Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

લોકો કાયદાને હાથમાં લેશે તો પોલીસ બળપ્રયોગ કરશે

ગુજરાતના પોલીસ વડાની સ્પષ્ટ ચેતવણી : કોરોના વાયરસના સંક્રમણને રોકવામાં લોકોનો સહકાર જરૂરી : ડ્રોન દ્વારા તપાસ બાદ દાખલ થયેલ૨૫૬૫ ગુના

અમદાવાદ, તા. ૮ : રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાએ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લૉકડાઉનના અમલમાં નાગરિકોનો-આગેવાનોનો મળી રહેલ વ્યાપક સહકાર બદલ સૌનો તંત્ર વતી આભાર વ્યક્ત કરતા કહ્યું કે, લૉકડાઉન દરમિયાન કેટલાક લોકો બે જવાબદારીપૂર્વક ફરી રહ્યા છે  અને તેઓ પોતાના તથા અન્યના સ્વાસ્થ્યને જોખમ ઊભું કરી રહ્યા છે તેવા લોકો ચેતે, પોલીસ તેમની સામે પણ કડક કાર્યવાહી કરશે. લૉકડાઉનના અમલ દરમિયાન પોલીસ વિભાગની કામગીરીની વિગતો મિડીયાને આપતા શ્રી ઝાએ ઉમેર્યું કે અમદાવાદ શહેરમાં જે રીતે સંક્રમણ વધી રહ્યું છે તેવા સંજોગોમાં તંત્ર દ્વારા જે પગલાં લેવાઈ રહ્યા છે તેમાં નાગરિકો પૂરતો સહકાર આપે તે અપેક્ષિત છે. લોકોને મુશ્કેલી ન પડે તે માટે પોલીસ બંદોબસ્ત સાથે એન્ફોર્સમેન્ટ અને સર્ચની કામગીરી કરવામાં આવશે. કોરોનાના સંક્રમણને અટકાવવા અમદાવાદ શહેરના અમુક વિસ્તારો બંધ કરવામાં આવ્યા છે અને લોકોનું થર્મલ સ્કેનિંગ પણ કરાઈ રહ્યું છે.

           સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય તે હેતુથી શાકમાર્કેટ, જથ્થાબંધ માર્કેટના સ્થળો લોકોની સગવડ માટે બદલવામાં આવ્યા છે ત્યારે નાગરિકો પણ તેમાં સહયોગ આપે એ જરૂરી છે. શહેરના ક્લસ્ટર કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં લોકોના આરોગ્યની ચકાસણી વધુ સઘન બનાવાશે. પોલીસ બંદોબસ્ત અપાયો છે અને જરૂર પડશે તો વધારવામાં આવશે. ઝાએ ઉમેર્યું કે લૉકડાઉનના  ચુસ્ત અમલમાં જો નાગરિકો સહયોગ નહીં આપે અને જો કાયદો હાથમાં લેશે તો પોલીસ બળપ્રયોગ કરતાં પણ ખચકાશે નહીં, આ માટે આગેવાનો ,શાંતિ સમિતિના સભ્યો,મોહલ્લા અને સોસાયટીના હોદ્દેદારો વગેરે ત્યાંના  રહીશો સાથે ચર્ચા કરીને સહયોગ કરે તે જરૂરી છે. તેમણે ઉમેર્યું કે, શહેરો- નગરોમાં ડ્રોન સર્વેલન્સની કામગીરી સઘન બનાવવામાં આવી છે. જેમાં ૨૦૫ ડ્રોનના ફૂટેજ દ્વારા  ગઈકાલે ૪૭૧  ગુનાઓ નોંધાયા છે. આજે સુધીમાં ૨,૫૬૫  ગુના દાખલ કરીને ૬,૧૫૧ લોકોની અટકાયત કરાઈ છે.

                જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ ઝ્રઝ્ર્ફ  નેટવર્ક દ્વારા ગઈકાલે ૯૨ ગુના નોંધીને ૧૬૪ લોકોની અટકાયત કરતાં  આજ સુધીમાં ૩૯૯  ગુના નોંધી ૭૯૨  લોકોની અટકાયત  કરાઈ છે. એ જ રીતે  સોશીયલ મીડીયાના માધ્યમ દ્વારા  પણ  ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે અત્યાર સુધીમાં ૧૪૨ ગુના દાખલ કરીને ૨૫૮ આરોપીની અટકાયત  કરી છે. ઝાએ  ઉમેર્યું કે, બેંક અને કરિયાણાની દુકાનના સ્થળે  લોકો   વધુ ભેગા  થાય છે  જેથી સોશિયલ ડિસ્ટેન્સિંગ જળવાતું નથી એવા  કિસ્સાઓ ધ્યાને આવ્યા છે.  તેવા સંજોગોમાં  વ્યવસ્થાપકો અને સંસ્થાઓ જવાબદાર ગણાશે. આવા સ્થળોએ  યોગ્ય અંતર જળવાય રહે તે માટે  ર્માકિંગ, કતાર  કે ટોકન પધ્ધતિ અમલમાં મૂકવી જોઈએ. જો આવા સ્થળોએ  નાગરિકો તરફથી આ પ્રક્રિયાનું પાલન કરવામાં ન આવતું હોય તો  પોલીસને જાણ કરાશે તો પોલીસ ચોક્કસ મદદ કરશે તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું હતું કે,  રાજ્યમાં લૉકડાઉન દરમિયાન  જાહેરનામા ભંગના ૨,૭૮૮ ગુનાઓ, કવૉરન્ટાઈન ભંગના ૮૭૨  તેમજ  અન્ય ગુનાઓ ૪૩૭  એમ મળી કુલ ૪,૦૯૭  ગુનાઓ નોંધાયા છે. જેમાં કુલ ૬,૧૬૯  આરોપીઓની  અટકાયત કરવામાં આવી છે. જ્યારે ૭,૮૭૮  વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે  તેમ, તેમણે ઉમેર્યું હતું.

(8:47 pm IST)