Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

લાંચીયાઓને પકડવા માટે સક્રિય એસીબી હવે લોકડાઉનનો ભંગ કરતા લોકોને પકડશેે

લોકડાઉનનો ભંગ થતો રોકવા માટેનો ડોઝ વધુ કડક તથા કડવો બનાવતા કેશવકુમારઃ ૩ ડીવાયએસપી, ૩૩ પીઆઇ અને ૧૪૦થી વધુ કાફલો પોલીસની મદદમાં મુકયો : લોક હિતાર્થે રાષ્ટ્રીય કામગીરીમાં મૂળ કામગીરીને કોઇ અસર ન થાય તે રીતે સ્ટાફની ફાળવણી કરી છે : લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના નિયામક સાથે અકિલાની વાતચીત

રાજકોટ, તા., ૮: કોરોના વાયરસ જેવી વિશ્વ વ્યાપી મહામારીથી શ્રેષ્ઠ મેડીકલ સુવિધાઓ ધરાવતા રાષ્ટ્રો પણ ઉગરી શકયા નથી તેવા સમયે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દુરંદેશી વાપરી લોકડાઉનનો લોકો ચુસ્તતાથી અમલ કરે અને પોતાના અને બીજા લોકોના જીવન બચાવવામાં નિમિત રૂપ બને તેવા ઉમદા હેતુથી લોકડાઉનનો કડક અમલ કરાવવા માટે લોકોને કડવો ડોઝ આપવો ખુબ જ જરૂરી હોવાથી રાજય પોલીસ તંત્રની મદદમાં મોટા મગરમચ્છો અને લાંચીયાઓને પકડવાની રેકોર્ડબ્રેક  કામગીરી કરતા એસીબીને પણ લાંચીયાઓની સાથે સાથે લોકડાઉનનો ભંગ કરતા લોકોને અટકાવવા માટે મેદાને ઉતારવામાં આવ્યા છે.

ઉકત બાબતે એસીબીના નિયામક કેશવકુમારનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે આવી રાષ્ટ્ર વ્યાપી આપદા આવી છે ત્યારે માનવતા અને રાષ્ટ્ર સેવાના યજ્ઞમાં એસીબીનું પણ મહત્વનું યોગદાન બની રહે તે માટે ૩ ડીવાયએસપી, ૩૩ પોલીસ ઇન્સ્પેકટર અને ૧૪૦ થી વધુ પોલીસમેન, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઇ કક્ષાના અધિકારીઓને ફાળવી આ કામગીરીમાં મુકવામાં આવ્યા છે.  તેઓએ વિશેષમાં જણાવેલ કે બ્યુરોની મુળભુત કામગીરીને કોઇ અસર ન થાય તે રીતે સુદ્રઢ આયોજન ગોઠવવામાં આવ્યું છે.

ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં કુદકે અને ભુસકે જે રીતે વધારો થઇ રહયો છે તેથી તંત્ર લોકોને ઉગારવા માટે લોકડાઉન દરમિયાન સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા માટે લોકો ઘરમાં રહે કે તે એક માત્ર રામબાણ ઇલાજ હોવાથી તેનો ચુસ્તપણે અમલ કરવા માટે સ્થાનિક પોલીસની મદદમાં હોમગાર્ડ, જીઆરડી, આરટીઓ અને જંગલ ખાતાના સ્ટાફ સાથે એસઆરપી અને આરએએફ જેવી અર્ધલશ્કરી દળો પણ મદદમાં મુકવામાં આવી છે. આમ હવે ઉકત ખાતાઓ સાથે સીઆઇડી ક્રાઇમ અને એસીબીને પણ મેદાને ઉતારતા જ લોકડાઉનના કડક અમલ અર્થેની કામગીરીને વેગ મળશે તેવુ માનવામાં આવી રહયું છે.

(12:00 pm IST)