Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

ચોંકાવનારા તારણો શું કહે છે

૬૪ ઉમેદવારો સામે ગંભીર ગુનાઓ બોલે છે

ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસનું રસપ્રદ વિશ્લેષણ

         કુલ ૮૨૨ ઉમેદવારોમાંથી ૧૦૧ એટલે કે, ૧૨ ટકા ઉમેદવારો સામે ફોજદારી કેસો દાખલ થયેલા છે. જેમાંથી ૬૪ ઉમેદવારો સામે ગંભીર ગુનાઓ બોલે છે. ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવાર મહેશભાઇ સોમજીભાઇ ભુરિયા(ઝાલોદ વિધાનસભા-એસટી) સામે આઇપીસીની કલમ-૩૦૨ હેઠળ મર્ડર અને આઇપીસી કલમ-૩૭૬ હેઠળ બળાત્કારનો ગંભીર ગુનો નોંધાયેલો છે, જયારે આ જ વિધાનસભા મતક્ષેત્રના ઉમેદવાર કટારા ભાવેશ બાબબુભાઇ સામે પણ આઇપીસીની કલમ-૩૦૨ હેઠળ મર્ડરનો ગુનો નોંધાયેલો છે. જયારે આઠ ઉમેદવારો સામે ખૂનની કોશિશ અંગે આઇપીસી કલમ-૩૦૭ હેઠળ ગુનો નોંધાયેલો છે. તો, બે ઉમેદવારો સામે મહિલાઓ પર બળાત્કાર અંગેના આઇપીસીની કલમ-૩૭૬ હેઠળ કેસ નોંધાયા છે, જયારે બે ઉમેદવારની સામે મહિલાઓની ગરિમાને નુકસાન અને અપમાન કરવાનો કેસ નોંધાયેલો છે. ત્રણ ઉમેદવારો સામે આઇપીસીની કલમ-૩૬૫ મુજબના અપહરણ અને ખોટી રીતે ગોંધી રાખવાનો ગુનો દાખલ થયો છે.

પક્ષ પ્રમાણે ફોજદારી કેસોનું વિશ્લેષણ

વિશ્લેષણ કરાયેલા ઉમેદવારોના સોંગદનામામાંથી ભાજપ પક્ષના કુલ ૮૬ ઉમેદવારોમાથી ૨૨ ઉમેદવારો એટલે કે, ૨૬ ટકા સામે ગુનાઓ નોંધાયેલા છે. જેમાં ૧૫ ઉમેદવારો એટલે કે, ૧૩ ટકા સામે ગંભીર ગુનાઓ નોંધાયા છે. આ જ પ્રકારે કોંગ્રેસના ૮૮ ઉમેદવારોમાંથી ૨૫ એટલે કે, ૨૮ ટકા સામે ગુનાઓ નોંધાયેલા છે. તેમાથી ૧૮ ઉમેદવારો એટલે કે, ૨૧ ટકા સામે ગંભીર ગુનાઓ છે. તો, અપક્ષ ૩૪૪ ઉમેદવારોમાંથી ૨૩ ઉમેદવારો એટલે કે, ૭ ટકા લોકો સામે ગુનાઓ નોંધાયેલા છે, જેમાંથી ૧૪ ઉમેદવારો એટલે કે, ચાર ટકા સામે ગંભીર ગુનાઓ દાખલ છે.

રેડ એલર્ટ મતવિસ્તારોની રસપ્રદ હકીકત

         બીજા તબક્કાના કુલ ૯૩ વિધાનસભા મતવિસ્તારો પૈકી ૧૨ એટલે કે, ૧૩ ટકા વિધાનસભા મતક્ષેત્રો રેડ એલર્ડ મતવિસ્તારો છે કે, જેમાં ત્રણ કે તેથી વધુ ઉમેદવારોની સામે ફોજદારી ગુનાઓ દાખલ થયેલા છે. રેડ એલર્ડ મતવિસ્તારો અને બેઠકો અને તેની પરના ગુનાહિત રેકર્ડ ધરાવતા ઉમેદવારોની વાત કરીએ તો, અમદાવાદની વટવા વિધાનસભા બેઠક પર ગુનાહિત રેકર્ડ ધરાવતા પાંચ ઉમેદવારો ત્યારબાદ સાબરકાંઠા, અમદાવાદની જમાલપુર ખાડિયા, બાલાસિનોર, શહેરા, દરિયાપુર, સાબરમતી, થરાદ, સયાજીગંજ, વેજલપુર, વડગામ(એસસી) અને સિધ્ધપુર એ તમામ બેઠક પર ત્રણ-ત્રણ ઉમેદવારો ગુનાહિત રેકર્ડ ધરાવતા ઉભા રહ્યા છે. જેમાં ભાજપ, કોંગ્રેસ સહિતના લગભગ તમામ પક્ષના ઉમેદવારનો સમાવેશ થઇ જાય છે.

