Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

તમે મને પગમાં વગાડયું કહીને પાંચ લાખ લઈ ફરાર

અમદાવાદના નિકોલ વિસ્તારની ઘટના : સાઈડ લાઈટ આપ્યા વગર ગાડીનો ટર્ન લેતાં ગાડી મારા પગ સાથે અથડાતાં પગે વાગ્યું હોવાનું નાટક કર્યું

અમદાવાદ,તા. : શહેરના નિકોલ વિસ્તારમાં મેનેજર પાસે આવીને ગઠિયાએ તમે સાઈડ લાઈટ આપ્યા વગર ટર્ન લેતાં મારા પગ પર ટક્કર વાગતાં મને ઇજા થઇ છે. એમ કહી મેનેજર સાથે વાતો કરતો હતો. તે સમયે અન્ય એક ગઠિયાએ આવીને મેનેજરની બ્રેઝા કારની સીટ પર મૂકેલ પાંચ લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. નિકોલના સ્વસ્તિક હાર્મનીમાં રહેતા દીપકભાઈ સાવલિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ ચાંગોદર ખાતે આવેલ જેક્શન વિઝન નામની કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. સાંજના સમયે બ્રેઝા કાર લઈ બાપુનગર ડાયમંડ માર્કેટ જવા માટે ઘરેથી નીકળ્યા હતા. બાપુનગર ડાયમંડ માર્કેટમાં આવેલ આંગડિયા પેઢીમાંથી રૂ. પાંચ લાખ થેલીમાં મૂક્યા હતા. રૂપિયા ભરેલી થેલી કારમાં હેડ બ્રેકની બાજુમાં મૂકી ઘરે જતા હતા. દરમિયાન નિકોલ નરોડા રોડ પર આવેલ પૂનમ બેકરી પાસે પહોંચ્યા ત્યારે એક ગઠિયાએ તેમની કારનો કાચ ખખડાવતો હતો.

જેથી તેમણે તેમની કાર સાઈડમાં લીધી હતી. ફરિયાદીએ કારનો કાચ ખોલ્યો ત્યારે તમે સાઈડ લાઈટ આપ્યા વગર ગાડીનો ટર્ન લેતાં તમારી ગાડી મારા પગ સાથે અથડાતાં મને પગે વાગ્યું છે. એમ કહી ગઠિયાએ એક્ટિવાનો ટર્ન લઈ મેનેજર પાસે લઈ જઇ ઇજા થઇ હોવાનું બતાવતો હતો. તે દરમિયાન અન્ય એક ગઠિયો આવી ફરિયાદીની નજર ચૂકવી કારમાં મૂકેલા પાંચ લાખ લઈ ફરાર થઇ ગયો હતો

ત્યારબાદ એક્ટિવા ચાલક પણ જતો રહ્યો હતો. જ્યારે તેઓ કાર લઈ રસ્તામાં જતા હતા ત્યારે તેમણે તે વખતે જોયું તો કારની સીટની બાજુમાં મૂકેલ રૂપિયા ગાયબ હતા. ગઠિયાએ મેનેજરની નજર ચૂકવી પાંચ લાખ લઇ રફુચક્કર થઇ ગયો હતો. ત્યારબાદ મેનેજરે સમગ્ર ઘટનાની પોલીસનેે જાણ કરી બે ગઠિયા વિરુદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

(7:24 pm IST)