Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

નિર્માણધિન ઉમિયાધામ માત્ર મંદિર જ નહી, આધ્યાત્મિક -સામાજીક ચેતના અને આસ્થાનું કેન્દ્ર બનશેઃ વિજયભાઇ રૂપાણી

સામાજીક વિકાસ માટે પાટીદાર સમાજ હંમેશા કટ્ટિબદ્ધ રહ્યો છેઃ નિતિનભાઇ પટેલઃ ગાંધીનગરમાં વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન ખાતે એનઆઇઆર સ્નેહમિલન અભિવાદન સમારોહ

ગાંધીનગરઃ રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલની ઉપસ્થિતીમાં અભિવાદન સમારોહ યોજાયો હતો જે તસ્વીરમાં નજરે પડે છે.

રાજકોટ,તા.૮: વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના નિર્માણ કાર્યમાં ખંતપૂર્વક કાર્યરત સૌ સ્વયંસેવકોને અભિનંદન પાઠવી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, નિર્માણાધિન ઉમિયાધામ માત્ર મંદિર નહીં પણ, આધ્યાત્મિક-સામાજિક ચેતના તથા શ્રદ્ઘા-આસ્થાનું કેન્દ્ર બની રહેશે.

ગાંધીનગર નજીક જાસપુરમાં નિર્માણાધિન વિશ્વ ઉમિયા ધામ ફાઉન્ડેશન ખાતે આયોજિત એનઆઈઆર સ્નેહમિલન અભિવાદન સમારોહમાં ઉપસ્થિત એનઆરઆઈ સહિત પાટીદારોને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આ ફાઉન્ડેશનના જનકલ્યાણ અને સમાજના નાનામાં નાના વર્ગને મદદ કરવાની ઉમદા ભાવનાને સંપૂર્ણ સહયોગ આપવા રાજય સરકાર હરહંમેશ માટે પ્રતિબદ્ઘ છે તેવું પણ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતુ. 

ગુજરાત સતત વિકાસ કરી રહ્યું છે તેમ કહી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતનો સર્વાંગી વિકાસ કરવા સરકાર કટીબદ્ઘ છે. 'સૌનો સાથ સૌનો વિકાસ'ના મંત્રને ઉજાગર કરવા આ ફાઉન્ડેશન અને પાટીદાર સમાજ પણ રાજયના વિકાસમાં સહભાગી બન્યો છે જે, સૌ પાટીદારો માટે જ નહીં પરંતુ સૌ ગુજરાતીઓ માટે ગર્વની વાત છે.

'વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન'માં દાતાશ્રીઓએ કરેલા દાનની રકમનો સદઉપયોગ જ થશે તેવી શ્રદ્ઘા અને વિશ્વાસ રાખી શકાય તેવું આ વિશ્વાસપાત્ર ફાઉન્ડેશન છે જેથી સર્વે દાતાઓને ઉદાર હાથે દાન કરવા મુખ્યમંત્રીશ્રીએ હાંકલ પણ કરી હતી. ભાગ્યશાળીની જ લક્ષ્મી શુભ કાર્યો માટે વપરાય છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, આ ઈશ્વરીય કામ છે, તે ઈશ્વર જ પુરૂ કરશે. મા ઉમાના આશિર્વાદ થકી રૂપિયા એક હજાર કરોડનો આ પ્રોજેકટ પાર પાડવામાં જરાય મુશ્કેલી કે અડચણ આવશે નહીં તેવો મને વિશ્વાસ છે. 

સામાજિક વિકાસ માટે પાટીદાર સમાજ હંમેશા કટિબદ્ઘ રહ્યો છે તેવું જણાવી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે ઉમેર્યું હતું કે, આ સંસ્થાની શરૂઆત કરી ત્યારે આટલું સમર્થન ખૂબ જ ટૂંકા સમયગાળામાં મળ્યું તે વાત પ્રસંશનીય છે. આ ભગીરથ કાર્યને સફળ બનાવવા દાન કરનાર સર્વે દાતાશ્રીઓનો પણ આભાર વ્યકત કરું છું.

અમદાવાદ એ પાટીદાર સમાજનું હબ છે તેવું જણાવી નાયબ મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું નિર્માણ થયા બાદ અહીં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવશે તે બાબતને ધ્યાનમાં રાખી સરકારે પણ રોડ-રસ્તાના કાર્યોનું સુચારુ આયોજન કરી દેવામાં આવ્યું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેમ ગુજરાતની ઓળખ બન્યું છે તેમ આ ઉમિયાધામ પણ પાટીદાર સમાજ સહિત ગુજરાતીઓ માટે આસ્થાનું કેન્દ્ર બની રહેશે તેમ ઉમેર્યું હતું. 

