Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

શ્રી સ્વામિનારાયણ મંદિર કડીમાં બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાનનો ૧૦૧ મો પાટોત્સવ ઊજવાયો

દેશ-પરદેશથી અનેક હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ :ગુજરાતની ઐતિહાસિક નગરી સોનાની દડી, કિલ્લે કડી, કસ્બે કડી અને હાલમાં કડી આવા અનેકવિધ નામોથી સુપ્રસિદ્ધ કડી નગરમાં આજથી ૧૨૮ વર્ષ પહેલાં સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશીય ગુરુ પરંપરાના દ્વિતીય વારસદાર અજોડ મૂર્તિ શ્રી નિર્ગુણદાસજી સ્વામી બાપાએ શ્રી સ્વામિનારાયણ મંદિર બનાવ્યું હતું. 

    આ મંદિરમાં શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ 101 વર્ષ પહેલાં શ્રી ઘનશ્યામ મહારાજ - શ્રી સ્વામિનારાયણ ભગવાનની વિક્રમ સંવત ૧૯૭૫ મહા સુદ તેરસના શુભ દિવસે મૂર્તિ પ્રતિષ્ઠા કરી અને આરતી ઉતારી હતી. અને નીડર સિદ્ધાંતવાદી સદ્ગુરુ શ્રી  ઈશ્વરચરણદાસજી સ્વામીબાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના પુનિત ચરણોથી પાવનકારી બનેલી આ ભૂમિમાં સદગુરૂઓના  સમયથી ચાલી આવતો પાટોત્સવનો સમૈયો આજે સંતો અને હરિભક્તોના વિશાળ સમૂહે ઉત્સાહભેર મહોત્સવની ઉજવણી કરી હતી.

  શ્રી સ્વામિનારાયણ મંદિર કડીમાં શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામીબાપા અને સાર્વભૌમ નાદવંશીય ગુરુ પરંપરાની સમક્ષ  ૧૦૧ મો પ્રતિષ્ઠોત્સવના અવિસ્મરણીય અવસરે પૂજનીય સંતો - મહંતો અને સદ્ગુરુઓ શ્રી સ્વામિનારાયણ ભગવાન - ઘનશ્યામ મહારાજને પાટોત્સવ વિધિમાં  દૂધ, દધિ, ઘી, મધ, કેસર જળ, શુદ્ધોદક, અત્તરથી અભિષેક કરી કૃતકૃત્ય બન્યા હતા. ત્યારબાદ પૂજનીય સંતો, સદ્ગુરુઓના પ્રાસંગિક પ્રવચનો, શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદ અને ગુરુદેવ જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના દિવ્ય આશીર્વાદ સંભળાવવામાં આવ્યા હતા.

  આ પ્રસંગે કીર્તન ભક્તિ, જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની  વાતોની સમૂહ પારાયણો કરવામાં આવી હતી. દેશ-પરદેશથી અનેક હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મહાપ્રસાદ આરોગી સૌએ યથાસ્થાને પ્રસ્થાન કર્યું હતું.

(7:03 pm IST)