Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

GST સહેલી-સહાયક દ્વારા મહિલાશકિત-યુવાઓને સ્વરોજગાર-સ્વાવલંબનની તક મળશેઃ ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારમાં મહિલાશકિતની આર્થિક સક્ષમતાની પહેલઃ GST સહેલીઃ મુખ્યમંત્રી ગ્રામોદય યોજનાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગ્રામીણ વિસ્તારમાં આર્થિક સક્ષમતા માટે મહિલાશકિતના યોગદાનને પ્રેરિત કરતી GST સહેલી અને મુખ્યમંત્રી ગ્રામોદય યોજનાનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો.

શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ એ અલગ-અલગ કર-ટેક્ષની પરંપરાગત પ્રથાને સ્થાને વન નેશન વન ટેક્ષ તહેત GST દેશભરમાં અમલી બનાવ્યો છે.

આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, રાજ્યનો સામાન્ય વ્યવસાયકાર સરળતાથી GSTની પધ્ધતિઓ સમજી શક તેની નવતર પહેલરૂપે અંગ્રેજી-ગુજરાતી ભાષામાં GST સહેલી વેબ પોર્ટલ www.gstsaheli.co.in ગ્રામ વિકાસ કમિશનરેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે.

આ પોર્ટલની મદદથી સખીમંડળ, દુધમંડળી, સેવા સહકારી મંડળી, નાના, સૂક્ષ્મ તથા મધ્યમ ઉદ્યોગોને GSTના અમલીકરણમાં આવતી મુશ્કેલી ઓછી થશે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ GSTની પ્રાથમિક માહિતી અને તાલીમ પ્રાપ્ત કરી નાના વેપારી/ઊદ્યોગકારોને મદદરૂપ થવા GST સહેલી-સહાયકની આ પહેલ મહિલાશકિત અને યુવાનોને સ્વરોજગાર માટે ઉપયુકત બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

તેમણે કહ્યું કે, રૂ. પાંચ કરોડથી નીચેનું ટર્નઓવર ધરાવતા સુક્ષમ, નાના ઊદ્યોગો-MSME, સખીમંડળો અને સહકારી મંડળીઓ માટે વાર્ષિક રૂ. ૧રપ૦, મધ્યમ ઊદ્યોગો માટે રૂ. ૧૭પ૦ તેમજ અન્ય ઊદ્યોગો, સરકારી PSU માટે રૂ. ૩ હજારની નજીવી ફી લઇ GST સુવિધા સેવાઓ પૂરી પાડવામાં આવશે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, મુખ્યમંત્રી ગ્રામોદય યોજના થકી ગામડાંઓમાં પરંપરાગત નાના વ્યવસાયકારોને ૬ ટકા સુધીની વ્યાજ-સહાય આપી તેમના વ્યવસાયને જીવંત બનાવવાની નેમ રાખી છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગ્રામીણ રોજગારીથી જ ગ્રામ્ય સંસ્કૃતિ જીવંત રહી શકે. 

આ યોજનામાં પણ મહિલાશકિત-બહેનોને બે ટકા વધારાની વ્યાજ સહાય અપાશે તેમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં ર.પ૦ લાખ સખીમંડળોની સંખ્યા બે ગણી કરવાની નેમ વ્યકત કરી હતી.

GST સહેલી તેમજ મુખ્યમંત્રી ગ્રામોદય યોજનામાં બેન્કો, ફિક્કી, ઊદ્યોગો સૌ સાથે મળીને જોડાય અને માતા-બહેનો તથા યુવાશકિતને પગભર થવાના અવસરો આપે તેવો અનુરોધ પણ તેમણે કર્યો હતો.

પાંચ જીએસટી સહેલી સહાયકોને મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા.

જીએસટી સહેલી વેબપોર્ટલના માધ્યમથી પ્રથમ ટેક્સ ભરનાર મહિલા સાહસિક ઉદ્યોગપતિઓનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

રાજ્યમાં જીએસટી સહેલી સહાયકની તાલીમ આપવા ત્રણ એજન્સીઓ અને જી.એલ.પી.સી.એલ. વચ્ચે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિ એમ.ઓ.યુ. થયા હતા.

મુખ્યમંત્રી ગ્રામોદય યોજના હેઠળ સ્વસહાય જૂથો અને ડી.આર.ડી.એ. વચ્ચે નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના હેતુથી સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા.

ગ્રામ વિકાસ કમિશનર અને સચિવ શ્રીમતી મોના ખંધારે જી.એસ.ટી. સહેલી તથા મુખ્યમંત્રી ગ્રામોદય યોજના વિશે વિગતો રજૂ કરી હતી. જી.એસ.ટી. સહેલીનું વેબ પોર્ટલ કઇ રીતે ઓપરેટ કરી શકાય તેનું જીવંત નિદર્શન પણ કર્યું હતું.

ફિક્કી-ગુજરાતના ચેરમેન શ્રી રાજીવ વસ્તુપાલે જી.એસ.ટી. સહેલી વેબ પોર્ટલની રચના બદલ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. નાબાર્ડના ડી.જી.એમ. શ્રી હિમાંશુ મિશ્રાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે તાલીમબદ્ધ જી.એસ.ટી. સહાયક ભાઇ-બહેનોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.

ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડના શ્રી એસ.એમ.પટેલે આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમાર, ગ્રામ વિકાસ રાજ્યમંત્રી શ્રી બચુભાઇ ખાબડ, મુખ્યસચિવ શ્રી ડૉ.જે.એન.સિંઘ, જી.એલ.પી.સી.એલ.ના અધિકારીઓ સહિત મોટીમાં સંખ્યા સ્વ-સહાય જૂથોની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

(8:45 pm IST)