Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

ગુજરાતના મંદિરોમાં પ્રસાદના નિયમો લાગું

પ્રસાદની ગુણવતા જાળવવી પડશેઃ ફુડ-ડ્રગ્સ વિભાગે મંદિર સંચાલકોને તાલીમ આપી

અમદાવાદ તા. ૮: સોમવાર ગુજરાતભરમાં મંદિરોના ભોજનાલય, પ્રસાદાલયમાં હવે પ્રસાદ, ભોગની ગુણવત્તા જાળવવી પડશે. શ્રધ્ધાળુઓને ગુણવત્તાયુકત પ્રસાદ, ભોગની ભોજન મળી રહે તે માટે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓફ ઇન્ડિયાએ નિયમો લાગુ કરવા નિર્ણય કર્યો છે જેના ભાગરૂપે રાજય ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે સોમનાથ મંદિરેથી એક દિવસીય તાલીમ શરૂ કરી છે. અત્યાર સુધીમાં ૧૫૦ મંદિરોના સંચાલકોને પ્રસાદની જાળવણીના પાઠ શિખવાડવામાં આવ્યા છે.

શ્રધ્ધાળુઓને ગુણવત્તાયુકત પ્રસાદ, ભોગ અને ભોજનાલયમાં ભોજન મળી રહે તે માટે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓફ ઇન્ડિયાએ દિલ્હીમાં તમામ રાજયોના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.આ બેઠકમાં લેવાયેલાં નિર્ણય બાદ ગુજરાતમાં તમામ મંદિરોમાં પ્રસાદની ગુણવત્તા જાળવવા શું શું કરવુ તેની તાલીમ શરૂ કરાઇ છે. સોમનાથ, અંબાજી, ડાકોર સહિત ઘણાં પ્રસિધ્ધ મંદિરોમાં રોજ હજારો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે જાય છે. આ શ્રધ્ધાળુઓનો પ્રસાદ, ભોગ પણ આપવામાં આવે છે. પ્રસાદ ભોગની સાથે મંદિરોના ભોજનાલયમાં હજારો શ્રધ્ધાળુઓ આરોગે છે. જો પ્રસાદ, ભોગ ભોજનમાં ગુણવત્તા ન હોય તો શ્રધ્ધાળુ બિમાર પણ પડી શકે છે. ફુડ એન્ડ ડ્રગ્સ કમિશ્નર ડો. એચ.જી. કોશિયાએ જણાવ્યું કે શ્રધ્ધાળુઓનું આરોગ્ય જળવાઇ રહે, ગુણવત્તાયુકત પ્રસાદ, ભોગ મળી રહે તે હેતુસર છેલ્લા એકાદ અઠવાડીયાથી મંદિરોમાં તાલીમ શરૂ કરાઇ છે. દિલ્હીથી ફુડસેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓફ ઈન્ડિયાના નિષ્ણાંતો પણ ગુજરાત આવ્યા છે જેઓ મંદિરના સંચાલકોને પ્રસાદ ભોજન માટે કેવા પ્રકારનું રો મટિરિયલ ખરીદવુ, પ્રસાદ બનાવતી વેળાએ કેવી કાળજી રાખવી, પ્રસાદની કેટલાં સમય સુધી, કેવી રીતે જાળવણી કરવી, અમુક સમય બાદ પ્રસાદ બગડી શકે છે. પરિણામે તેનું કેવી રીતે નિકાલ કરવો. આ સમગ્ર બાબતની તાલીમ આપવામાં આવી રહી છે.સોૈ પ્રથમ સોમનાથ મંદિરમાં તાલીમ શિબીર ગોઠવાઇ હતી જેમાં ૬૦ મંદિરોના સંચાલકોએ હાજર રહ્યા હતાં. અમદાવાદ માં ગત રવિવારે એસજી હાઇવે પરના એસજીવીપી ગુરુકુળમાં પણ તાલીમ શિબીર ગોઠવાઇ હતી જેમાં ઉતર ગુજરાતના ૭૫ મંદિરના સંચાલકોએ પ્રસાદની જાળવણીના પાઠ શિખ્યાં હતાં. આખાયે રાજયના મોટાભાગના મંદિરને આવરી લઇને આ પ્રકારની તાલીમ આપવામાં આવશે. ટૂંકમાં, પ્રસાદની ગુણવત્તા જળવાઇ રહે તે માટે ગુજરાતનામંદિરોમાં અભિયાન હાથ ધરાયું છે.

મધ્યાહન ભોજન, પીવાના પાણીની ગુણવતાનુ શું..

ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓફ ઇન્ડિયાએ તમામ રાજયોના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને સુચના આપીને મંદિરોમાં પ્રસાદ, ભોગ અને ભોજનની ગુણવત્તા જળવાઇ રહે તે માટેના નિર્દેશો આપ્યા છે. આજેય ગુજરાતની શાળાઓમાં બાળકોને અપાતા ભોજન ગુણવત્તા જળવાઇ રહે તે માટે ય આવા પ્રયાસો હાથ ધરાય તો ગરીબ વિદ્યાર્થીઓને ફાયદો થઇ શકે તેમ છે. આ જ પ્રમાણે પીવાના પાણીની ગુણવત્તા સામે તો હરહંમેશ સવાલો સર્જાયા છે કેમકે, આજેય હજારો લોકો દુષિત પાણી પીવા મજબુર બન્યા છે ત્યારે પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને તાલીમ આપવાની જરૂર છે. રાજય સરકારે મંદિરોના પ્રસાદની ચિંતા કરી તે જ પ્રમાણે, મધ્યાહન ભોજન જમતા બાળકો અને ગંદુ પાણી પીતા ગુજરાતીઓની ય ચિંતા કરવાની જરૂર છે.

(2:37 pm IST)