Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

નડિયાદથી પીજ જવાના રસ્તે આવતી સોસાયટીમાં તસ્કરોએ મકાનના તાળા તોડી કરિયાણાનો સમાન ચોરી છૂમંતર

નડિયાદ:થી પીજ ગામ તરફ જવાના રસ્તે કર્મવીર સુંદરબાગ સોસાયટી આવેલી છે. જ્યા બંગલા નંબર બી-૫માં ડો.દિપલભાઇ રબારી રહે છે. આણંદની કરમસદ મેડિકલ હોસ્પિટલમાં કેન્સર વિભાગમાં નોકરી કરતા દિપલભાઇ હાલ વેકેસન ચાલી રહ્યું હોવાથી પરીવાર સાથે કઠલાલ ગયા હતા. ગત શુક્રવારના રોજ કઠલાલ ગયેલા દિપલભાઇને આજે સોમવારના રોજ નોકરી પર પરત જવાનું હોવાથી તેઓ નડયાદ ખાતે પોતાના ઘરે પરત ફર્યા હતા. જ્યાં મકાનના મુખ્ય દ્વાર પર લગાવેલ તાળુ ગુમ જોવા મળ્યું હતુ. એટલુ જ નહી મકાનનો મુખ્ય દરવાજો પણ અંદરથી બંધ હોવાનું માલુમ પડતા જ તેમના મનમાં ફાડ પડી હતી કે ચોક્કસ કઇક અજુગતુ બન્યું છે. પાછળના દરવાજા પર જઇ ચેક કરતા પાછળનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો, જે બાદ તેઓએ બેડરૂમમાં જઇ તપાસ કરતા તસ્કરો ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે આવેલા બંને બેડરૂમોને ફંફોસીને જતા રહ્યા હોવાનું માલુમ પડ્યુ ંહતું.
ચોરી કરવા ઘરમાં ત્રાટકેલા તસ્કરોને મકાનની તીજોરીઓમાંથી રોકડ રકમ કે સોના-ચાંદીના દાગીના નહી મળતા તમામ સુટકેસ, કબાટો અને કપડાના બેગ વેર વીખેર કરી નાખ્યા હતા. એક બેગ તો બાજુના મકાનમાં જઇ નાખી આવ્યા હતા. તો વળી મકાનના તોડેલા તાળા ચારથી પાંચ મકાન દૂર નાખેલા મળી આવ્યા હતા. દિપલભાઇ અને તેમની પત્નિએ ચોરી થયેલ સામાન અંગે તપાસ કરતા ચોરો ઘરમાંથી પાણીની બોટલ, સુકી પાપડી, ચોકલેટ, સુકો મેવો અને સીરો બનાવવાનો સામાન લઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતુ. સમગ્ર ઘટના અંગે વસો પોલીસે ઘટના સ્થળ પર પહોચી તપાસ હાથ ધરી હતી. પરંતુ મકાનમાં કોઇ મોટી રકમની ચોરી થઇ ન હતી, જેથી ઘટનાની જાણવાજોગ નોધ કરવામાં આવી છે. મહત્વની વાત છેકે કર્મવીર સુંદરબાગમાં છેલ્લા દોઢ વર્ષમાં આ ત્રીજો ચોરીનો બનાવ છે જેને લઇ અહી રહેતા લોકોમાં હવે ડરનો માહોલ પેદા થઇ ગયો છે.

(5:36 pm IST)