Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

સુરતમાં ડો. બીના વિરાણીની હત્યા કરનાર કપોદરાના બિઝનેસમેન સંજય ડોબરીયા અને મહારાષ્‍ટ્રના તારીક શેખની ધરપકડઃ પ્રેમ પ્રકરણમાં હત્યા થયાનું ખુલ્યુ

સુરતઃ સુરતના મહિલા તબીબની થોડા દિવસો પહેલા ડાંગના વઘાઇ પાસેથી અેક નદીમાંથી મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા આ મહિલાની હત્યા થયાનું ખુલ્યુ હતું અને આ હત્યા પાછળ પ્રેમ પ્રકરણ કારણભુત હોવાનું ખુલ્યા બાદ પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે.

સિટી ક્રાઇમ બ્રાન્ચ અને સુરત શહેર પોલીસે સંયુક્ત રીતે મહિલા ડૉક્ટરના મર્ડરની મિસ્ટ્રી સોલ્વ કરી લીધી છે. 28 એપ્રિલના રોજ ડાંગના વઘાઇ પાસેથી પસાર થતી એક નદીમાં મહિલા ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં પોલીસે કપોદરાના બિઝનેસમેન સંજય ડોબરીયા અને મહારાષ્ટ્રના તારિક શૈખની ધરપકડ કરી હતી.

બંને આરોપીઓએ બિના વિરાણીનું ગળું દબાવી હત્યા કરી હતી, બાદમાં 100 કિમી દૂર આવેલ વઘાઇ-સાપુતારા રોડ પર એક નદીમાં મહિલા ડૉક્ટરનો મૃતદેહ ફેંકી દેવામા આવ્યો હતો. વિરાણી ડૉક્ટર હોવા છતાં એલઆઇસી એજન્ટ તરીકે પણ કામ કરતાં હતાં. પોતાના પતિ નિલેશ મારફતે બિના વિરાણી અને ડોબરીયાનો સંપર્ક થયો હતો. ડોબરીયા અને નિલેશ કેટલાય વર્ષોથી મિત્રો હતા. 2008માં બિનાએ નિલેશ સાથે લગ્ન કર્યાં હતાં અને બાદમાં તેની ડોબરીયા સાથે ગાઢ મિત્રતા બંધાઇ ગઇ હતી.

પોલીસે જણાવ્યા મુજબ નિલેશને ડોબરીયા અને બિનાના સંબંધની જાણ થઇ જતાં બંને વચ્ચે બબાલ થઇ હતી. પરિવારના કાઉન્સલિંગ બાદ બંનેએ કોમ્પ્રોમાઇઝ કર્યું અને બિનાને ડોબરીયા સાથે સંબંધ ન રાખવા કહેવામા આવ્યું હતું. તેમ છતાં બિનાએ ડોબરીયાને ફોન કરીને તેની સાથે રહેવા કહ્યું હતું. બંનેનું અફેર જાહેર થઇ ગયા બાદ ડોબરીયા નહોતો ઇચ્છતો કે બિના તેને પબ્લિકલી મળે, માટે તેણે બિનાને મળવા આવવાની ના પાડી દીધી, છતાં બિના સુરતના લસકાણા ખાતે આવેલા ડોબરીયાના ઇન્ડસ્ટ્રીયલ યૂનિટમાં તેને મળવા ગઇ હતી. બંને વચ્ચે ભારે બબાલ થતાં ડોબરીયાએ કેબલ વાયરથી બિનાનું ગળું દબાવી દીધું, એટલામાં પાછળના દરવાજેથી શેખ પણ આવી ગયો હતો અને તેણે બિનાના પગ પકડવામાં ડોબરીયાની મદદ કરી હતી.

હત્યા કર્યા બાદ બંનેએ બિનાના મૃતદેહને 100 કિમી દૂર ફેંકી આવ્યા હતા. આરોપીએ પોલીસને જણાવ્યું કે તેણે મહિલા ડૉક્ટરના બંને ફોનને ડેમેજ કર્યા બાદ તાપી નદીમાં ફેંકી દીધા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવીને હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું હતું, પણ ત્યારે તેની ઓળખ જાહેર નતી થઇ.

સુરત રેન્જના ઇન્સપેક્ટર ઝનરલ ઑફ પોલીસ જી.એસ. મલિકે કહ્યું કે, “સાઉથ ગુજરાતના અન્ય જિલ્લાઓના અનુભવિ પોલીસની ટીમની સાથે મળીને વઘાઇમાં તપાસ કરવામાં આવી હતી. બાદમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદથી કેસની જળ સુધી પહોંચી શક્યા હતા.” 28મી એપ્રિલે નિલેશે આમરોલી પોલીસ સ્ટેશને બિના ગાયબ થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી. બાદમાં કોઇ જાણીતા વ્યક્તિને નિલેશને મૃતદેહનો ફોટો મોકલતાં તેણે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. મોબાઇલ રેકોર્ડ્સ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે કેસની તપાસ શરૂ કરતાં ડોબરીયાની સંડોવણી સામે આવી હતી.

સિટી પોલીસ કમિશનર સતિશ શર્માએ કહ્યું કે, “ડાંગ પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સંયુક્ત રીતે આ કેસને ઉકેલવામા આવ્યો. ગ્રામ્ય પોલીસે રિક્વેસ્ટ કર્યા બાદ અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી હતી અને આરોપીને પકડવામા મદદ કરી હતી.

(5:11 pm IST)