ઊર્જામંત્રી શ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એક એવું ફાઉન્ડેશન છે કે જેના પર ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં સમાજના સૌ નાગરિકોએ વિશ્વાસ મૂકયો છે. જેના ઉમદા કાર્યથી સમાજના તમામ નાગરિકો અવગત છે. ૧૦૦ વીદ્યા જમીન ઉપર રૂ.૧૦૦૦ કરોડના સામાજિક પ્રોજેકટને પાર પાડવાનું ભગીરથ કાર્ય પાટીદાર સમાજ કરી શકે છે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત એન.આર.આઈને આવકારી જણાવ્યું હતું કે, તાજેતરમાં જ વિદેશમાંથી માદરે વતન આવતા એન.આર.આઇને એરપોર્ટ પર બિનજરૂરી ચેકિંગ સહિતની કેટલીક હેરાનગતિનો સામનો કરવો પડતો હતો તેવી ફરિયાદો ધ્યાને આવી હતી. જે બાબતને ગંભીરતાથી લઇને રાજયનાં સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તાત્કાલિક અસરથી આ બિનજરૂરી હેરાનગતી દુર કરવા વહીવટી તંત્રને સૂચના આપી હતી. વિદેશમાંથી સ્વદેશમાં આવી વતન અને રાજયનાં વિકાસકાર્યોમાં એન.આર.આઈ સહભાગી થઇ રહ્યા છે તેવા સર્વે ગુજરાતીઓનો સરકાર વતી મંત્રી શ્રી જાડેજાએ આભાર વ્યકત કર્યો હતો.

'સમગ્ર વિશ્વ એક પરિવાર છે' આપણા દેશની સંસ્કૃતિને ઉજાગર કરતો આ અણમોલ મંત્ર છે તેમ કહી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી આર.પી.પટેલે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરી ઉમેર્યુ હતું કે, આશરે ૧૦૦ શહેરોમાં સેવાનાં એકમાત્ર ઉદ્દેશ સાથે ૧૦ લાખથી પણ વધુ સ્વયંસેવકો આ ફાઉન્ડેશનમાં કાર્યરત છે. તેથી જ આ ફાઉન્ડેશન વિવિધ સામાજિક કાર્યોમાં અગ્રેસર છે.

સામાજિક વિકાસ માટે હંમેશા કટિબદ્ઘ રહેનાર આ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને હવે વિશ્વ સ્તરીય નિર્માણ કાર્ય પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો છે તેવું કહી શ્રી આર.પી.પટેલે જણાવ્યું હતું કે, વિશ્વમાં સૌથી વિશાળ, દિવ્ય અને ભવ્ય એવા 'વિશ્વ ઉમિયા ધામ'નું નિર્માણ કરવું આપણા સૌ માટે ગર્વની વાત છે. ૧૩૧ મીટરની ઊંચાઇ ધરાવતા શિખર સાથે જગતજનની મા ઉમિયાના પાવન મંદિર સાથે આ ધામ એક સમાજ કલ્યાણનું કેન્દ્ર બનશે. ધર્મની સાથે-સાથે શિક્ષણ, સ્વાસ્થ્ય, કૃષિ, રોજગાર, સંગઠન જેવા વિવિદ્ય ક્ષેત્રોમાં યોગદાન આપી આ ફાઉન્ડેશન દ્વારા સમગ્ર માનવ કલ્યાણ માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ પ્રસ્થાપિત કરવાનાં હ્રદયપૂર્ણ પ્રયત્ન કરવાનો સંકલ્પ છે. વિશ્વ ઉમિયાધામ એ સમાજ કલ્યાણ,સેવા અને માનવ ધર્મના વિજયની દિશામાં એવું પગલું છે કે જેનાથી આવનાર પેઢી પણ વિશ્વભરમાં ગર્વની અનુભૂતિ કરશે.

આ પ્રસંગે ફાઉન્ડેશન દ્વારા યુએસએ- કેનેડા નિવાસી અને અન્ય પ્લેટિનિયમ, ગોલ્ડ અને સિલ્વર ટ્રસ્ટી દાતાઓનું સ્મૃતિ ચિહ્રન અર્પણ કરી, સાલ ઓઢાડી મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

આ એન.આર.આઈ સ્નેહમિલન સમારંભમાં સાંસદ શ્રી એચ.એસ.પટેલ, શારદાબેન પટેલ, મહેસુલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ, ધનજીભાઈ પટેલ અને રમણભાઈ પટેલ સહિત ફાઉન્ડેશનના દાતાઓ, વિદેશમાં વસતા પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ અને મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

(4:25 pm IST)