Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

ગાંધીનગરના આસપાસના વિસ્તારમાં બે યુવાનોની છરીના ઘા જીકી લૂંટવાનો પ્રયાસ કરનાર વિરુદ્ધ ગુનો દાખલ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરી લૂંટની ઘટનાઓ વધી રહી છે ત્યારે ઉત્તર પ્રદેશથી બસમાં આવીને કઠલાલ જવા માટે વાહનની રાહ જોઈ રહેલા બે યુવાનોને રણાસણ સર્કલ પાસે છરીના ઘા ઝીંકી લુંટી લેવાનો પ્રયત્ન થયો હતો. જોકે હુમલો કરનાર બંને શખ્સો નાસી છૂટયા હતા. જ્યારે ઘાયલ યુવાનને સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

 ગાંધીનગર નજીક રણાસણ સર્કલ પાસે ઉત્તર પ્રદેશના બે યુવાનોના મોબાઈલ લૂંટી લેવા માટે છરીથી હુમલો કર્યાની ઘટના બહાર આવી છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે હાલ કઠલાલ ખાતે રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના મહંમદ યાસીન દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી કે, તેનો ભાઈ જસીલ શાહ અને સમીર શાહ તેને મળવા માટે ઉત્તર પ્રદેશથી બસમાં આવ્યા હતા અને ચિલોડા નરોડા હાઇવે ઉપર રણાસર સર્કલ પાસે ઉતર્યા હતા. જ્યાંથી તેમણે ફોન કરતા તેમને કઠલાલના વાહનમાં બેસી જવા કહેવામાં આવ્યું હતું. જો કે થોડા સમય પછી જસીલે ફોન કરીને કહ્યું હતું કે બંને ભાઈઓ ચાલતા જઈ રહ્યા હતા તે સમયે બે શખ્સો તેમની પાછળ પાછળ આવ્યા હતા અને મોબાઈલની માંગણી કરી હતી. જે આપવાની ના પાડતા છરીથી હુમલો કરી દીધો હતો. જેમાં સમીરને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો છે. જેના પગલે યાસીન પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. હાલ તો આ મામલે ડભોડા પોલીસે બે અજાણા શખ્સો સામે લૂંટના પ્રયાસનો ગુનો દાખલ કરીને તેમની ધરપકડ માટે દોડધામ શરૃ કરી છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રાત્રિના સમયે વાહન ચાલકોને પણ લૂંટી લેવાની ઘટના બહાર આવી રહી છે ત્યારે પોલીસે આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવું પડે તેમ લાગી રહ્યું છે.

(6:07 pm IST)