Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

લોકડાઉન ભંગના હજારો કેસઃ વાહનો કબજેઃ અસરગ્રસ્તો 'લાંબા' થઇ જશે

રાજયમાં એક દિ'માં જાહેરનામા ભંગની ૧પ૪૧ ફરીયાદ, ૩૯પ૬ આરોપીઓની અટકાયતઃ ૮૭૧૭ વાહનો જપ્તઃ પોલીસને કામનું ભારણ વધ્યું, સરકારને દંડની આવક વધશેઃ આરોપીઓએ કોર્ટ કાર્યવાહીનો સામનો કરવો પડશે

રાજકોટ, તા. ૮ :. રાજ્યમાં ૨૨ માર્ચે જનતા કર્ફયુ બાદ આવી પડેલ લોકડાઉનની પરિસ્થિતિમાં વ્યાજબી કારણ વગર બહાર નીકળવાના આરોપસર લોકો સામે ધડાધડ ફોજદારી કાર્યવાહી થવા લાગી છે. હજારોની સંખ્યામાં પોલીસ કેસ નોંધાઈ ગયા છે. હાલ તૂર્ત અમુક કેસમાં સ્થળ પર દંડ વસુલીને અને અમુક કેસમાં વાહન ડીટેઈન કરીને મેમો આપીને પોલીસ જવા દયે છે. જાહેરનામાના ભંગ બદલ અટકાયત કરીને છોડી દેવામાં આવે છે. આગળની કાર્યવાહી કોર્ટમાં થશે.      

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ ગઈકાલે જાહેર કરેલા આંકડા મુજબ એક દિવસમાં જાહેરનામા ભંગના ૧૫૪૧ ગુના નોંધાયા છે. કોરન્ટાઈન કરેલ વ્યકિત દ્વારા કાયદા ભંગના ૬૭૭ ગુના નોંધાયા છે. અન્ય ૧૬૨ ગુના થયા છે. ૩૯૫૬ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. ૮૭૧૭ વાહન જપ્ત થયા છે. ડ્રોનની મદદથી ૩૪૬ અન્ય સીસીટીવી કેમેરાની મદદથી ૬૪ ગુના દાખલ થયા છે. અફવા ફેલાવા અંગે ૧૮ ગુના થયા છે. રાજ્યના એક દિવસના આ આંકડાઓ પરથી સમગ્ર લોકડાઉનના સમયગાળાના જાહેરનામા ભંગના આંકડાઓ, આરોપીઓની સંખ્યા અને ડીટેઈન થયેલ વાહનોની સંખ્યાનો અંદાજ લગાવી શકાય છે.

ભવિષ્યમાં રાજ્ય સરકાર લોકડાઉનના સમયગાળા દરમિયાનની પોલીસ ફરીયાદો પાછી ન ખેંચે તો જ્યારે કેસ કોર્ટના બોર્ડ પર આવે ત્યારે આરોપીઓએ અને પોલીસ તંત્રએ હાજરી આપીને કાયદાકીય કાર્યવાહી કરવી પડશે. વાહનના દંડની રકમથી સરકારની આવક વધશે. હાલ પોલીસનું ભારણ વધ્યુ છે. વકીલો રોકવા સહિતનો ખર્ચ અને સમય આરોપીએ ભોગવવાનો રહેશે. આજના ગુનાઓની અસર ભવિષ્યમાં નોંધપાત્ર આવવાની સંભાવના છે.

આર.ટી.ઓ. ખૂલે ત્યારે દંડ ભરવા લાઈન લાગશે

રાજકોટ :. રાજ્યમાં લોકડાઉનના નિયમનો ભંગ કરી બહાર નિકળેલા હજારો લોકો સામે પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે. અનેક લોકોના ટુવ્હીલર્સ અને ફોરવ્હીલર્સ ડીટેઈન કર્યા છે. ડીટેઈન થયેલા વાહનો નિયમ મુજબ આરટીઓમાં દંડ ભરીને તેની પહોંચ પોલીસ સ્ટેશનમાં રજૂ કરી છોડાવવાના હોય છે. ત્યાં સુધી પોલીસના કબ્જામાં રહે છે. વાહનો પોલીસના હવાલે હોય ત્યારે કેવી જાળવણી થાય ? તે અલગ મુદ્દો છે પરંતુ ત્યાં સુધી વાહન માલિકે વાહન વગર ચલાવવુ પડશે. હાલ આરટીઓમાં રજા છે અને લોકડાઉનના કારણે લોકો બહાર નિકળી શકતા નથી. રોડ ટ્રાન્સપોર્ટ કચેરીઓ રાબેતા મુજબ શરૂ થાય અને લોકડાઉન પૂર્ણ થાય ત્યારે વાહનોના દંડ ભરવા માટે ત્યાં લોકોની લાંબી લાઈનો લાગે તેવા અત્યારના એંધાણ છે.

(11:45 am IST)