Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

ડાન્સ ગુરૂ ધર્મેશના શહેરમાં ડાન્સ વર્કશોપને લઇ ઉત્સાહ

ગુજરાતભરના ડાન્સના રસિયાઓ માટે સોનેરી તકઃ એબીસીડી ફેઇમ ધર્મેશ સર ૧૯-૨૦ મે દરમ્યાન શહેરના અર્વેદ ટ્રાન્સકયુબ ખાતે ડાન્સ વર્કશોપ માટે અમદાવાદમાં

અમદાવાદ,તા. ૮, ડાન્સ ઇન્ડિયા ડાન્સ અને ડાન્સ પ્લસ જેવા શો અને એબીસીડી ૧, એબીસીડી ૨, અને બેન્જો મુવીમાં હિરો તરીકે ડાન્સમાં પોતાની અપ્રિતમ પ્રતિભા દર્શાવી ચૂકેલા ગુજરાતી ડાન્સ ગુરૂ ધર્મેશ સરના એક અનોખા અને ગુજરાતના સૌથી મોટા ડાન્સ વર્કશોપનું અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ડાન્સ ક્ષેત્રે યુવાનોની પ્રતિભાઓને બહાર લાવવા તથા તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના કૌશલ્યો પ્રદર્શિત કરવા માટે સક્ષમ બનાવવાના ઉદ્દેશ્ય સાથે એસકેએમ ઇવેન્ટ મેનેજમેન્ટ અને એસએસએમ ડાન્સ એકેડમી દ્વારા તા.૧૯ અને ૨૦ મે ૨૦૧૮ના રોજ શહેરના રાણીપ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે આવેલા અર્વેદ ટ્રાન્સક્યુબ પ્લાઝા, રાણીપ ખાતે ગુજરાતના સૌથી મોટા બે દિવસીય ડાન્સ વર્કશોપ - ડાન્સ કે ગુરુનું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય વર્કશોપમાં જાણીતા ડાન્સર ધર્મેશ સર ઉપસ્થિત રહીને સહભાગીઓને વિવિધ પ્રકારના ડાન્સ શીખવશે તથા આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપશે. સમગ્ર ગુજરાતમાંથી લગભગ ૧૫૦૦ જેટલાં યુવાનો વર્કશોપમાં ભાગ લેશે તેવી અપેક્ષા છે તેમજ ત્રણ વર્ષની ઉંમરથી લઇને ૫૦ વર્ષની ઉંમરના લોકો વર્કશોપમાં ભાગ લઇ શકશે. વર્કશોપના આયોજન અંગે પ્રતિક્રિયા આપતા આયોજકો સુનિલ સૂર્યુવંશી, સુનિલ વાઘેલા, ભાવિન પારેખ અને મંથન સોનીએ જણાવ્યું હતું કે, "ધર્મેશ સર ડાન્સ ઇન્ડિયા ડાન્સ અને ડાન્સ પ્લસ જેવા શો અને એબીસીડી ૧, એબીસીડી ૨, અને બેન્જો મુવીમાં હિરો તરીકે રહી ચુક્યા છે. ધર્મેશ સરે તેમની અનોખી પ્રતિભા અને ડાન્સના કૌશલ્ય થકી સાબિત કર્યું છે કે ડાન્સ ક્ષેત્રે પણ કારકિર્દી બનાવવી શક્ય છે. જોકે, હજી પણ ઘણાં ઉભરતા કલાકારોને પ્રતિભા દર્શાવવા માટે યોગ્ય પ્લેટફોર્મ અને માર્ગદર્શન મળતું નથી. આ સમસ્યાને દૂર કરવા તથા યુવા ડાન્સર્સને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે અમે ડાન્સ કે ગુરુ વર્કશોપનું આયોજન કર્યું છે. જેનાથી યુવા ડાન્સર્સનો જુસ્સો અને આત્મવિશ્વાસ વધારવામાં મદદ મળી રહેશે અને તેઓ ડાન્સની અદ્ભુત દુનિયામાં વધુ એક કદમ આગળ વધી શકશે." તેમણે ઉમેર્યું હતું કે આ બે દિવસીય વર્કશોપના સમાપન બાદ અમદાવાદમાં એક નવી ડાન્સ એકેડમી અને ડાન્સ રિયાલિટી શો શરૂ કરવાનું પણ અમારું આયોજન છે, જે દ્વારા રાજ્યની યુવા પ્રતિભાઓને વિવિધ પ્રકારના ડાન્સ શીખવીને તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે સક્ષમ બનાવાશે. અનુભવી ડાન્સર્સની ટીમના માર્ગદર્શન હેઠળ યુવાનોને ડાન્સની તાલીમ અપાશે અને તેમને આ ક્ષેત્રે આગળ વધવા માટે જરૂરી પ્રોત્સાહન અને સહયોગ પણ સંસ્થા દ્વારા પૂરો પાડવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમના આયોજક સુનિલ સૂર્યુવંશી, સુનિલ વાઘેલા, ભાવિન પારેખ અને મંથન સોનીને ધર્મેશ સરના આ ગુજરાતના સૌથી મોટા ડાન્સ વર્કશોપના આયોજન માટે મનિષ બારૈયા, વિજય મકવાણા, જૈમિન શાહ અને કૃણાલ માલી દ્વારા સંપૂર્ણ સહકાર આપવામાં આવ્યો છે.

(10:04 pm IST)