Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

નર્મદા જિલ્લામાં લોકડાઉનના અમલ માટે પોલીસ સતર્ક : લોકોને બિન જરૂરી ઘરની બહાર ન નીકળવા જિલ્લા પોલીસ વડાએ અપીલ કરી

પોલીસ દ્વારા લોકડાઉનનો ભંગ કરતા લોકોના ફોટા વિડિઓ પ્રજા મોકલે તે માટે એક વોટ્સએપ નંબર જાહેર કરાયો છે જેમાં રોજ ૧૦થી ૧૫ ફરિયાદો આવે છે : લોકડાઉન ભંગ બદલ નર્મદા જિલ્લામાં અત્યાર સુધી કુલ-૧૮૦ કેસ કરી ૩૫૦ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરાઈ : ૫૦૦ થી વધુ વાહનો ડીટેઇન કરાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાયરસ (COVID-19) ના લીધે સરકાર દ્વારા સમગ્ર દેશમાં ૨૧ દિવસનું લોક ડાઉન કરવામાં આવ્યું છે. જેથી જાહેર જનતાની સુરક્ષા માટે જાહેરનામા બહાર પાડેલ હોય જે જાહેરનામા ભંગ નહી કરવા તથા લોકોમાં જાગૃતતા લાવવા માટે જાહેર જનતા ઘરે રહી સુરક્ષિત રહે તે માટે અપીલ કરવામાં આવી હોવા છતા ઘણા લોકો પોતાની મનમાની કરતા હોઇ તેમજ સરકાર દ્વારા આપવામાં આવેલ લોકડાઉનની અવગણના કરતા હોઇ જેથી આવા વ્યક્તિઓ સામે જાહેરનામા ભંગ બદલના ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના અંતર્ગત નર્મદા પોલીસ દ્વારા જીલ્લામાં અલગ-અલગ જગ્યાએ ડ્રોન તેમજ સીસીટીવી તેમજ અન્ય રીતે ચાંપતી નજર રાખી લોકડાઉન તથા જાહેરનામાનું ભંગ કરનારા વ્યક્તિઓ સામે તા.૨૫ માર્ચ થી આજદિન સુધી કુલ ૧૮૦ કેસો કરી કુલ-૩૫૦ વ્યક્તિઓની અટકાયત કરી તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે     .તદ્દઉપરાંત લોકડાઉનની અવગણના કરી રોડ ઉપર વાહન સાથે ફરતા કુલ-૫૦૦ થી વધુ વાહનો ડીટેઇન કરી દંડ વસુલ કરવામાં આવ્યો છે ઉપરાંત નર્મદા પોલીસ દ્વારા લોકડાઉન નો ભંગ કરતા લોકોના ફોટા વિડિઓ પ્રજા મોકલે તે માટે એક વોટ્સએપ નંબર જાહેર કરાયો છે જેમાં પ્રજા દ્વારા રોજ ૧૦ થી ૧૫ ફરિયાદો આવે છે અને પોલીસ તે દિશામાં કાર્યવાહી પણ કરે છે તેમ પોલીસ અધિક્ષક હિમકર સિંહે જણાવ્યું હતું.

  આ સંદર્ભે નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે વધુમાં જણાવ્યું કે નર્મદા જિલ્લાની પ્રજા લોકડાઉનમાં પોલીસને સાથ સહકાર આપી રહી છે પોલીસ સતત શહેર માં લાગેલા સીસીટીવીના આધારે તેમજ નગરની ગલીઓમાં ડ્રોન કેમેરા દ્વારા સતત નજર રાખી રહી છે ઉપરાંત લોક ડાઉન ના ભંગ બદલ ૧૮૦ જેટલા કેસો કરી કુલ ૩૫૦ વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે જોકે નર્મદા જિલ્લામાં કોરોના નો એક પણ કેસ નથી ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા લોકોને કોરોના સામે કાળજી રાખવા માટે પણ ખાસ અપીલ કરાઈ હતી તેમજ નિયમિત હાથ ધોવા, માસ્ક પહેરવું, તેમજ સોસીયલ ડિસ્ટનસિંગ જાળવવા તેમજ ઘરમાં રહેવા સુરક્ષિત રહેવા અપીલ કરી હતી.

(5:04 pm IST)