Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

શુકલતીર્થ સુધી 15 કિલોમીટર સુધી માર્ગ ઉપર ચક્કજામના દ્રશ્યો સર્જાયા: મેળામાં ચોથા દિવસે ચકડોળોની મંજૂરી મળી

મોરબી દુર્ઘટના બાદ અધિકારીઓએ જોખમ લેવાનું ટાળ્યું હતું: જોય રાઈડ્સનું ઈન્સ્પેકશન કરી કમિટીને સાથે રાખી ફિટનેસ આપવામાં આવતા ચકડોળ શરૂ કરાઈ

ભરૂચના શુકલતીર્થ મેળામાં સોમવારે ચોથા દિવસે મનોરંજનની ચકડોળો માટે ફિટનેસ સર્ટિફિકેટની કાર્યવાહી થતા ફરતી થઈ છે. સંચાલકને આર્થિક નુકસાનીમાંથી ઉગારવા તંત્ર દ્વારા મેળાની મુદ્દત એક દિવસ માટે વધારી દેવામાં આવી છે. સંચાલકોમાં આ નિર્ણયથી રાહત દેખાઈ છે તો ચકડોળોની મજા માણવા મળવાથી લોકો પણ  આંનદીત થઈ ઉઠ્યા છે.

  મોરબી દુર્ઘટના બાદ સફળ જાગેલા અને વધુ પડતા સતર્ક બનેલા તંત્રએ ફ્ટિનેસ સર્ટિફિકેટ વગર ચકડોળ શરૂ કરવા મનાઈ ફરમાવી હતી તો ફિટનેસ સર્ટિફિકેટ આપ્યા બાદ કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદારીના ભયમાં મામલો શટલકોકની જેમ ફંગોળાતો રહ્યો હતો

ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર કોરોના બાદ યોજાઈ રહેલી શુકલતીર્થની પાંચ દિવસના ભાતીગળ મેળામાં દુર્ઘટના ન સર્જાય તે માટે વધુ સતર્ક બન્યું હતું. મનોરંજન માટે ચકડોળોનું આયોજન કરી 28 લાખનું રોકાણ કરનાર સંચાલક ગુરુદત્ત ચૌહાણને ફિટનેસ ઈન્સ્પેકશન માટે ભરૂચ માર્ગ અને મકાન વિભાગ પાસે મિકેનિકલ એન્જીનીયર જ નહીં હોવાનું  જણાવી દેવતા ફિટનેસ સર્ટિફિકેટ મળ્યું ન મળવાથી તે દયનિય પરિસ્થિતિમાં મુકાયા હતા.

માર્ગ અને મકાન વિભાગમાં અરજી બાદ તેને વડોદરા કચેરીએ મોકલાઈ હતી. જોકે વડોદરા ખાતેથી પણ ઈન્સ્પેકશન માટે મિકેનિકલ ઇજનેરને નહિ મોકલતા બીજી તરફ મેળો કઈ રીતે શરૂ કરવો તે પ્રશ્ન ઉભો થયો હતો. માર્ગ અને મકાન વિભાગ, કલેકટર કચેરી સહિત તંત્રની કચેરીઓમાં ધક્કા ખાધા બાદ આખરે મનોરંજન માટે ચકડોળો લગાવનાર અયોજકની મહેનત સોમવારે મેળાના ચોથા દિવસે ફળી હતી.

જોકે ચાર દિવસમાં હજારો લોકોએ મેળો મહાલી લીધો હતો. રવિવારે તો મેળામાં રાતે બે વાગ્યાં સુધી હજારોની મેદની છલકાઈ હતી. ઝાડેશ્વરથી શુકલતીર્થ સુધી 15 કિલોમીટર સુધી માર્ગ ઉપર ચક્કજામના દ્રશ્યો સર્જાયા હતા.

(12:55 am IST)