સૌથી વધુ કરોડપતિ ઉમેદવારો ભાજપના

બીજા તબક્કાના વિશ્લેષણમાં કુલ ૮૨૨ ઉમેદવારોમાંથી ૧૯૯ ઉમેદવારો કરોડપતિ હોવાનું સામે આવ્યું છે. પહેલા તબક્કામાં સૌથી વધુ કરોડપતિ ઉમેદવારો ભાજપના હતા, જયારે બીજા તબક્કામાં સૌથી વધુ કરોડપતિ કોંગ્રેસના ૮૮માંથી ૬૭ કરોડપતિ છે. ભાજપના કુલ ૮૬ ઉમેદવારો પૈકીના ૬૬ એટલે કે, ૭૭ ટકા ઉમેદવારોએ, કોંગ્રેસના ૮૮ પૈકીના ૬૭ ઉમેદવારો એટલે કે, ૭૬ ટકાએ, એનસીપીના ૨૮માંથી ૧૦ ઉમેદવારોએ, આપના ૭માંથી ૫ ઉમેદવારોએ અને બસપાના ૭૪માંથી ૩ ઉમેદવારોએ પોતાની એક કરોડથી વધુની મિલ્કત જાહેર કરી છે. બીજા તબક્કામાં ચૂંટણી લડતા ઉમેદવારોની સરેરાશ મિલકત રૂ.૨.૩૯ કરોડ છે. તો, અમદાવાદની નિકોલ બેઠકના શેખ સલીમુદ્દીન નિઝામુદ્દીન, આ જ બેઠક પરના સોનુલે શૈેલેન્દ્રભાઇ, બાપુનગર બેઠકના ઉમેદવાર સોનુલ અર્ચનાબહેન રાજેન્દ્રભાઇ અને આણંદની ઉમરેઠ બેઠકના પટેલ સુનીલ મહેન્દ્રભાઇ એ ચારેય અપક્ષ ઉમેદવારોએ તેમની મિલ્કત ઝીરો હોવાનું સોંગદનામાંમાં દર્શાવ્યું છે, જે નોંધનીય બની રહ્યું છે.

૮૨૨માંથી ૫૧૮ ઉમેદવારો ધો-૫થી ૧૨ સુધી ભણેલા

ગુજરાત ઇલેકશન વોચ અને એડીઆર દ્વારા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતના કરાયેલા રસપ્રદ વિશ્લેષણમાં પણ ઘણી ચોંકાવાનારી માહિતી સામે આવી હતી.  જે મુજબ, કુલ ૮૨૨ ઉમેદવારો પૈકી ૫૧૮ ઉમેદવારો એટલે કે, ૬૩ ટકા ઉમેદવારો ધોરણ-૫થી ૧૨ સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવે છે. ૨૨૭ ઉમેદવારો એટલે કે, ૨૮ ટકા લોકો ગ્રેજયુએટ કે તેથી વધુની શૈક્ષણિક લાયકાત ધરાવે છે. ૪૩ ઉમેદવારો તો માત્ર અક્ષરજ્ઞાન ધરાવે છે. જયારે ૬ ઉમેદવારો એટલે કે, એક ટકા લોકો નિરક્ષર છે છતાં ચૂંટણીમાં ઉભા રહ્યા છે.

બીજા તબક્કાના ચૂંટણી જંગમાં ૬૧ મહિલા ઉમેદવારો

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં કુલ ૮૨૨ ઉમેદવારોમાંથી માત્ર ૬૧ એટલે કે, માત્ર સાત ટકા મહિલા ઉમેદવારો લડી રહી છે. ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષોની મહિલા સશિકિતકરણ અને મહિલાઓને સમાનતા અને ૩૩ ટકા અનામતની વાતો ઠગારી નીવડી છે. કુલ વિશ્લેષણ કરાયેલ ૮૨૨ ઉમેદવારો પકીના ૨૯૧ એટલે કે, ૩૫ ટકા ઉમેદવારો ૨૫થી ૪૦ વર્ષની વચ્ચેની ઉમંર ધરાવતા છે, જયારે ૪૧૬ ઉમેદવારો એટલે કે, ૫૧ ટકા લોકો ૪૧થી ૬૦ વર્ષની વચ્ચેની વયના છે. તો, ૧૧૧ ઉમેદવારો એટલે કે, ૪૦ ટકા લોકો ૬૧થી ૮૦ વર્ષની વચ્ચેની વય ધરાવતા છે.

બે ઉમદવારો તો ૨૫ વર્ષની નીચેના

બીજા તબક્કાની ચૂંટણીમાં બે ઉમેદવારો તો એવા છે કે, જેમની ઉમંર ૨૫ વર્ષ કરતાં પણ ઓછી છે અને છતાં ચૂંટણીમાં ઉભા રહી ગયા છે. ચૂંટણી પંચે પણ આ અંગે કંઇ પગલા લીધા નથી. જેમાં ઘાટલોડિયાની બેઠક પરથી માત્ર ૧૮ વર્ષની વયના પટેલ શૈલેન્દ્ર કાશીરામભાઇ અને પાલનપુરમાંથી પટણી મહેશ નારણભાઇ અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહ્યા છે. જયારે સૌથી વધુ વયના ઉમેદવારોમાં દહેગામ બેઠક પર ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અમીન વિનુભાઇ બહાદુરભાઇ ૮૨ વર્ષ અને કલોલ બેઠક પરથી ઉભા રહેલા એનસીપીના ઉમેદવાર ઠાકોર કરસનજી મગનજી ૮૨ વર્ષની વય ધરાવે છે. આ બંને સૌથી વધુ વયના છે.

 

(8:40 pm IST)