Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

અમદાવાદને ચોખ્ખુચણાંક કરવા માટે કોર્પોરેશન તંત્ર અને પોલીસ ટીમનો એકશન પ્લાન

અમદાવાદ: શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગ સહિતના પ્રશ્નો મુદ્દે કોર્પોરેશન અને અમદાવાદ પોલીસ દ્વારા  એક સંયુક્ત માસ્ટર પ્લાન ઘડવામાં આવ્યો છે. સાથે જ બન્નેના સંયુક્ત પ્રયાસ હેઠળ એક નવી ટીમ જોઇન્ટ એનફોર્સમેન્ટ ટીમ શરૂ કરાઇ રહી છે. જે સમગ્ર શહેરના 48 વોર્ડમાં કાર્યરત રહેશે.

આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના કમિશનર અને શહેર પોલીસ કમિશનર દ્વારા એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું કે, અમદાવાદ સ્વચ્છ શહેર બને તેવા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. લોકોમાં જાગૃતિ માટેના પ્રયાસો કરાઇ રહ્યાં છે. સાથે જ લાંબાગાળાની વ્યવસ્થા શરૂ કરાશે. બીજા શહેરો અમદાવાદથી પ્રેરણા લે તેવા પ્રયત્ન કરાશે. સાથે જ કોર્પોરેશન અને અમદાવાદ સીટી પોલીસ બન્નેના સંયુક્ત સહાસથી જોઇન્ટ એનફોર્સમેન્ટ ટીમ (jet) શરૂ કરી રહ્યાં છે.

આ ટીમ શહેરના 48 વોર્ટમાં કામ કરશે. વોર્ડ દીઠ 1 ટીમ રહેશે. દરેક ટીમ સાથે મોબાઇલ અને ઇ-રિક્ષા રહેશે. રિક્ષાની ડિઝાઇન એનઆઇડીની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવી છે. રિક્ષામાં એક ડ્રાઇવર અને ચાર સ્ટાફ રહેશે. જેમાંથી બે સ્ટાફ કોર્પોરેશનનો અને બે પોલીસ સ્ટાફ હશે. એએમસીના બે સ્ટાફ પૈકી એક એસ્ટેટ ડિપાર્ટમેન્ટની વ્યક્તિ અને એક સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની વ્યક્તિ હશે. જેમાં પાર્કિંગ, દબાણ, જાહેરમાં થૂંકવા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ સહિતની દરેક બાબતોની દેખરેખ રાખવામાં આવશે.

સાથે જ શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘે જણાવ્યું હતું કે, આ પગલાંથી હર્ષની લાગણી થઇ રહી છે. આગળ પણ ઘણા એવા પ્રોગ્રામ અમારા માઇન્ડમાં છે. કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત કામગીરીનો લાભ આ શહેરને મળશે. આનાથી પ્રક્રિયામાં ઝડપ આવશે.

(4:55 pm IST)