Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

યુવતીએ એક્ઝામ પાસ કરી તોય હજુ લાઇસન્સ ન મળ્યું

અમદાવાદ આરટીઓ તંત્રની લાલિયાવાળી : ત્રણ મહિના બાદ પણ લાયસન્સ ન મળ્યું : યુવતી પાસના રિઝલ્ટ સ્લીપ લઇ આરટીઓમાં પહોંચી તો રેકોર્ડ ગાયબ

અમદાવાદ,તા. ૮ : અમદાવાદ આરટીઓ તંત્રની લાલિયાવાળીના એક પછી એક ગંભીર કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં લાઇસન્સ સંબંધી કામગીરીમાં નિર્દોષ નાગરિકો-વાહનચાલકો તંત્રના વાંકે દંડાઇ રહ્યા છે અને ભયંકર હાલાકીનો ભોગ બની રહ્યા છે. શહેરની એક યુવતીએ આરટીઓમાં જૂનું સોફ્ટવેર સારથી-૩ અમલી હતુ ત્યારે ટુ વ્હીલરના પાકા લાઇસન્સ માટે ટેસ્ટ ડ્રાઇવ આપ્યો હતો અને તે પરીક્ષામાં તેણી પાસ થઇ ગઇ હતી. આ અંગે તેને પાસના રિઝલ્ટની રિસીપ્ટ પણ અપાઇ હતી. જો કે, ઘણા સમય સુધી તેને ઘેર પોસ્ટ મારફતે પાકું લાઇસન્સ નહી મળતાં તે આરટીઓ કચેરીએ પહોંચી તો, ફરજ પર હાજર અધિકારીઓએ તેણીને જણાવ્યું કે, તમારો તો કોઇ રેકર્ડ જ કોમ્પ્યુટરમાં બોલતો નથી. એક કામ કરો, હવે નવેસરથી લાઇસન્સ કઢાવી લો. આ શબ્દો સાંભળી યુવતી તો ડઘાઇ જ ગઇ અને આઘાતમાં ગરકાવ થઇ ગઇ. આરટીઓ તંત્રના વાંકે યુવતીને ત્રણ મહિનાથી વધુ સમય વીતી ગયો હોવાછતાં પાકું લાયસન્સ મળ્યું નથી અને તે મેળવવા માટે ધરમધક્કા ખાવાનો વારો આવ્યો છે. આવા તો અનેક લોકો આરટીઓ તંત્રની બલિહારીનો ભોગ બની રહ્યા હોઇ અમદાવાદ મોટર ડ્રાઇવીંગ સ્કૂલ ઓનર્સ એસોસીએશનના મહામંત્રી રમેશભાઇ ગીડવાણીએ  ચોક્કસ વ્યવસ્થાતંત્ર અને પરિણામલક્ષી સીસ્ટમ ગોઠવવા માંગણી કરી છે. આરટીઓ તંત્રના અણઘડ વહીવટ અને બિનકાર્યક્ષમ પધ્ધતિની પોલ ખોલતા આ કિસ્સાની વિગત એવી છે કે, શહેરની એક યુવતી ત્રણેક મહિના પહેલાં ટુ વ્હીલરના પાકા લાઇસન્સ માટે આરટીઓ કચેરી પહોંચી. યોગાનુયોગ એ દિવસે સારથી-૩ સોફ્ટવેર અમલી હતું, તે જૂની કંપની સિલ્વર ટ્રેકના કર્મચારીઓ દ્વારા યુવતીનો ડ્રાઇવીંગ ટેસ્ટ લેવાયો હતો, જેમાં તેણી પાસ પણ થઇ ગઇ હતી અને તેને આરટીઓમાંથી પાસની રિસીપ્ટ પણ અપાઇ હતી. ત્યારબાદ યુવતી પોતાના ઘેર પાકું લાઇસન્સ આવવાની રાહ જોતી હતી પરંતુ ઘણો સમય વીતી જવાં છતાં લાઇસન્સ નહી આવતાં તેણી પાસની રિસીપ્ટ લઇ આરટીઓ કચેરી પહોંચી હતી પરંતુ હવે તો નવી કંપની એબી એન્ટરપ્રાઇઝને કોન્ટ્રાકટ સોંપાઇ ગયો હતો, તેથી ભારે આશ્ચર્ય વચ્ચે આરટીઓ કર્મચારી તરફથી એવો આઘાતજનક જવાબ અપાયો કે, બહેન, તમારો તો કોઇ ડેટા જ કોમ્પ્યુટરમાં બોલતો નથી. તમારે હવે નવેસરથી લાઇસન્સ કઢાવવું પડશે. આરટીઓ કર્મચારીનો આ જવાબ સાંભળી યુવતી હેબતાઇ ગઇ હતી અને આઘાતમાં ગરકાવ થઇ હતી. આરટીઓ તંત્રના વાંકે હવે તેને નવેસરથી ટુ વ્હીલરનું કાચુ લાઇસન્સ, તે પછી તેના આધારે પાકુ લાઇસન્સ કઢાવવાનો વારો આવ્યો છે. એટલે કે, ફરીથી ફી ના પૈસા, ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવાની જફા, કાચા લાઇસન્સની ટેસ્ટ, પછી પાકા લાઇસન્સ માટે ટેસ્ટ ડ્રાઇવ અને આ તમામ પ્રોસીજર માટે ધરમધક્કા તો ખાવાના અલગ. આરટીઓ તંત્રમાં રોજેરોજ આવા કેટલાય કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે, જેમાં આરટીઓ તંત્રના વાંકે નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા છે. અમદાવાદ મોટર ડ્રાઇવીંગ સ્કૂલ ઓનર્સ એસોસીએશનના મહામંત્રી રમેશભાઇ ગીડવાણીએ જણાવ્યું હતું કે, આરટીઓમાં જૂની કંપનીનો કોન્ટ્રાકટ પૂરો થઇ ગયો હોય તો નવી કંપનીને જૂનો ડેટા મળી રહે તેની જવાબદારી આરટીઓ તંત્રની છે. જૂની કંપનીનો કોન્ટ્રાકટ પૂરો થયો એટલે જતી રહી અને નવી કંપની નાગરિકોને એમ કહે કે, તેમનો ડેટા નથી તે કેવી રીતે ચાલે? આ બહુ ગંભીર બાબત છે. આવા તો સેંકડો કિસ્સાઓ આરટીઓ કચેરીઓમાં સામે આવી રહ્યા છે. ખરેખર નાગરિકોની ફરિયાદો અને હાલાકીને જોઇ આરટીઓ સત્તાવાળાઓએ અસરકારક અને ચોક્કસ વ્યવસ્થા ગોઠવવી જોઇએ કે જેથી નાગરિકોને કોઇ ફરિયાદ ના રહે અને તેઓને સમય, પૈસા અને શકિતનો દુર્વ્યય ના થાય. તંત્રએ નાગરિકોની ફરિયાદોને પ્રાધાન્યતા આપવી જોઇએ.

(7:29 pm IST)