Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

નડિયાદના તાલુકા વિસ્તારમાં આંગણવાડીમાં કચરો નાખવાનું સ્થળ બની જતા લોકોના સ્વાસ્થ્યને જોખમ

નડિયાદ : તાલુકા મથક ધરાવતા વસો ગામમાં પાનરવડ વિસ્તારમાં આવેલ આંગણવાડી કચરો નાખવાના સ્થળમાં ફેરવાઈ ગઈ છે. આંગણવાડી આગળ કચરાના ઢગલા તેમજ કચરો સળગાવવામાં આવતા સ્થાનિક રહીશોનું આરોગ્ય જોખમવા દહેશત સર્જાઈ છે.

સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન તેમજ સિડમની યોજના હેઠળ દરેક ગામને વસ્તીના ધોરણે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ગાયકવાડ ગામ ગણાતા વસો સ્વચ્છતા ક્ષેત્રમાં આગળ છે. વસો ગ્રામ પંચાયતમાં સફાઈ કામગીરી માટે ૩૫ જેટલા સફાઈ કામદારો રાખવામાં આવ્યા છે. વર્ષે દહાડે સફાઈ કામદારો તેમજ સફાઈ કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, પરંતુ સફાઈ કામગીરીમાં મોનિટરિંગના અભાવ જોવા મળી રહ્યો છે. વસો ગામમાં પાનરવાડ વિસ્તારમાં આવેલ આંગણવાડી આગળ સાફ-સફાઈને પ્રાધાન્ય આપવું જોઈએ તેના બદલે આંગણવાડીની જગ્યાએ આજુબાજુ વિસ્તારનો કચરો લાવીને ઠાલવવામાં આવી રહ્યો છે. આંગણવાડી આગળ જ કચરો સળગાવવામાં આવી રહ્યો છે. આ કચરાના ઢગલાં પશુઓ વેર વિખેર કરતા હોય છે. આમ આંગણવાડી આગળ ગંદકી ભારે દુર્ગંધ મારી રહ્યો છે. આંગણવાડી આગળ ગંદકી અને કચરાના ઢગલાથી બાળકોનું આરોગ્ય જોખમવાની દહેશત વ્યાપી છે. આ ઉપરાંત લક્ષ્મી ટોકીઝ પાછળ ગંદા પાણીના નિકાલ માટે રોડ પર નાખવામાં આવેલી સિમેન્ટની પાઈપોમાં મોટા બાકોરા પડી ગયા છે.

(6:08 pm IST)