Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

બાળકના બર્થ સર્ટિફિકેટમાં પાકિસ્તાનનું એડ્રેસ લખાયું

જન્મ-મરણ નોંધણી વિભાગની ગંભીર બેદરકારી : ગંભીર ભૂલ દાખવનારા કર્મચારી-અધિકારીઓને સસ્પેન્ડ કરવા વિપક્ષ કોંગ્રેસ દ્વારા જોરદાર માંગણી કરવામાં આવી

અમદાવાદ, તા.૮ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જન્મ-મરણ નોંધણી વિભાગની બેદરકારી સામે આવતાં ભારે વિવાદ સર્જાયો હતો. અમ્યુકોના જન્મ-મરણ નોંધણી વિભાગે એક બાળકના બર્થ સર્ટિફિકેટમાં લખેલા સરનામામાં પાકિસ્તાન લખી  દેતાં ભારે ચકચાર મચી ગઇ હતી.

          આટલી ગંભીર ભૂલને લઇ સર્ટિફિકેટ ઇશ્યુ કરનાર અધિકારીઓ સામે પ્રશ્ન ઉઠ્યા હતા. તો, વિપક્ષ કોંગ્રેસ દ્વારા અમ્યુકોના જન્મ-મરણ વિભાગની આ ગંભીર બેદરકારીને લઇ અમ્યુકો સત્તાધીશો પર આકરા પ્રહારો કર્યા હતા. આ અંગે જાણવા મળેલી વિગતો મુજબ, મહમ્મદ ઉજ્જૈર ખાન નામના બાળકનો તા.૧-૧૦-૨૦૧૮ના રોજ વીએસ હોસ્પિટલમાં જન્મ થયો હતો. બાળકના પિતાનું નામ અરબાઝ ખાન પઠાણ છે અને માતાનું નામ મહેકબાનુ છે.

         તેઓ વટવા સ્થિત સરકારી આવાસમાં રહે છે. તેમના બાળકના જન્મના પ્રમાણપત્રમાં અમ્યુકોના જન્મ મરણ વિભાગના કર્મચારીએ સરનામામાં ૬૯૩, ચાર માળિયા બ્લોક, પાકિસ્તાન, વટવા, અમદાવાદ લખી દીધુ હતુ. રસપ્રદ વાત એ છે કે, પ્રમાણપત્ર પર સહી કરનાર સત્તાધિકારી ડો.દિવ્યાંગ ઓઝાએ પણ સરનામું જોયા વગર સહી કરી દઇને ભારતીય નાગરિક અરબાઝ ખાનની મુશ્કેલી વધારી દીધી હતી. આ સમગ્ર મામલે અમ્યુકો કોંગ્રેસના નેતા અને બહેરામપુરા વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સીલર બદરૂદ્દીન શેખે જણાવ્યું હતું કે, પ્રમાણપત્ર તૈયાર કરનાર અને તેની પર સહી કરનાર કર્મચારી-અધિકારીને એટલી પણ ખબર નથી કે, અમદાવાદમાં કયાંય પાકિસ્તાન નથી. આટલી ગંભીર ભૂલ શહેરીજનો સાથે ક્રૂર મજાક સમાન કહી શકાય. અમ્યુકો સત્તાધીશોએ આવી ગંભીર ભૂલ દાખવનારા કર્મચારી અધિકારીને સસ્પેન્ડ કરી સબક સમાન કાર્યવાહી કરવી જોઇએ તેવી માંગ પણ તેમણે કરી હતી.

(8:47 pm IST)