Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

ગુજરાત સરકારે કેન્દ્ર પાસે નર્મદાના પાણી માટે માંગી મદદ

ગુજરાત સરકારની માંગ છે કે કેન્દ્ર મધ્યપ્રદેશને સૂચના આપે કે તે નર્મદાનું પાણી મોટા પ્રમાણમાં રીલિઝ કરે જેનાથી ગુજરાતમાં પીવાના પાણીની તંગી ઉભી ન થાય

નવી દિલ્હી તા. ૮ : ગુજરાત સરકાર જાહેરાત કરી ચુકી છે કે પાણીની તંગીને કારણે ઉનાળામાં ખેડૂતોને સિંચાઈ માટે અને ઉદ્યોગો માટે પણ નર્મદાનું પાણી નહીં મળી શકે. આ સિવાય પીવાના પાણી પર કાપ મુકવાની શકયતા વ્યકત કરી હતી. આ સ્થિતિમાં રાજય સરકારે કેન્દ્રને આ બાબતે હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.

ગુજરાત સરકારની માંગ છે કે કેન્દ્ર મધ્યપ્રદેશને સૂચના આપે કે તે નર્મદાનું પાણી મોટા પ્રમાણમાં રીલિઝ કરે જેનાથી ગુજરાતમાં પીવાના પાણીની તંગી ન ઉભી થાય.

નર્મદા ડિપાર્ટમેન્ટના ACS એમ.એસ.ડાગુર મંગળવારના રોજ કેન્દ્ર સરકારના અમુક અધિકારીઓને મળ્યા હતા અને રાજયમાં ઉભી થયેલી પાણીની તંગીની વિષે જાણ કરી હતી. તેમણે કેન્દ્ર સરકાર અને નર્મદા કંટ્રોલ ઓથોરિટીને વિનંતી કરી હતી કે, ગુજરાત માટે નર્મદા નદીમાં વધારે પ્રમાણમાં પાણી છોડવામાં આવે.

આ વિષયના જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી વિજય રુપાણીએ PMOને પણ આ બાબતે અપીલ કરી હતી અને PMOએ પાણી પુરવઠા વિભાગને આ બાબતે યોગ્ય પગલા લેવાનો આદેશ આપ્યો છે.

એક સૂત્રના જણાવ્યા અનુસાર, પાછલા વર્ષોની સરખામણીમાં સરદાર સરોવર ડેમમાં મધ્યપ્રદેશથી આવતા પાણીના પ્રમાણમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે. માટે અમે કેન્દ્રને અપીલ કરી છે કે મધ્યપ્રદેશથી આવતા પાણીના સપ્લાયમાં વધારો કરવામાં આવે. કેન્દ્રએ અમારી માંગ સાંભળી છે અને હસ્તક્ષેપ કરવાનું આશ્વાસન પણ આપ્યું છે.

સૂત્રના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી ૨૦૧૭ની વાત કરીએ તો ત્યારે મધ્યપ્રદેશથી ૧૯,૦૦૦થી ૨૫૦૦૦ કયુસેક પાણી મળતું હતું, જયારે જાન્યુઆરી ૨૦૧૮માં આ પ્રમાણ ઘટીને ૧૮૦૦થી ૨૦૦૦ કયૂસેક થઈ ગયું છે.

જો ૨૦૧૬-૧૭ સાથે સરખામણી કરવામાં આવે તો, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પાણીની ફાળવણીનું પ્રમાણ લગભગ અડધું કરી દેવામાં આવ્યું છે. ૨૩, જાન્યુઆરી ૨૦૧૭ના રોજ સરદાર સરોવર ડેમની સ્ટોરેજ કેપેસિટી ૫૮૬૦ MCM હતી, જયારે ૨૧મી જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ગુજરાતમાં પાણીનું પ્રમાણમાં ૧૧૭૩ MCM હતું જયારે સરદાર સરોવરમાં તે પ્રમાણ માત્ર ૪૫૫ MCM હતું.

(6:20 pm IST)