Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

વાઇબ્રન્ટ ગુજરાત :અમેરિકા બાદ બ્રિટન પણ કન્ટ્રી પાર્ટનર નહીં બને

વિશ્વના બે આર્થિકક્ષેત્રે પાવરફૂલ દેશોએ ઇનકાર કરતા ગુજરાતને ઝટકો

અમદાવાદ :વાઇબ્રન્ટ ગુજરાત 2019ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રૂપાણી સરકાર આ માટે વિવિધ સ્તરે જહેમત ઉઠાવી કરી રહી છે. વાયબ્રન્ટ અે વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. જેને રૂપાણી સરકારે જાળવી રાખ્યો છે.

  આ વર્ષે લોકસભાની ચૂંટણીઓ વચ્ચે યોજાઇ રહેલા વાયબ્રન્ટમાં રૂપાણી સરકારને ઝટકા પર ઝટકા લાગી રહ્યા છે. અમેરીકાએ વાયબ્રન્ટ ગુજરાતમાં પાર્ટનર બનવાનો ઈનકાર કરીને આંચકો આપ્યો છે.ત્યાં બ્રિટન પણ કન્ટ્રી પાર્ટનર નહીં બને તેવું સ્પષ્ટ થઈ ગયું છે. અામ બે આર્થિકક્ષેત્રે પાવરફૂલ દેશોએ ઇનકાર કરીને ગુજરાતને ઝટકો અાપ્યો છે. મોદી સરકારની નીતિઓનો ભોગ હવે ગુજરાત બની રહ્યું છે. 

   આગામી વર્ષની 18થી 20 જાન્યુઆરી સુધી યોજાનારી 9મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં અમેરિકા બાદ હવે યુકે પણ ભાગ લેશે નહીં. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા માટે યુકે તરફથી રાજ્ય સરકારને કોઈપણ પ્રકારનું કન્ફર્મેશન મળ્યું નથી, જેનો સીધો અર્થ એ છે કે, તેઓ પાર્નટર કન્ટ્રી તરીકે ભાગ લેશે નહીં.

  આ વાતનું સમર્થન કરતા મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંઘે જણાવ્યું હતું કે, યુકે તરફથી કોઈ કન્ફર્મેશન ન આવતા તે આ ઈવેન્ટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાશે નહીં. યુકેએ પાર્ટનર કન્ટ્રી ન બનવા પાછળનું કોઈ કારણ આપ્યું નથી. સૂત્રો મુજબ, વિદેશ મંત્રાલય અને ગુજરાત સરકારે યુકેનો અનેકવાર સંપર્ક કર્યો હતો. પરંતુ તેનો રિસપોન્સ નેગેટિવ હતો. જેની પાછળનું કારણ બ્રેક્ઝિટને લીધે સર્જાયેલી આર્થિક કટોકટી પણ હોય શકે છે. જો કે યુકેએ પાર્ટનર કન્ટ્રી ન બનવા પાછળનું કોઈ કારણ આપ્યું નથી

(2:32 pm IST)