Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

કોંગ્રેસની બેઠકમાં સંગઠન ઠીકઠાક કરવા અને પક્ષ વિરોધી તત્વો સામે પગલા લેવા માંગ

પ્રદેશ કાર્યાલાય ખાતે જિલ્લાના મુખ્ય આગેવાનોની બેઠકમાં ખુલ્લા મને ચર્ચા : બધુ સરખુ કરો નહી તો ૨૦૧૯ની ચુંટણીમાં પણ નિષ્ફળતા જ મળશે તેવો સૂર

રાજકોટ તા. ૮ : ગઇકાલથી ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે ત્રણ દિવસ માટે રાજ્યના જુદા-જુદા ઝોન વાઇઝ મુખ્ય આગેવાનો તથા પદાધિકારીઓની બેઠકોનો પ્રારંભ થયો હતો. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષી નેતા પરેશ ધાનાણી તથા મુખ્ય આગેવાનોની ઉપસ્થિતિમાં વિસ્તૃત ચર્ચાની ધારણા તથા સલાહ સુચનો થયા હતા. સંગઠન અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે કડક પગલા લેવા તથા ચોક્કસ ખામીઓ દૂર કરો નહી તો ૨૦૧૯માં વધુ ખરાબ પરિણામો સહન કરવા પડશે તેવો સૂર વ્યકત થયો હતો.

લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કોંગ્રેસ ભવન ખાતે પ્રદેશ પ્રમુખ તેમજ વિરોધ પક્ષના નેતાની આગેવાનીમાં જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી, બેઠકમાં લોકસભા ચૂંટણી જીતવા શું કરવું તેવો પ્રદેશ નેતાઓએ સવાલ કરતાં જ કેટલાક જિલ્લાના આગેવાનો પ્રદેશ નેતાઓ પર ભડકયા હતા અને મોઢામોઢ સંભળાવી દીધું હતું કે, સૌથી પહેલાં તો તાલુકા જિલ્લા કક્ષાએ જયાં વર્ષોથી સંગઠન બદલાયું નથી ત્યાં જલ્દી નવું સંગઠન બનાવો અને તેમાં ગ્રાઉન્ડ પર કામ કરી શકે તેવા જ આગેવાનોને સામેલ કરો. જો આટલું પણ તમે નહિ કરી શકો તો લોકસભા ચૂંટણીમાં પરિણામ મળવાનું નથી. એટલું જ નહિ પરંતુ પક્ષવિરોધી પ્રવૃત્ત્િ। કરનારા સામે શું કામ પ્રદેશ કોંગ્રેસ પગલાં ભરતાં ડરે છે? પક્ષ વિરોધીઓ સામે કડક હાથે પગલાં લેવા જોઈએ. આગેવાનોનો રોષ જોઈ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ચોંકી ગયા હતા.

લોકસભા ચૂંટણી ધ્યાને રાખી જિલ્લા પ્રમુખો સહિતના આગેવાનની બેઠકમાં અન્ય મુદ્દે પણ ચર્ચા થઈ હતી, જેમાં તાલુકા અને જિલ્લા પંચાયતની બોડીમાં પ્રમુખોની અઢી વર્ષની મુદ્દત પૂરી થઈ રહી છે, આ સંજોગોમાં કોઈ આગેવાન નારાજ ના થાય તે માટે ડેમેજ કંટ્રોલ નીતિ અપનાવવા, તાલુકા અને શહેર સમિતિની નવેસરથી રચના, જનમિત્રોની નિમણૂકો ફટાફટ પૂરી કરી જૂનમાં તાલીમ કાર્યક્રમ રાખવાનું નક્કી કરાયું હતું.

(4:15 pm IST)