Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

મહિલાદિને સુરતમાં પતિ અને સાસરીયાઓએ પુત્ર છીનવી મહિલાને ઘરમાંથી કાઢી મૂકી ! મહિલા ઝેર પીને પોલીસ સ્ટેશનમાં ઢળી પડી !

મહિલા પીએસઆઈ પોતાની કારમાં મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યા :મહિલાની હાલત ગંભીર

સુરતમાં આજે મહિલા દિન ના દિવસે જ એક મહિલા ને પતિએ ઘરમાંથી કાઢી મૂકતા મહિલા વાંદા મારવાની દવા પી પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ પોલીસ સ્ટેશનમાં જ મહિલા ઢળી પડતા મહિલા પીએસઆઈ પોતાની કારમાં મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. જ્યાં હાલ મહિલાની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

  વિગતો મુજબ સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી મહિલાના ત્રણ વર્ષ પહેલાં કવાસ ખાતે રહેતા યુવક સાથે લગ્ન થયા હતા. ત્યારબાદ મહિલાએ બે વર્ષ પહેલાં પુત્રને જન્મ આપ્યો હતો. દરમિયાન સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. મહિલા 5 દિવસ પહેલાં જ અડાજણથી કવાસ સાસરીમાં ગઈ હતી. 4 દિવસ સાસરિયાંઓએ સારી રીતે રાખ્યા બાદ આજે પતિએ મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી. આ પહેલાં પતિએ કાગળ પર સહી લઈ દીકરાને પણ લઈ લેતા
  મહિલા ભાંગી પડી હતી. ત્યારબાદ વાંદા મારવાની દવા પીને ઇચ્છાપોર પોલીસ સ્ટેશન પહોંચી જઈ જમીન પર ઢળી પડી હતી. જેથી ઇચ્છાપોર પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ તત્કાલિક અર્ધબેભાન અવસ્થામાં મહિલાને પોતાની કારમાં સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. મહિલાએ પોતાનું નામ કલ્પના જણાવ્યું હતું.
  આમ એક સાસરીયાઓના ત્રાસથી મજબૂર અને હતાશ મહિલાએ ઝેરી દવા પી લેતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.

(12:00 pm IST)