Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

સૌથી મોટા જળ અભિયાનમાં સામાજિક-ધાર્મિક સંસ્‍થાઓ સાથે ભાજપના કાર્યકર્તાઓ સેવાયજ્ઞમાં લાગ્યા છે ત્‍યારે માત્ર ટીકાઓ અને આક્ષેપો કરીને કોંગ્રેસ સેવાવ્રતીઓનું અપમાન ન કરેઃ ભરત પંડ્યા

અમદાવાદઃ આજે ગાંધીનગર ખાતે શ્રી કમલમ્ ખાતે ભાજપની બેઠક યોજાઇ છે. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્‍યમંત્રીશ્રી નીતિન પટેલ તથા રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી.સતીષજી ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. સાંજે 05/00 કલાકે યોજાનારી આ બેઠકમાં પ્રદેશ કોર ગૃપના સભ્યો, પ્રદેશ હોદ્દેદારો, મોરચાના પ્રદેશ પ્રમુખો, સેલના પ્રદેશ કન્વીનરો, જીલ્લા/મહાનગરના પ્રભારીઓ, પ્રમુખ/મહામંત્રીઓ, સંસદસભ્યોસહિતના આગેવાનો/ કાર્યકરો ઉપસ્થિત રહેશે. આ પ્રદેશ બેઠક પહેલા બપોરે 02/00 કલાકે, પ્રદેશ હોદ્દેદારોની બેઠક યોજાશે જેમાં પ્રદેશ હોદ્દેદારો, જિલ્લા પ્રભારીઓ, પ્રદેશ મોરચા પ્રમુખો ઉપસ્થિતિ રહેશે.

આ બેઠકોમાં તા.14 એપ્રિલ થી 5 મે સુધી ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત વિવિધ ગરીબ, કિસાન,યુવાનો અને રોજગારી અંગેની યોજનાઓ માટે કરવામાં આવેલા કાર્યોનું રિપોર્ટિંગ લેવામાં આવશે. તેમજ દેશના સૌથી મોટા જળ અભિયાન અંગે માહિતી અને આયોજનના કામોની ફળશ્રુતિની ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ જળ અભિયાનમાં તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ ભાજપ સંગઠનના તમામ કાર્યકર્તાઓ જોડાયેલા રહેશે.

કોંગ્રેસના નેતાઓના આક્ષેપો અને ટીકાઓ સામે પ્રતિક્રિયા આપતાં ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, સૌથી મોટા જળ અભિયાનમાં સામાજિક, ધાર્મિક સંસ્થાઓ સાથે ભાજપના કાર્યકર્તાઓ સરકારના સેવાયજ્ઞમાં કામે લાગ્યા છે ત્યારે માત્ર ટીકાઓ અને આક્ષેપો કરીને કોંગ્રેસ સેવાવ્રતીઓનું અપમાન ના કરે તેવી અપીલ કરી હતી. ગુજરાતમાં ચાલી રહેલા દેશના સૌથી મોટા જળ અભિયાનમાં કોંગ્રેસ સહભાગી ન બને તો કાંઇ નહી પરંતુ જુઠ્ઠાણાઓ ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરી લોકકલ્યાણના આ યજ્ઞમાં રોડા ના નાખે તો પણ સારૂં. કારણ કે, જળસેવા એ જ પ્રભુસેવા છે. લોકભાગીદારીને વંદન તેમજ અભિનંદન છે.

ભરત પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કેગુજરાતની ભાજપ સરકાર હંમેશા ખેડૂત હિતની નીતિ અને યોજનાઓ સાથે ખેડૂતોની પડખે ઊભી રહી છે. મગફળી સહિત અનેક પાકોને ટેકાના ભાવે ખરીદવામાં આવ્યાં છે એની કૉંગ્રેસ ને ઈર્ષ્યા આવી છે, કોંગ્રેસની ભાષા ઈર્ષ્યા અને નડતરની રહી છે અને કોંગ્રેસને કયારેય સેવા સાથે કોઈ જ લેવા-દેવા રહ્યાં નથી, માત્રને માત્ર કોંગ્રેસ નડતરમાં અગ્રેસર છે જયારે ભાજપ લોકસેવામાં હંમેશા અગ્રેસર છે.

ગાંધીજીના વિચારોને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચલાવ્યું છે. તેમાં દેશની એન.જી.ઓ., સામાજીક સંસ્થાઓ અને જાહેર જનતાએ હંમેશા સંપૂર્ણ સાથ અને સહકાર આપ્યો છે. કોંગ્રેસના નેતાઓ કયારેય પણ આવા સમાજ ઉપયોગી કાર્યક્રમોમાં જોડાતાં નથી અને ઉપસ્થિત રહેતાં નથી. કેન્દ્ર અને ગુજરાત સરકારના વિવિધ કાર્યક્રમો જેમ કે, બેટી પઢાવો-બેટી બચાવો, શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ કે કૃષિ મહોત્સવ કે આરોગ્ય નિદાન કેમ્પ કે સ્વચ્છતા અભિયાનના જેવા સમાજ ઉપયોગી કાર્યક્રમોમાં ભાજપ સરકાર હંમેશા લોકોની સાથે હોય છે અને રહેશે. 

કોંગ્રેસ માત્ર ખોટા આક્ષેપો કરીને ગુજરાતની શાણી-સમજુ જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે. ગાય એ સંસ્કૃતિ, શ્વેતક્રાંતિનું પ્રતીક છે, ગાય માટે ભાજપ સરકારે જે કરવું પડશે એ કરશે. ગાય દેશ ની એકતાનું સૂત્ર છે. ગૌવંશ માટે માનવતા ધર્મ અને કર્તવ્ય ધર્મ ગુજરાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ભાજપ સરકાર બજાવે છે, નિભાવે છે અને નિભાવતી રહેશે.

(5:19 pm IST)