Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

વડોદરામાં કેન્‍દ્રીય મંત્રી પરસોત્તમભાઇ રૂપાલાએ ગુપ્‍ત બેઠક યોજીઃ દબંગ નેતાને દુર રખાતા રાજકીય ચર્ચા

વાઘોડિયા બેઠકના ધારાસભ્‍ય મધુ શ્રીવાસ્‍તવને દૂર રખાતા અનેક અટકળો

વડોદરાઃ પરસોત્તમભાઇ રૂપાલાએ વડોદરામાં ખાનગી ફાર્મ હાઉસમાં રવિવારે સાંજે એક ગુપ્‍ત બેઠક યોજી હતી. ભાજપના દાવેદારો અને હોદ્દેદારો સાથે બેઠક યોજી સેન્‍સ લીધી હોવાની ચર્ચા થાય છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે દરેક રાજકીય પક્ષોમાં મોટી ઉથલપાથલ થઈ રહી છે. ત્યારે રવિવારની રાતે વડોદરાના રાજકીય માહોલમાં અચાનક ગરમાવો આવ્યો હતો. રવિવારે રાત્રે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અચાનક આવી ચઢ્યા હતા. જેને પગલે નેતાઓ દોડતા થયા હતા.

કહેવાય છે કે, અચાનક આવી ચઢેલા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ વડોદરા ગુપ્ત બેઠક યોજી હતી. તેમણે વાઘોડિયા બેઠકના ભાજપના દાવેદારો અને હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, પરસોત્તમ રૂપાલાએ કેટલાક ખાસ લોકો સાથે જ બેઠક કરી હતી. વડોદરા નજીક પદમલામાં ખાનગી ફાર્મ હાઉસમાં આ ગુપ્ત બેઠક યોજાઈ હતી. જોકે, વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને આ બેