Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

મગફળીના ગોડાઉનોમાં લાગતી આગ અંગે કોંગ્રેસ દ્વારા સીબીઆઇ તપાસની માંગણીઃ સરકારને બદનામ કરવાનું ષડયંત્રઃ રાજ્ય સરકાર

અમદાવાદઃ ટેકાના ભાવે ખરીદવામાં આવતી મગફળીના જુદા-જુદા શહેરોમાં આવેલા ગોડાઉનમાં અનેક જગ્‍યાઅે આગ લાગવાના બનાવ અંગે કોંગ્રેસ દ્વારા સીબીઆઇ તપાસની માંગણી કરવામાં આવી છે ત્‍યારે રાજ્ય સરકાર દ્વારા મગફળીના ગોડાઉનમાં આગના બનાવ અંગે સરકારને બદનામ કરવાનું કાવત્રુ હોવાનું જણાવવામાં આવ્યું છે.

રાજ્યના કૃષી મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, 'તાજેતરમાં શાપર ખાતે મગફળીના ગોડાઉનમાં લાગેલી આગને કારણે રૂપિયા ત્રણ કરોડ જેટલું નુકસાન થયું છે. વારંવાર આગ લાગવા પાછળ કોઈ કાવતરું હોવાની ગંધ આવી રહી છે. કોઈ તત્વો આવું કૃત્ય કરીને સરકારને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે.' ફળદુએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ મગફળીના ગોડાઉનમાં આગ લાગવા બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વાતચીત કરશે, તેમજ આ મામલે ઉચ્ચ કક્ષાની તપાસ કરવામાં આવશે.

નોંધનીય છે કે છેલ્લા બે મહિનાથી રાજ્યમાં આવેલા ગુજકોટ અને નાફેડના ગોડાઉનમાં જ આગ લાગી રહી છે. બે મહિના પહેલા ગોંડલના ગોડાઉનમાં આગ લાગી હતી જેમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. 13મી માર્ચે રાજકોટ ખાતે ગુજકોટના ગોડાઉમાં કરોડો રૂપિયાના બારદાન બળીને ખાખ થઈ ગયા હતા. બાદમાં જામનગર અને ગાંધીધામમાં પણ મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ખાલી સરકારી ગોડાઉનોમાં જ કેમ શોર્ટ સર્કિટ કે કોઈ અન્ય કારણથી આગ લાગે છે?

ગોંડલ અને ત્યારબાદ શાપર ખાતે મગફળીના ગોડાઉનમાં લાગેલી આગમાં મીડિયા રિપોર્ટમાં જોવા મળ્યું હતું કે જે મગફળીની જે બોરીઓ આગને કારણે બળી ગઈ હતી તેમાં મગફળી ઉપરાંત માટી પણ હતી. ત્યારે એવો તર્ક રજૂ કરવામાં આવી રહ્યો છે કે ટેકાના ભાવે ખરીદેલી મગફળી સગેવગે કરીને તેમાં માટી અને પથ્થરો ભેળવીને વ્યવસ્થિત ષડયંત્રના ભાગરૂપે સરકારી ગોડાઉનોમાં આગ લગાડવામાં આવી રહી છે. ભાજપ સરકારના કૃષિ મંત્રી હવે કહી રહ્યા છે કે તેમને ગોડાઉનોમાં આગ પાછળ કોઈ ષડયંત્રની ગંધ આવી રહી છે, ત્યારે પ્રશ્ન એ થાય કે સરકારને હવે છેક ખબર પડી કે આગ કુદરતી ન નથી પરંતુ લગાડવામાં આવી રહી છે? સરકાર આ બાબતે અજાણ હોય તે વાત એકપણ રીતે ગળે ઉતરે તેમ નથી.

શાપરના ગોડાઉનમાં લાગેલી આગને કારણે આશરે 40 હજાર જેટલી મગફળીની બોરીઓ બળીને ખાખ થઈ ગઈ છે. જ્યારે બાજુના ગોડાઉમાં ખુલ્લામાં પડી રહેલી મગફળી બચી ગઈ છે. આગની ઘટના બાદ અધિકારીઓ ખુલ્લામાં પડેલી મગફળીને બારદાનમાં ભરવા માટે દોડ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ખુલ્લામાં પડેલી મગફળીમાં માટી અને કાકરાની ભેળસેળ હોવાનું માલુમ પડ્યું છે.

અત્યાર સુધી ક્યાં ક્યાં આગ લાગી?

- 13 માર્ચના રોજ રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં ભીષણ આગ ભભૂકી. બારદાનનો વિપુલ જથ્થો બળીને ખાખ થઈ ગયો.

- બે મહિના પહેલા ગોંડલના ઉમરાળા રોડ પાસે જીનિંગ મિલમાં વેરહાઉસમાં રાખવામાં આવેલ ટેકાના ભાવથી ખરીદ કરાયેલ મગફળીના જથ્થામાં આગ ભભૂકી હતી. આ આગમાં બે લાખ બોરી મગફળી બળીને ખાખ થઈ હતી.

- બીજી જાન્યુઆરીના રોજ ગાંધીધામના મીઠીરોહર પાસે સરકારી ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. અહીં અંદાજે 10 કરોડની કિંમતની મગફળીનો બળીને ખાખ થઈ હતી.

શાપમાં મગફળીના ગોડાઉમાં લાગેલી આગ બાબતે કોંગ્રેસ સીબીઆઈ તપાસની માંગણી કરી છે. આ અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે, 'ભાજપની ધનસંચય યોજના અંતર્ગત આ આગ લગાડવામાં આવી છે. ગોડાઉમાં આગ લાગવી એક દુર્ઘટના નહીં પરંતુ એક ષડયંત્ર છે. આગ અંગે સીએમ અને કૃષિ મંત્રીએ જે નિવેદનો કર્યા છે તેના પરથી જ લાગે છે કે આ મોટું કાવતરું છે. આ અંગે સીબીઆઈ તપાસ કરવામાં આવે.

(5:49 pm IST)