Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

આરોપી અતુલ વેંકરિયા ઉમરા પોલીસ સ્ટેશનમાં હાજર થયો

દારૂના નશામાં યુવતીને કાર નીચે કચડી હતી આગોતરા જામીન કર્યા બાદ અતુલ પોલીસ સ્ટેશનમાં હાજર થયો, હાલ પોલીસે ધકપકડની કાર્યવાહી હાથ ધરી

સુરત,તા.૭ : સુરતની જાણીતી અતુલ બેકરીના માલિક અતુલ વેંકરિયા દ્વારા ઉર્વશી નામની યુવતીને કારથી અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ દારૂના નશામાં કાર અકસ્માત કર્યો હોવાનું પૂરવાર થતા અતુલ વેંકરિયાની ધરપકડનો રસ્તો ખુલ્લો થયો હતો. જોકે, તે પહેલાં અતુલ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. દરમિયાન આગોતરા જામીન કર્યા બાદ આજે અતુલ ઉમરા પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે. હાલ તો પોલીસે ધકપકડની કાર્યવાહી હાથ ધરી છે.  આરોપી અતુલ વેકરીયા ઉમરા પોલીસ સ્ટેશનમાં હાજર થયા બાદ તેને કોવિડ ટેસ્ટ માટે લઈ જવાયો હતો. અતુલ વેકરીયાનો રેપિડ ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ આરટીપીસીઆર રિપોર્ટ પણ કાઢવામાં આવ્યો હતો.

          અતુલ વેકરીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને પોલીસ જાપ્તા સાથે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હજી આરટી-પીસીઆરનો રિપોર્ટ આવવાનો બાકી છે. જોકે, રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતા જ તેને સારવાર માટે દાખલ કરી દેવામાં આવ્યા છે. ઘટનાની વાત કરવામાં આવે તો અતુલ વેંકરિયા દારૂની મહેફિલ માણીને યુનિવર્સિટી રોડ પરથી પરત ફરી રહ્યો હતો. ત્યારે તેણે રસ્તામાં ત્રણ વાહનોને અડફેટમાં લીધાં હતા. જેમાં વેસુના સોમેશ્વરા સ્કેવર સામે અભિષેક પાર્કમાં રહેતા ફરિયાદી નિરજ મનુ ચૌધરી ૨૬મી માર્ચે રાત્રે પોતાની બહેન ઉર્વશીને મોપેડ પર ફ્રેક્ની ખાવા લઈ ગયો હતો. જે દરમિયાન પાર્ક કરેલી મોપેડ પર બેઠેલી ૨૮ વર્ષની ઉર્વેશી ચૌધરીને અતુલ વેંકરિયાએ અડફેટે લેતા ઉર્વશીનું ટુંકી સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે સ્થળ પર પહોંચીને આરોપીને અટકમાં લીધો હતો.  બીજા દિવસે કોર્ટમાં રજૂ કરાતા તેને ૧૫ હજારના જાત જામીન પર મુક્ત કરતો હુકમ કરાયો હતો. જોકે બાદમાં પોલીસે આઈપીસીની કલમ ૩૦૪ મુજબનો ગુનો દાખલ કરી અતુલ વેંકરિયાની શોધખોળ શરૂ કરી હતી, જોકે વેંકરિયા ભાગી ગયો હતો. સાથે જ કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ કરી હતી. બીજી તરફ ઉમરા પોલીસ સામે આરોપીને બચાવવા અંગેના ગંભીર આક્ષેપ થયા હોવાથી પોલીસ કમિશનરે સેકટર વનના એડિશનલ સીપીને તપાસ સોંપી હતી.

(9:41 pm IST)
  • બાહુબલી ધારાસભ્ય મુખ્તાર અન્સારી પછી હવે પૂર્વ સાંસદ અતીક અહમદનો વારો : મુખ્તારને પંજાબની જેલમાંથી લાવ્યા પછી હવે માફિયા અતીકને ગુજરાતની જેલમાંથી લાવી યુ.પી. ભેગો કરાશે : યુ.પી.ના મંત્રી આનંદ સ્વરૂપ શુક્લનું બયાન access_time 2:01 pm IST

  • ટી-૨૦ વર્લ્ડકપ ભારતમાં જ યોજાશે : બેકઅપ પ્લાન પણ તૈયારઃ આઇસીસીના વચગાળાના સીઇઓ જ્યોફ એલાર્ડિસે જણાવ્યું હતું કે ભારતમાં ટી-૨૦ વર્લ્ડકપ રાબેતા મુજબ યોજાવવાનો છે અને તેના માટે તેની પાસે બેક-અપ પ્લાન તૈયાર છે. હાલના તબક્કે ટી-૨૦ વર્લ્ડકપ ભારતમાં જ યોજવા આયોજન access_time 12:21 am IST

  • દેશમાં કોરોનાના કેસમાં ભયંકર ઉછાળો : અત્યાર સુધીના રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાયા : એક્ટિવ કેસનો આંકડો 9 .74 લાખને પાર પહોંચ્યો :વધુ 802 દર્દીઓના મોત: રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,31,787 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,30,57,863 :એક્ટિવ કેસ 9,74,174 થયા વધુ 61,797 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,19,10, 709 થયા :વધુ 802 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,67,694 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 56,286 નવા કેસ નોંધાયા access_time 12:58 am IST