Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની 11મી યાદી જાહેર કરી: . અલ્પેશ કથિરિયાને સુરતમાં વરાછા રોડ પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા

આમ આદમી પાર્ટીએ ગાંધીધામ, દાંતા, પાલનપુર, કાંકરેજ, રાધનપુર, મોડાસા, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, કુતિયાણા, બોટાદ, ઓલપાડ અને વરાછા રોડ બેઠક પરથી પોતાના ઉમેદવારની જાહેરાત કરી

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટી જોરશોરથી તૈયારી કરી રહી છે. આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની 11મી યાદી જાહેર કરી છે જેમાં તાજેતરમાં આમ આદમી પાર્ટીમાં જોડાયેલા પાસના નેતા અલ્પેશ કથિરિયા પણ ચૂંટણી લડશે. અલ્પેશ કથિરિયાને સુરતમાં વરાછા રોડ પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે જ્યારે ધાર્મિક માલવિયા ઓલપાડ બેઠક પરથી ચૂંટણી લડશે.

આમ આદમી પાર્ટીની 11મી યાદી જાહેર

આમ આદમી પાર્ટીએ પોતાની 11મી યાદીમાં 12 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીએ ગાંધીધામ, દાંતા, પાલનપુર, કાંકરેજ, રાધનપુર, મોડાસા, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, કુતિયાણા, બોટાદ, ઓલપાડ અને વરાછા રોડ બેઠક પરથી પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે.

અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા લડશે ચૂંટણી

પાસના નેતા અલ્પેશ કથિરિયાને આમ આદમી પાર્ટીએ સૂરતની વરાછા રોડ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે જ્યારે ધાર્મિક માલવિયાને ઓલપાડ બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની બોટાદ બેઠક પરથી ચૂંટણી લડવાની વાત વહેતી થઇ હતી જોકે, હવે AAPએ આ બેઠક પરથી ઉમેશ મકવાણાને ટિકિટ આપી છે. ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડવા માટે સેફ બેઠક શોધી રહ્યા છે.

આમ આદમી પાર્ટીના 151 બેઠક પર ઉમેદવાર જાહેર

આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની 182માંથી 151 બેઠક પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ ઇસુદાન ગઢવીને મુખ્યમંત્રીનો ચહેરો બનાવ્યો છે. ઇસુદાન ગઢવીના નેતૃત્વમાં AAP ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે.

ગુજરાતમાં બે તબક્કામાં યોજાશે મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. ગુજરાતમાં બે તબક્કા 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. 8 ડિસેમ્બરે હિમાચલ પ્રદેશ સાથે જ ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે.

(5:44 pm IST)