Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

નામ મેં કયા રખા હૈં? પરંતુ નેતાઓ માટે તો નામ જ છે બધુ

ગુજરાત ઇલેકશનઃ આ માટે નેતાઓને પોતાનુ ઉપનામ હોય છે વહાલુ : ઓરીજનલ નામ કરતા ઉપનામથી જ લોકોમાં હોય છે જાણીતા

નવી દિલ્હી તા. ૭ : શેકસપિયરનો ખૂબ ફેમસ કવોટ છે, 'નામમાં શું છે?' તેવું જ આપણી બોલિવુડ ફિલ્મમાં પણ છે કે 'નામ મેં કયા રખા હૈં'. પરંતુ ગુજરાતની આગામી ચૂંટણીમાં ભાગ લેનારા કેટલાક નેતાઓ માટે તેમનું નામ કે ઉપનામ જ મોટી ઓળખ છે. આવા ઉપનામ તેમણે જાણી જોઈને લોકો પર વધુ પ્રભાવ પાડવા માટે ધારણ કર્યા હોય છે અથવા તો કેટલાક કિસ્સામાં તેમના શારીરિક દેખાવને કારણે તેમને આવું નામ સમાજ દ્વારા આપવામાં આવ્યું હોય છે. કયારેક આવા નામ ફકત મજા લેવા માટે પણ પડવામાં આવ છે. કયારેક રોજબરોજની ભાષામાં વપરાતો શબ્દ પણ કોઈ વ્યકિત વિશેષનું ઉપનામ બની જાય છે અને તેનો એક અલગ જ પ્રભાવ હોય છે. જેમ કે ગુજરાતીમાં પીએમ મોદીને ભાજપના નેતાઓથી લઈને કાર્યકર્તા અને મોદી ફેન્સ 'સાહેબ'ના ઉપનામથી બોલાવે છે.

આવું જ ભાજપના નેતા અને પક્ષના ખજાનચી સુરેન્દ્ર પટેલને લોકો 'કાકા'તરીખે ઓળખે છે. જયારે ઘાટલોડિયાથી કોંગ્રેસના ઉમેદવાર શશિકાંત પટેલને લોકો ભુરાભાઈથી જ ઓળખે છે. જયારે આ જ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભુપેન્દ્ર પટેલ દાદા નામથી વધુ જાણીતા છે. શશિકાંત પટેલની નજીકના સૂત્રએ કહ્યું કે, 'તેઓ વાને અતિશય ઉજળા અને ભૂરી આંખો ધરાવે છે આ કારણે તેમનું નામ ભૂરાભાઈ પડી ગયું છે. કેમ કે ગુજરાતીમાં આવો દેખાવ ધરાવતા લોકોને લોકભાષામાં ભૂરીયો કહેવાય છે.'

જયારે તેમને હરીફ ભુપેન્દ્ર પટેલ જાણીતા આધ્યાત્મિક ગુરુ દાદા ભગવાનના પ્રખર અનુયાયી હોવાના કારણે લોકોએ તેમને દાદાનું ઉપનામ આપી દીધું છે. જયારે નડીયાદના ભાજપના ઉમેદવાર પંકજ દેસાઈને મોટાભાગના લોકો 'ગોટિયો'તરીકે ઉપનામથી વધુ જાણે છે. જયારે તેમના હરીફ કોંગ્રેસના ઉમેદવાર એવા જીતેન્દ્ર પટેલને સ્થાનિકો 'આઝાદ'નામે ઓળખે છે. તો ભાજપના આણંદના ઉમેદવાર યોગેશ પટેલને 'બાપજી', પાદરાના ધારાસભ્ય દિનેશ પટેલ દિનુમામા તરીકે લોકોમાં વધુ જાણીતા છે.

આણંદથી કોંગ્રેસના ઉમેદવાર કાંતિ પરમાર ભગત તરીકે ઓળખાય છે. જામનગરથી ભાજપની ટિકિટ પર ઉભેલા ધર્મેન્દ્રસિંહ જાડેજા જેમણે રાજયસભાની ચૂંટણી વખતે કોંગ્રેસનો સાથ છોડીને કેસરીયો ધારણ કર્યો હતો તેઓ લોકો વચ્ચે હકુભા તરીકે ઓળખાય છે. જયારે ભાજપના વિરિષ્ઠ નેતા અને હાલના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા'ભુચુ' તરીકે ઓળખાય છે. જયારે એનસીપીના આગેવાન જયંત પટેલ મોટાભાગે 'બોસ્કી' નામે જ વધુ જાણીતા છે. તો ડભોઈના ભાજપ ઉમેદવાર શૈલેશ મેહતાને લોકો 'શૈલેશ સોટ્ટા' તરીકે ઓળખે છે.

(3:45 pm IST)