Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

નવસારીના વિજલપોરમાં ૨ જૂથ વચ્‍ચે અથડામણઃ પોલીસની ગાડીના કાચ ફોડ્યાઃ પોલીસમેનને ઇજાઃ ૨પ ટીયરગેસના સેલ છોડાયા

નવસારી :નવસારીના વિજલપોરના વિઠ્ઠલ મંદિર પાસે મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. હજારો લોકો પસ્તા પર આવીને સામસામે પથ્થરમારો થયો હતો. જેમાં કેટલાક લોકોને ઇજા થઇ હતી. પોલીસની ગાડીની કાચ તૂટતાં એક પોલીસકર્મીને પણ ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે 25 જેટલા ટિયરગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા.

વિજલપોર શહેરમાં રાત્રિ દરમિયાન જૂથ અથડામણ થઈ હતી. જેમાં પથ્થરમારો થતા પોલીસ અને લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વિજલપોર શહેરના વિઠ્ઠલ મંદિર પાસે એક નાનકડો અકસ્માત થયો હતો. આ અકસ્માતે મોટું સ્વરૂપ ધારણ કરતા મામલો બિચક્યો હતો. જેમાં 1૦૦૦ જેટલું ટોળું સામ સામે આવીને પથ્થરમારો કરતા ટોળું બેકાબૂ બન્યું હતું. તો ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. જેમાં કેટલાક પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા હતા. ટોળા દ્વારા પોલીસની ગાડી પર પણ પથ્થરમારો કરાતા પોલીસના વાહનોને મોટાપાયે નુકશાન થયું હતું.

વિજલપુરની પોલીસથી ટોળુ કાબૂમાં ન આવતા નવસારી જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવાયો હતો, અને બાદમાં 25થી વધુ ટિયરગેસના સેલ છોડતા ટોળું વિખરાઈ ગયું હતું. તો ફરી મોટી બબાલ ન થાય તે માટે રાત્રિ દરમિયાન પોલીસને ઘટના સ્થળે ગોઠવી દેવાયા હતા. હજી પણ મામલો મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. પોલીસે બંને જૂથને સાંભળીને ફરિયાદ લેવાની તજવીજ હાથધરી છે. જોકે પથ્થરમારામાં કેટલાક લોકોને ઈજા થતા તેમને સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

(4:57 pm IST)