Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

અદાણી ગ્રુપની નવી પહેલ; અમદાવાદ એરપોર્ટ પર રિક્ષાચાલકો માટે પ્રિપેડ પિકઅપ સ્ટેન્ડ શરૂ કરાયું

200થી વધુ રિક્ષાચાલકો જોડાયા: સર્વિસમાં જોડાયેલા રિક્ષાચાલકોને એરપોર્ટ ઓથોરિટી તરફથી યુનિફોર્મ, સેફટી શૂઝ તથા તાલીમ અપાઈ

અમદાવાદ એરપોર્ટનું સંચાલન છેલ્લા એક વર્ષથી અદાણી ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. એરપોર્ટ ઓથોરિટી તરફથી હવાઈ મુસાફરી કરતા મુસાફરોને તકલીફ ન પડે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મુસાફરોની સલામતિ અને અનુકૂળતા માટે તાજેતરમાં જ રિક્ષાચાલકો માટે પ્રિપેડ પિકઅપ સ્ટેન્ડ ઉભું કરવામાં આવ્યું છે. જેમાં અત્યારસુધીમાં 200થી વધુ રિક્ષાચાલકો જોડાયા છે.અને વધુ લોકો જોડાય તે માટેના ઓથોરિટી તરફથી પ્રયાસો ચાલુ છે.

અગાઉ રેલવે સ્ટેશનની માફક એરપોર્ટ પર પણ મુસાફરોને પોતાની રિક્ષામાં બેસાડવા માટે રિક્ષાચાલકો છેક ટર્મિનલ સુધી પહોંચી જતા હતા અને નજીક જઈને બુમાબુમ કરતા હોવાથી મુસાફરો અકળાઈ જતા હતા. આ પરિસ્થિતિ અને આ અંગેની મળેલી ફરિયાદોને ધ્યાનમાં લઈને અમદાવાદ એરપોર્ટનું સંચાલન શરૂ કરનારા અદાણી ઓથોરિટીએ રિક્ષાચાલકો માટે મુસાફરોને લાવવા- લઈ જવા માટે પિક અપ પોઇન્ટ અને ડ્રોપ પોઇન્ટ ઉભા કર્યા હતા. તેમ છતાં કેટલાક રિક્ષાચાલકો તેનું પાલન કરતા નહિ હોવાની સાથે અમુક લોકો આર.સી.બુક, લાયસન્સ પણ ધરાવતા નહિ હોવાની ફરિયાદો મળી હતી. તેને ધ્યાનમાં લઈને ઓથોરિટીએ મુસાફરોની સલામતિ અને અનુકૂળતાને ધ્યાનમાં રાખીને સુવ્યવસ્થિત વ્યવસ્થા ઉભી કરવા માટે પ્રિપેડ રીક્ષા સર્વિસ શરૂ કરી હતી. તેમાં જોડાવવા માટે રિક્ષાચાલકે એકપણ રૂપિયો આપવાનો ન હતો. પરંતુ તેમણે વેકસીન સર્ટિફિકેટ, પોલીસ વેરિફિકેશન, રિક્ષાની આર.સી.બુક, ડ્રાયવરનું લાયસન્સ સહિતના જરૂરી સરકારી દસ્તાવેજો આપવાના હતા. તેની સામે ઓથોરિટીએ રિક્ષાચાલકો માટે પ્રિપેડ પિક અપ સ્ટેન્ડ ઉભું કર્યું હતું. એટલું જ નહીં તેમને યુનિફોર્મ, યોગ્ય તાલીમ, સેફટી શૂઝ આપ્યા હતા.

નવી શરૂ કરાયેલી સર્વિસ પ્રમાણે પિક અપ સ્ટેન્ડ પર કાઉન્ટર ઉભું કરવામાં આવ્યું છે. ત્યાં ક્રમવાઇઝ રિક્ષાચાલકોને મુસાફર આપવામાં આવે છે અને મુસાફરોએ નિયમ પ્રમાણેનું ભાડું કાઉન્ટર પર ઓનલાઈન કે અન્ય પદ્ધતિથી ચૂકવવાનું રહે છે. તેની સામે કાઉન્ટર પરથી મુસાફરને રસીદ આપવામાં આવે છે. તે રજૂ કરતા કાઉન્ટર પરથી રિક્ષાચાલકને રકમ ચૂકવી દેવામાં આવે છે. આ સર્વિસમાં અત્યારસુધીમાં 200થી વધુ લોકો જોડાયા છે. જોકે હજુ કેટલાક લોકો દ્વારા આ સર્વિસમાં જોડાયા નથી અને હજુ પણ જૂની પદ્ધતિ પ્રમાણે ટર્મિનલ સુધી પહોંચી જતા હોવાની ફરિયાદ ને ધ્યાનમાં લઈને ઓથોરિટીએ તેને રોકવા માટે ટર્મિનલ પાસે સિક્યોરિટી મૂકવામાં આવી છે. પરંતુ તેમની સાથે રિક્ષાચાલકો ઘર્ષણ કરે છે. ઘણી વખત પોલીસ પણ બોલાવવી પડતી હોવાની વિગતો પ્રાપ્ત થવા પામી છે.

(10:44 pm IST)