Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

નડિયાદ તાલુકાના પાલૈયા ગામે સગીર પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ આરોપીને અદાલતે પાંચ વર્ષની કેદની સુનવણી કરી

નડિયાદ : નડિયાદ તાલુકાના પાલૈયા તાબે હઠીપુરા સગીર પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં નડિયાદ પોક્સો કોર્ટના જજે આરોપીને પાંચ વર્ષની સખ્ત કેદની સજા તથા દંડ નો હુકમ કર્યો છે.

આ ચકચારી બનાવની વિગત એવી છે કે, આરોપી નિલેશકુમાર ઉર્ફે જીગ્નેશ વિનુભાઈ સોલંકી (રહે.પાલૈયા તાબે હઠીપુરા, તા.નડિયાદ, જિ-ખેડા) એ ફરિયાદીની ભોગ બનનાર દીકરી ઉં.૧૩ વર્ષ ૭ માસ ૩ દિવસને ગઇ તા.૨૫/૦૫/૨૦૨૧ ના રોજ ફરિયાદીના ઘરેથી રાત્રિના ૧ વાગ્યાના સુમારે જારકર્મ કરવાના બદઇરાદાથી મોટરસાયકલ ઉપર કાયદાના સંઘર્ષમા આવેલ બાળકની મદદ લઇ ભગાડી લઈ જઈ તેની સાથે શારીરિક છેડછાડ કરી તેની સાથે જબરદસ્તી કરી શરીરે હાથ ફેરવી તથા બળજબરી કરવાનો પ્રયત્ન કરતા ભોગ બનનારે આરોપીને ધક્કો માર્યા અંગેની ફરિયાદ નડીઆદ રૂરલ પોલીસ મથકે આપતા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા આરોપીને તા. ૦૧/૦૬/૨૦૨૧ ના રોજ ધરપકડ કરી કોર્ટમાં રજુ કર્યો હતો. 

આ કેસની ચાર્જશીટ થતા પોક્સો કેસ ખેડા જિલ્લાના સ્પે. પોક્સો કોર્ટ જજ પી.પી. પુરોહિતની કોર્ટમાં દાખલ થયો હતો. આ કેસમાં ફરિયાદ સરકારી વકીલ ગોપાલ વી. ઠાકુરની દલીલો તેમજ ફરિયાદ પક્ષે ૧૩ સાહેદોના મૌખિક પુરાવા તેમજ ૩૬ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઇ સ્પે. પોક્સો જજે આરોપીને આ મુજબ સજા કરેલ છે. જેમાં ઇ.પી.કો કલમ ૩૬૩ મુજબના ગુનામાં ૫ વર્ષની સખ્ત કેદ તથા રૂ. ૩,૦૦૦ નો દંડ, દંડની રકમ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજા, ઇ.પી.કો. કલમ ૩૬૬ મુજબના ગુનામાં ૫ વર્ષની સખ્ત કેદ તથા રૂ. ૩,૦૦૦નો દંડ, દંડની રકમ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજા, પોક્સો એક્ટ મુજબ ૫ વર્ષની સજાનો હુકમ તથા રૂ. ૧૦,૦૦૦ નો દંડ તથા દંડ ન ભરે તો વધુ ૧ વર્ષની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે.

(4:55 pm IST)