Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

વડોદરામાં બોર્ડના વિદ્યાર્થીઓનું બેન્ડવાજા વગાડીને ફૂલ આપીને મીઠુ મોઢુ કરાવીને શાળામાં પ્રવેશ અપાયો

વડોદરા: વડોદરા સહિત રાજ્યભરમાં આજે ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. વડોદરા શહેરમાં 85 હજારથી વધુ વિદ્યાર્થીઓ આજથી બોર્ડની પરીક્ષા આપશે. ફતેગંજ વિસ્તારમાં આવેલી કોન્વેન્ટ સ્કૂલમાં કલેક્ટર અને ડીઇઓની હાજરીમાં વિદ્યાર્થીઓને ફૂલ આપી મોઢૂં મીઠું કરાવીને પ્રવેશ આપ્યો હતો. ઉપરાંત વડોદરાના અમિતનગર સર્કલ પાસે આવેલી જય અંબે સ્કૂલમાં વિદ્યાર્થીઓને બેન્ડ વગાડીને ફૂલ આપ્યા બાદ મોઢૂં મીઠું કરાવીને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, આજે વડોદરા શહેરમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે હું તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભકામનાઓ પાઠવું છું. અને જરૂર પડે તો વિદ્યાર્થીઓ સંવેદના હેલ્પ લાઇનનો ઉપયોગ કરે તેવી અપીલ પણ કરૂ છું. જ્યારે જય અંબે સ્કૂલના પ્રિન્સીપાલ પરેશભાઇ શાહે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાના ટેન્શનમાં હોય છે. જેથી તેઓનું ટેન્શન હળવું કરવા માટે બેન્ડવાજા સાથે તેમને પ્રવેશ આપવામાં આવે છે.

ઉપરાંત વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે નવી સ્કૂલમાં આવતા હોય છે. તેઓને અમારી સ્કૂલમાં હળવું વાતાવરણ મળે તે માટે અમે પ્રયાસ કરીએ છે. જ્યારે ડીઇઓ ઉમેદસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, વડોદરામાં 2964 બ્લોકમાં પરીક્ષા લેવાઇ રહી છે. તમામ બ્લોક પર સીસીટીવીનું રેકોર્ડિંગ થશે. અને તેની બે સીડી તૈયાર થશે. જેમાંથી એક સીડી અમારી પાસે રહેશે. જ્યારે એક સીડી બોર્ડમાં મોકલવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર અને જિલ્લામાંથી ધોરણ-10ના 55243 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના 30127 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે. કુલ 103 પરીક્ષા કેન્દ્રો પરથી પરીક્ષા લેવાઇ રહી છે.

(4:52 pm IST)