેલ. અત્યારે આ બધા મુદ્દા પર મૌન કેમ છે ? ચૂંટણી પ્રચાર વખતે 'સબ કા સાથ, સબ કા વિકાસ અને સત્તામાં આવ્યા પછી સબ કા સાથ, એકસો કા વિકાસ ! ' સત્તામાં આવ્યા પછી બી.એસ.એન.એલ., એર ઈન્ડીયા જેવી કેટલીય મોટી સરકારી કંપનીઓની હાલત ખરાબ કરી નાખી છે. માનીતા ધનપતિઓ માલામાલ થઈ ગયા છે. મોદી સરકારે બનાવેલ નીતિ આયોગે ૨૦૧૮માં સ્વીકાર કર્યો છે કે, ભારત અસંતોષજનક નોકરીઓ અને બેરોજગારીથી ત્રસ્ત છે. એકલા ઉત્પાદન ક્ષેત્રમાં ૩૫ લાખ નોકરીઓને નુકશાન થયુ છે. નોટબંધી અને જી.એસ.ટી.એ બે તેના મુખ્ય કારણો છે. મુદ્દા ઋણ યોજના અંતર્ગત કેટલી નોકરીઓ અપાઈ તે બાબતનો જવાબ આપવાનો સરકારે ઈન્કાર કરી દીધો છે. સ્કીલ ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા, સ્ટેન્ડ અપ ઈન્ડિયા જેવા રંગીન વાકયો વડાપ્રધાનના ભાષણોમાંથી ગાયબ થઈ ગયા છે.

ડો. મનીષ દોશીએ પત્રકારોને જણાવેલ કે ભારતમાં પ્રતિ વર્ષ ૧.૨ કરોડ નોકરીઓની વાર્ષિક જરૂરીયાત અંદાજવામાં આવી છે પણ નોકરીઓ નથી. કેન્દ્ર સરકારે કૃષિ અને નાના ઉદ્યોગને નષ્ટ કરી દીધા છે. કોંગ્રેસે પોતાના એજન્ડામાં કૃષિ તથા લઘુ-મધ્યમ સહિતના ઉદ્યોગોની મજબુતી માટે પ્રતિબદ્ધતા વ્યકત કરી છે. ધંધા-રોજગારને પ્રોત્સાહન આપવા માટે જી.એસ.ટી.માં સરળીકરણ લાવવામાં આવશે. ભારતીય ખેડૂતો માટે છેલ્લા ૧૮ વર્ષમાં સૌથી ખરાબ સ્થિતિનો અત્યારે સામનો કરવો પડી રહ્યો છે. બેરોજગારીનો દર છેલ્લા ૪૫ વર્ષની સૌથી ઉંચી સપાટીએ પહોંચ્યો છે. દુનિયાના સૌથી વધુ ૧૦ પ્રદુષિત શહેરો ભારતમાં છે. મોદી સરકાર મનોરંજક સરકાર બની રહી છે.

(11:44 am IST)