Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

બનાવટી શરાબ બનાવવાની ફેકટરીનો અંતે પર્દાફાશ થયો

છ શખ્સોની દરોડા બાદ ધરપકડ કરવામાં આવીઃ મોટી માત્રામાં મુદ્દામાલ કબજે : ઉંડી તપાસનો દોર જારી

અમદાવાદ,તા.૮, ભાડજમાં બોગસ દારુ બનાવવાની ફેક્ટ્રીનો સોલા હાઈકોર્ટ પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. આ દરોડાની કામગીરી દરમિયાન છ શખ્સોને મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા તમામ શખ્સોની ઉંડી પુછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસ ટુકડી પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને આ અંગેની બાતમી મળી હતી જેમાં જાણવા મળ્યું હતું કે, ભાડજ ગામ રબારી વાસમાં કેટલાક ઇસમો ગેરકાયદે કેમિકલ મેળવીને હલ્કી ગુણવત્તાનો ઇંગ્લીશ દારુ બનાવીને બોટલોમાં સીલ કરવાની પ્રવૃત્તિ ચલાવે છે. બાતમી મળ્યા બાદ ભાડજ ગામ રબારી વાસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. સરતાનભાઈ રબારીની ઓરડીમાં દરોડા પાડવામાં આવ્યા હતા જે દરમિયાન યાકત રુઝદાર ખાનની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત પાંચ ઇસમોને પણ પકડી પાડવામાં આવ્યા હતા. મકાનમાં તપાસ કરવામાં આવતા વિદેશી દારુની બોટલો ભરી રોયલ સ્ટેજના ૩૪ તથા બોટલ ઉપર લગાડવાના રોયલ સ્ટેગ કંપનીના સ્ટીકરો તથા રોયલ સ્ટેગ કંપનીના બોટલ મુકવાના કાગળના બોક્સ તથા રોયલ સ્ટેગ કંપનીના પ્લાસ્ટિકના ઢાંકણ નંગ ૭૯૫, આલ્કોમીટર તથા કાળા કલરની પ્લાસ્ટિક સોનેક્સ ટાંકી ૫૦૦ લીટરની મળી આવી હતી જેમાં ૪૦૦ લીટર કથ્થઇ કલરનું આલ્કોહોલ પ્રવાહી મળી આવ્યું હતું. એક આરો મશીન પણ મળી આવ્યું છે. આ ઉપરાંત ૨૦૦ લીટરની ક્ષમતાવાળુ બેરલ પણ મળી આવ્યું છે. આ ઉપરાંત તપાસ કરતા ૧૫૦ લીટર જેટલું રંગવિહિન આલ્કોહોલિક પ્રવાહી મળી આવ્યું હતું. ઝડપાયેલા શખ્સોની પુછપરછ હાથ ધરવામાં આવી હતી. ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવનાર મુખ્ય આરોપી યાકત રુઝદારકાને આ ગેરકાયદે ડુપ્લીકેટ ઇંગ્લિશ દારુ અંગે પૂછવામાં આવતા કહ્યું હતું કે, બધા પ્રવાહીમાં ચોક્કસ તત્વો મળેલા છે. આ શખ્સે કહ્યું હતું કે, કાળા કલરના પ્લાસ્ટિકના કેરબામાં રહેલા પ્રવાહીને અલગ અલગ પ્રમાણસર લઇ પાણી સાથે કાળા કલરની ટાંકીમાં મિશ્રણ કરીને તે મિશ્રણને આલ્કોમીટરથી ડિગ્રી માંપ્યા બાદ ૪૦ ટકા આલ્કોહોલ જેટલી ડિગ્રી થવાથી મિશ્રણને આરો ફિલ્ટરમાં રિફાઈન્ડ કરીને આ પ્રવાહીને પરપ્રાંતિય ઇંગ્લીશ દારુ તરીકે રોયલ સ્ટેગ બ્રાંડ કંપની કાંચની બોટલોમાં ભરી તે બોટલ પર રોયલ સ્ટેગ કંપનીના સ્ટીકર તથા ઢાંકણા લગાવીને ગવર્નમેન્ટ ઓફ હરિયાણા સ્ટીકર લગાવી સીલ કરીને બોટલને રોયલ સ્ટેગના બોક્સમાં ૧૨ બોટલો મુકી બોક્સમાં પેક કરી દેવામાં આવતા અને ગેરકાયદે વેચાણ કરવામાં આવતું હતું.

૪૨૨૬૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અન્ય કેટલા ઇસમો આમા સંડોવાયેલા છેતે મામલામાં તપાસ ચાલી રહ્યોછે.

(10:01 pm IST)