Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

ધવલ અને પિયુષ સાવલીયાનું શૈલેષે અપહરણ કરાવ્યું હતું

શૈલેષ ભટ્ટે ૨૪૦ બિટકોઇન પડાવ્યાનો આરોપ :બિટકોઇન કાંડમાં કોટડિયાએ ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખ્યો :પિયુષે અંતે એફિડેવીટ દાખલ કરી

અમદાવાદ,તા. ૮ :ગુજરાતભરમાં ખળભળાટ મચાવનાર બિટકોઇન કૌભાંડમાં એક પછી એક નવા ખુલાસા સામે આવતાં જાય છે. બિટકોઇન કૌભાંડમાં ભૂગર્ભમાં ઉતરી ગયેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાને એક પત્ર પાઠવી આ કેસના મૂળ ફરિયાદી શૈલેષ ભટ્ટ પર ગંભીર આરોપ લગાવ્યો હતો કે, શૈલેષ ભટ્ટે જ ધવલ અને પિયુષ સાવલીયાનું અપહરણ  કરાવ્યું હતું અને તેઓની પાસેથી ૨૪૦ બિટકોઇન પડાવ્યા હતા. કોટડિયાના આ ગંભીર આરોપ બાદ કેસમાં નવો વળાંક આવ્યો છે. બીજીબાજુ, પિયુષ સાવલીયાએ તપાસનીશ એજન્સી સમક્ષ એફિડેવીટ ફાઇલ કરી ખુલાસો કર્યો છે કે, તે શૈલેષ ભટ્ટને ઓળખતો સુધ્ધાં નથી, તેથી તેણે તેનું અપહરણ કરાવ્યાનો કોઇ પ્રશ્ન જ ઉપસ્થિત થયો નથી. આમ, બિટકોઇન કેસને લઇ અનેક નવા તાણાંવાણાં સર્જાતા સીઆઇડી ક્રાઇમને તપાસનો ધમધમાટ વધાર્યો છે. જો કે, સીઆઇડી ક્રાઇમ હાલ તો ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને શોધી રહી છે કારણ કે, ત્રણ ત્રણ સમન્સ પાઠવવા છતાં કોટડિયા હાજર થયા નથી અને તેથી તેમની ધરપકડ માટેના ચક્રો તપાસનીશ એજન્સીએ ગતિમાન કર્યા છે. બિટકોઇન કેસમાં ગઇકાલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો કે, આ સમગ્ર કૌભાંડમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને કટકી પેટે રૂ.૬૬ લાખ મળવાના હતા. તેમાંથી આરોપી કિરીટ પાલડિયાએ પહેલા રૂ.૩૫ લાખ કોટડિયાને તેમના ભત્રીજા નમન અને અન્ય શખ્સ મારફતે મોકલ્યા હતા. એટલું જ નહી, કોટડિયાના રાજકોટ કનેક્શનનો પર્દાફાશ થયો છે. સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ રાજકોટના નાનકુભાઇ આહિરને આ કેસમાં ઝડપી લીધો છે અને તેની પાસેથી ૨૫ લાખ રૂપિયા જપ્ત કર્યા છે. આ ડેવલપમેન્ટમાં પણ નલિન કોટડિયાનું નામ ફરી સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. બિટકોઇન મામલે રાજકોટના નાનકુભાઇ આહિરનું નામ ખુલતાં સીઆઇડી ક્રાઇમ નાનકુ આહીરને પણ સંકજામાં લીધો હતો. સીઆઇડી ક્રાઇમની પ્રાથમિક પૂછપરછમાં એવી ચોંકાવનારી વાતનો ખુલાસો સામે આવ્યો હતો કે, ગત ફેબ્રુઆરી મહિનામાં આંગડિયા પેઢી મારફતે તેને રૂ.૨૫ લાખ મોકલાયા હતી અને આ રૂપિયા ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા દ્વારા રૂપિયા મોકલાયા હોવાનું સામે આવ્યું હતું. નાનકુભાઇ આહિર જમીન-મકાનના ધંધા સાથે સંકળાયેલા છે. સને ૨૦૧૩માં જમીનનો અમરેલી ખાતે વહીવટ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. સીઆઇડી ક્રાઇમે આ મામલે નાનકુભાઇની પૂછપરછ કરતાં એવી ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે, આ જમીનનો સોદો છેલ્લે ડિસેમ્બર-૨૦૧૭માં રૂ.૩.૨૦ કરોડમાં થયો હતો અને નાનકુભાઇ પાસેથી જપ્ત કરાયેલી રૂ.૨૫ લાખની રકમ ઉપરોકત સોદા પૈકીની હતી. આ સમગ્ર પ્રકરણમાં કોટડિયાના સાળા મારફતે રૂ.૧૦ લાખની રકમ પહોંચાડાઇ હતી, તેથી તે રૂ.૧૦ લાખની રકમ પણ જપ્ત કરવા માટે સીઆઇડી ક્રાઇમે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

(8:15 pm IST)