Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

હાય રે બેકારી... ૮૧૦૦ની નોકરી માટે સોફટવેર એન્જીનિયરો - ગ્રેજ્યુએટોએ લાઇનો લગાવી

ગુજરાતમાં બેરોજગારીનું બિહામણું ચિત્ર

હાય રે બેકારી... ૮૧૦૦ની નોકરી માટે સોફટવેર  એન્જીનિયરો - ગ્રેજ્યુએટોએ લાઇનો લગાવી

અમદાવાદ તા. ૬ : ગુજરાતમાં બેરોજગારીની સમસ્યા કઈ હદ સુધી પહોંચી છે તેનું જીવતું જાગતું ઉદાહરણ અમદાવાદમાં જોવા મળ્યું છે. બુધવારથી શહેરના લાલ દરવાજા વિસ્તારમાં ટ્રાફિક રેગયુલેશન બ્રિગેડ (TRB)ની ભરતી માટે ફોર્મનું વેચાણ શરૂ કરાયું છે. મહિને ૮૧૦૦ રુપિયા પગારવાળી આ નોકરી માટે જે લોકો ફોર્મ લેવા લાઈન લગાવી રહ્યા છે તેમની પાસે જે ડિગ્રી છે તે જોઈ કોઈ પણ ચોંકી જાય.

પહેલા દિવસે કુલ ૧૨,૩૦૦ ફોર્મ વેચાયા હતા. જેને ખરીદનારા કેટલાક તો માસ્ટર ડિગ્રી, વકીલાત, બીએડ તેમજ કમ્પ્યુટર એન્જિનિયરિંગની ડિગ્રીઓ ધરાવતા હતા. હાલમાં જ જેનું પેપર ફુટ્યું હતું તેવી LRDની પરીક્ષા આપનારા યુવક-યુવતીઓ પણ TRBની નોકરી માટે ફોર્મ લેવા લાઈનમાં ઉભા રહ્યા હતા.

TRBનું ફોર્મ લેવા આવેલા સંજય પટણી અમદાવાદના અસારવા વિસ્તારમાં રહે છે. તેમણે ૨૦૧૪માં એમએડ કર્યું. તેમની પાસે હિન્દી અને ગુજરાતી એમ બંને વિષયોમાં અનુસ્નાતકની ડિગ્રી છે. જોકે, ચાર વર્ષથી તેમની પાસે નોકરી નથી, જેથી હાલ તેઓ ટેકસી ચલાવે છે. તેઓ એલઆરડીની પરીક્ષા આપવા વડોદરા ગયા હતા, પરંતુ પેપર લીક થઈ જતાં પરીક્ષા કેન્સલ કરાઈ હતી.

દહેગામમાં રહેતા યોગેશ પંચાલ સોફટવેર એન્જિનિયર છે, પરંતુ તેમની પાસે નોકરી નથી. તેઓ ટીઆરબીનું ફોર્મ લેવા માટે અમદાવાદ તો આવ્યા, પરંતુ અહીં આવી તેમને ખબર પડી કે આ નોકરી માત્ર અમદાવાદ શહેરમાં રહેતા લોકો માટે જ છે. તેઓ હાલ છૂટક કામ કરીને ગુજરાન ચલાવે છે. તેમના પિતા સુથાર છે, પરંતુ પરિવારની આવક ઓછી હોવાથી યોગેશ પંચાલ પણ નોકરી શોધી રહ્યા છે. તેમનું કહેવું છે કે, કમ્પ્યુટર એન્જિનિયર તરીકે નોકરી ન મળે ત્યાં સુધી રાહ જોવી તેમને પોસાય તેમ નથી.

