Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

પીપળી નજીક ત્રણ ટ્રક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ટ્રાફિક જામની સમસ્યા

બોરસદ: શહેરથી ભાદરણ થઇ ગંભીરા અને ઉમેટા જવાનો રસ્તો છેલ્લા કેટલાક સમયથી અકસ્માત જોન બન્યો છે. છેલ્લા ૧૫ દિવસમાં નાના મોટા થઇ ૧૦ જેટલા અકસ્માતના બનાવો બન્યા છે ત્યારે બુધવારે વહેલી સવારે વરસાદી વાતાવરણમાં બોરસદથી કિંખલોડ માર્ગ પર પીપળી ગામ નજીક ત્રણ ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક ટ્રકના ડ્રાયવરને ગંભીર ઈજાઓ પહોચી હતી જેને ૧૦૮ એમ્યુલન્સમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જો કે અકસ્માતને લઇ ભારે ટ્રાફિકજામ સર્જાતા ૧૦૮ને અકસ્માત સ્થળે આવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી.અકસ્માતને લઇ માર્ગ પર બન્ને તરફના રસ્તા પર વાહનોની લાંબી લાંબી કતારો જામી હતી અને ટ્રાફિક જામ સર્જાયો હતો ઘટના સ્થળે એકત્રિત થયેલા લોકોએ વહીવટી તંંત્ર સામે ભારે અક્રોશ ઠાલવ્યો હતો.
ટોલટેક્ષ બચાવવા માટે છેલ્લા લાંબા સમયથી ભાવનગર-સુરત-જંબુસર વચ્ચે આવાગમન કરતા અસંખ્ય વાહનો આ માર્ગનો ઉપયોગ કરતા હોવાથી અનેક અકસ્માતો સર્જાયા છે. અકસ્માતના બનાવો બનવા છતાં વહીવટી તત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહિ કરતા ગામલોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. બોરસદ -ગંભીરા રોડ પર પરપ્રાન્તીય વાહનો બેફામ દોડી રહ્યાં છે. રાષ્ટ્રીય ઘોરી માર્ગનો ટ્રાફીક વાસદ પાસે ટોલટેક્ષ વધુ ભરવાનો થતો હોઇ તેમજ રૃટ પણ લાંબો પડતો હોઈ મોટાભાગના વાહનચાલકો વાયા ગંભીરા થઇને બોરસદ તરફ વાળે છે ત્યારે રાષ્ટ્રીય ઘોરીમાર્ગ પરનાં વાહનો રાજ્ય અને જિલ્લા પંચાયત હસ્તકના માર્ગો પર દોડતા અવાર-નવાર અકસ્માત સર્જાય છે. તેમજ માર્ગોની ક્ષમતા કરતા વધુ ભારદારી વાહનો પસાર થતાં આ માર્ગો બિસ્માર બની જાય છે.
ભારે માલવાહક વાહનો આ રસ્તે પસાર થતા હોવા છતાં પોલીસતંત્ર પણ મૂક બની જાય છે અને બેફામ દોડતા વાહનોને લઇ વારંવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે જેમાં નિર્દોષ વ્યક્તિઓ ભોગ બની રહી છે ત્યારે તંત્ર દ્વારા લાલ આંખ કરી બેફામ આડેધડ દોડતા વાહનો પર નિયંત્રણ લાવવામાં આવે તેવી માંગ ઊભી થઇ છે.

 

(5:48 pm IST)