Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

અમદાવાદમાં SVPI એરપોર્ટ પર મુસાફરો માટે નવી બેગેજ સિસ્ટમ જલ્દી થશે સંપૂર્ણ કાર્યરત

છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેરના એરપોર્ટથી 30 સ્થળો અને 14 આંતરરાષ્ટ્રીય સ્થળોએ નેટવર્ક કનેક્ટિવિટીમાં વધારો

અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તાજેતરમાં મુસાફરો માટે અનેક નવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે તો ઘણા ચાલુ કામો પૂરા થવાના આરે છે. તાજેતરમાં ઉમેરવામાં આવેલી અત્યાધુનિક ઈનલાઈન બેગેજ સ્ક્રીનીંગ સિસ્ટમ ઈન્ટીગ્રેશનની ખૂબ નજીક છે. થોડા સમય અગાઉ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક જ દિવસમાં 32,000 મુસાફરોની અવરજવરને પાર કરી ગઈ હતી, જેમાં નિરંતર વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેરના એરપોર્ટથી 30 સ્થળો અને 14 આંતરરાષ્ટ્રીય સ્થળોએ નેટવર્ક કનેક્ટિવિટીમાં વધારો કર્યો છે. નવી એરલાઈન્સ પણ અમદાવાદથી સંચાલન કરવાનું પસંદ કરતી હોવાથી તેમાં સતત વધારો થઈ રહ્યો છે

સમયાંતરે મળેલા મુસાફરોના સૂચનોના આધારે છેલ્લા કેટલાક મહિનાઓથી બેગેજ સ્ક્રીનીંગ સિસ્ટમને અપગ્રેડ કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. મુસાફરો અને હિતધારકોના સહયોગથી તે સિસ્ટમ એકીકરણ સાથે સંપૂર્ણ રીતે કાર્યરત થશે. પેસેન્જરોની સુવિધા માટે પ્રોસેસિંગ સમયને વધુ અસરકારક બનાવવા માટે બેગેજ હેન્ડલિંગ સિસ્ટમને અપગ્રેડ કરવાની પહેલ કરવામાં આવી છે.

નવી સિસ્ટમ માત્ર પ્રોસેસિંગ સમયને અસરકારક બનાવશે એટલું જ નહીં, પરંતુ સીમલેસ મુસાફરીના અનુભવમાં વધારો કરશે. બે નવા કેરોસલ્સ બેગેજ હેન્ડલિંગમાં સરળતા વધારશે. SVPI એરપોર્ટ પર તાજેતરમાં ડોમેસ્ટિક ડિપાર્ચરની બહાર નવી ડ્રોપ-ઓફ લેન શરૂ કરવામાં આવી છે. વળી નવા અરાઈવલ હોલનું કામ પૂર્ણતાના આરે હોવાથી તે ટૂંક સમય માં જ પેસેન્જર્સની સરળતા અને બહેતર અનુભવ માટે કાર્યરત થશે.

(11:33 pm IST)