Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

અમદાવાદના શહેર કોટડાના તમામ લોકોની તપાસ શરૂકરાશેઃ કોરોનાને પ્રસરતો અટકાવવા કમિશનર વિજય નહેરાની જાહેરાત

અમદાવાદ: કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વધતો જાય છે. લોકડાઉન હોવા છતાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના 4 નવા પોઝિટિવ કેસ આવ્યાં. નવા ચારેય કેસ લોકલ છે. જ્યારે બેના મોત થયા છે. જેના કારણે રાજ્યમાં કોરોના વાયરસના કેસનો આંકડો 179 પર પહોંચ્યો. કોરોના વાયરસના પોઝિટિવ કેસ જે નોંધાયા છે તેમાં અમદાવાદના 83 કેસ છે. જયારે 5 મોત થયા છે. કુલ મોતનો આંકડો 16 પર પહોંચ્યો છે. અમદાવાદની ચિંતાજનક સ્થિતિ જોતા મધ્ય ઝોનના 6 વોર્ડને બફર ઝોન તરીકે જાહેર કરાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આજે પત્રકાર પરિષદમાં અમદાવાદની સ્થિતિ અને શહેર કોટડામાં વધતા કોરોના કેસો પર મહત્વની જાણકારી આપી. તેમણે કહ્યું કે સાઉથ કોરિયામાં જે રીતે કામ થયું તે જ રીતે કામ થઈ રહ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કહ્યું કે શહેરના કોટ વિસ્તારને બફર ઝોન તરીકે જાહેર કરાયો છે. જેટલા પણ ગેટ છે ત્યાં કોરોના ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. દરેકની ચકાસણી થઈ રહી છે. કાલુપુર શાકમાર્કેટ અને બજાર બંધ કરાયા છે. આખી રાત આ ઓપરેશન ચાલ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે જરૂરી રસ્તાઓ પર બેરીકેટિંગ કરવામાં આવ્યું છે. 13 જગ્યાએ કોરોના ચેકપોસ્ટ બનાવી છે. 12000 લોકોને ચેક કરાયા છે. 700થી વધુ ટીમો ડોર ટુ ડોર તપાસ કરી રહી છે. આવનારા સમયમાં મેગા સર્વેલન્સ હાથ ધરાશે. તેમણે સૌથી મોટી વાત એ કરી કે કોટ વિસ્તારમાં રહેતા તમામ લોકોની આવતી કાલથી તપાસ શરૂ કરાશે.

નહેરાએ કહ્યું કે મોબાઈલ ટેસ્ટિંગ માટે 7 વાન છે. બપોર પછી રેનબસેરા અને લેબર કોલોનીઓમાં પણ તપાસ હાથ ધરાશે. રોજના 600 સેમ્પલ લેવાઈ રહ્યાં છે. આવનારા દિવસમાં કેસ સામે આવશે. જેટલા કેસ શોધીશું એટલું જ સ્થિતિ નિયંત્રણમાં લાવી શકીશું. એક પોઝિટિવ વ્યક્તિ 400  લોકોને અસર કરી શકે છે. છેલ્લા 2 દિવસમાં 1250 સેમ્પલ લીધા છે. તેમણે કહ્યું કે આપણી ટીમો ઘરે ઘરે જઈને સેમ્પલ લઈ રહી છે. ચેઝિંગ ધ વાયરસની થીયરી પર ચાલીએ છીએ. વધુમાં વધુ સેમ્પલ લઈએ છીએ. એક કીટ 15 દિવસ ચાલે તેટલી સગવડ કરાઈ છે. લોકડાઉન વધશે તો પણ સગવડ કરવામાં આવશે.

વિજય નહેરાએ સ્પષ્ટપણે કહ્યું કે જ્યાં સુધી સ્થિતિ નિયંત્રણમાં ન આવે ત્યાં ત્યાં સુધી બફર ઝોન ચાલું રહેશે. કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ કરવામાં આવી રહ્યું છે. સાઉથ કોરિયામાં જે પદ્ધતિથી કામ થયું તે જ રીતે અમદાવાદમાં અમે કરી રહ્યાં છીએ.

(4:18 pm IST)