રખિયાલમાં રહેતા ચિંતન ગોહિલ LLBની ડિગ્રી ધરાવે છે, અને હાલ તેઓ વકીલાત પણ કરે છે. જોકે, તેમાં તેમનું પૂરું નથી થતું. ચિંતન ગોહિલની હાલની આવકમાં છ સભ્યોના પરિવારનું ગુજરાન ચાલી શકે તેમ ન હોવાથી તેઓ ટીઆરબીનું ફોર્મ લેવા આવ્યા હતા. તેમનું કહેવું છે કે, ગયા વર્ષે કાયદાનો અભ્યાસ પૂરો કર્યા બાદ એક ક્રિમિનલ લોયના આસિસ્ટન્ટ તરીકે તેમણે કામ શરુ કર્યું હતું, પરંતુ મહિને તેઓ માંડ ૫૦૦-૧૦૦૦ રુપિયા કમાય છે.

ટીઆરબી જવાનનું કામ ટ્રાફિક પોલીસને આસિસ્ટ કરવાનું છે, જેના માટે તેમને રોજનું ૩૦૦ રૂપિયા ભથ્થું અપાય છે. આ જવાનો મહિનાના ૨૭ દિવસ નોકરી કરી શકે છે. મતલબ કે કોન્ટ્રાકટ પર નોકરી કરતા આ જવાન મહિને વધુમાં વધુ ૮૧૦૦ રૂપિયા કમાઈ શકે છે. જેના માટે તેમણે ફાળવવામાં આવેલા ટ્રાફિક પોઈન્ટ પર દિવસના આઠ કલાક ઉભા-ઉભા નોકરી કરવાની હોય છે.

ડીસીપી ટ્રાફિક (એડમિન) તેજસ પટેલે જણાવ્યું હતું કે, પહેલા દિવસે ૧૨,૩૦૦ ફોર્મ વહેંચાયા હતા, અને ૮ ડિસેમ્બર સુધી ફોર્મનું વેચાણ ચાલુ છે. કોન્ટ્રાકટ પર અપાતી આ નોકરી માટેની શૈક્ષણિક લાયકાત માંડ નવમું ધોરણ પાસ છે, પરંતુ તેના માટે ફોર્મ લેનારા કેટલાક લોકો તો ડબલ ગ્રેજયુએટની ડિગ્રી પણ ધરાવે છે.

અમદાવાદમાં ૧૪૦૦ જેટલા ટીઆરબી જવાનની ભરતી થવાની છે. તેના માટે બુધવારથી ફોર્મનું વેચાણ શરૂ કરાયું છે. ફોર્મ લેવા માટે વહેલી સવારથી જ યુવક-યુવતીઓની લાંબી લાઈનો લાગી ગઈ હતી. લોકોની ભીડ એટલી બધી હતી કે બપોર સુધીમાં તો બધા ફોર્મ પૂરા થઈ જતાં વેચાણ અટકાવાયું હતું.(૨૧.૨૭)

(3:59 pm IST)
  • દેશના પાંચ રાજ્યોની ધારાસભાની ચૂંટણીઓના એક્ઝિટ પોલ શરૂ : ટાઈમ્સ નાવ તથા CNX એક્ઝિટ પોલ મુજબ તેલંગાણામાં TRS સત્તા જાળવી રાખશે : MP માં ભગવો લહેરાશે : રાજસ્થાનમાં કોંગ્રેસનું શાસન આવશે :છત્તીસગઢમાં બી.જે.પી.નું શાસન જળવાઈ રહેવાની શક્યતા access_time 6:16 pm IST

  • રાજકોટ : અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આજે પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ : ૪૦૦ જેટલા ગરીબ દર્દીઓના નિઃશુલ્ક ઓપરેશન માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરાઈ access_time 3:20 pm IST

  • વડોદરા :વાઘોડીયામાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા :જગદીશ શાહના ફાર્મ હાઉસમાં હતી મહેફિલ :વાઘોડીયા પોલીસે મહેફિલમાં ભંગ પાડ્યો :લગ્નપ્રસંગ પૂર્વે યોજાઈ હતી દારૂની મહેફિલ :ભારતીય બનાવટની દારૂ, 4 કાર સહિત 18 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત : પોલીસે 14 નબીરાઓની કરી ધરપકડ access_time 3:24 pm IST