Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

સરકારનું મગફળી ખરીદીનું પ હજાર કરોડનું કાંડ : કોંગી

આગ મામલાની તપાસ સીઆઇડીને સોંપાઇઃ મગફળી ગોડાઉનમાં લાગેલી આગ ત્રણ દિવસ બાદ પણ બેકાબૂ : ફાયરબ્રિગેડ દ્વારા આગ બુઝાવવાની કામગીરી

અમદાવાદ,તા. ૮, રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીના સ્ટોકમાં આગ લાગવાની ચકચારભરી ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ આગના આ સમગ્ર પ્રકરણની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપાઇ છે, બીજીબાજુ, કોંગ્રેસ દ્વારા વારેઘડીયે મગફળીના ગોડાઉનોમાં આગ લાગવાની ઘટના બીજું કઇ નહી પરંતુ રાજય સરકારનું ગંભીર ષડયંત્ર ગણાવ્યું હતું. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ સરકારનું મગફળી ખરીદીનું પાંચ હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો અને રાજકોટના શાપર-વેરાવળ હાઈવે પર આવેલા મગફળીના ગોડાઉનમાં લાગેલી આગના પ્રકરણમાં હાઇકોર્ટની સીટીંગ જજના વડપણ હેઠળ ન્યાયિક તપાસ કરાવવા ઉગ્ર માંગણી કરી હતી. બીજીબાજુ, રાજકોટના શાપર-વેરાવળ હાઈવે પર આવેલા મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ આજે ત્રણ દિવસ બાદ પણ ઓલવાઇ નથી. ફાયરબ્રિગેડના જવાનો દ્વારા આગ બુઝાવવાની કામગીરી સતત હાથ ધરાઇ રહી છે. રવિવારે મોડી રાત્રે ભડકેલી આગમાં રૂ. ૪.૪૧ કરોડની કિંમતની મગફળીની ૨૮,૦૦૦ ગુણી (એક ગુણીનું વજન ૩૫ કિલો) આગમાં બળીને ખાખ થઈ ગઈ છે. છેલ્લા ચાર મહિનામાં મગફળીના ગોડાઉનમાં આગ લાગ્યાની આ ૪થી ઘટના છે. છાશવારે મગફળીના ગોડાઉનોમાં આ પ્રકારે લાગતી આગ અને તેમાં મગફળીના વિશાળ જથ્થાને ભસ્મીભૂત કરી નાંખવાના ષડયંત્રને લઇ ખેડૂતોમાં પણ ઉગ્ર રોષની લાગણી ફેલાઇ છે. તો બીજીબાજુ, ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ આગ લાગવાની આ સમગ્ર ઘટનામાં કેસની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપી દેવાઇ છે. તપાસનીશ એજન્સી દ્વારા જુદા જુદા અધિકારીઓની ત્રણ અલગ અલગ ટીમો બનાવી આગના મામલાની ઝીણવટભરી તપાસ શરૂ કરી દેવાઇ છે. જેમાં કેટલાક લોકોના નિવેદન પણ લેવાયા છે અને પૂછપરછ હાથ ધરાઇ છે. ઉલ્લેખનીય છે કે, મગફળીના આ ગોડાઉનમાં લાગેલી આગ એટલી ભયંકર અને વિકરાળ હતી કે, ફાયબ્રિગેડના જવાનો દ્વારા આશરે દોઢસોથી વધુ ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવવા છતાં આગને કાબૂમાં લઇ શકાઇ ન હતી. રાજકોટ, ગોંડલ, જસદણ, ધોરાજી તેમજ જેતપુર ફાયર બ્રિગેડ વિભાગની આગ બુઝાવવાની કામગીરી માટે મદદ લેવાની ફરજ પડી હતી. આજે ત્રણ-ત્રણ દિવસ વીતવા છતાં આગને કાબૂમાં લઇ શકાઇ નથી, હજુ ગોડાઉનમાં આગની જવાળાઓ પ્રજવલિત જણાઇ રહી છે, જેને બુઝાવવાની સતત કામગીરી ચાલી રહી છે. આવતીકાલ સુધીમાં આગને કાબૂમાં લઇ લેવાય તેવી શકયતાઓ પ્રવર્તી રહી છે. નોંધનીય છે કે,  જે ગોડાઉનમાં આગ લાગી છે તેને નાફેડ(નેશનલ એગ્રિકલ્ચર કોપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ) દ્વારા ભાડે રાખવામાં આવ્યું હતું. જે સ્ટોકમાં આગ લાગી તે તમામ જામનગર જિલ્લામાંથી ખરીદવામાં આવ્યો હતો. આ વખતે ચૂંટણીનો માહોલ હોવાથી સરકારે નવ લાખ ટન જેટલી મગફળી ૯૦૦ રુપિયા પ્રતિ ૨૦ કિલોના ભાવે ખરીદી હતી. જોકે, છેલ્લા ચાર મહિનામાં ગાંધીધામ, ગોંડલ તેમજ જામનગરના હાપામાં આવેલા ગોડાઉનોમાં આગ લાગી ચૂકી છે અને હવે રાજકોટમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની આ ૪થી ઘટના છે.

(9:56 pm IST)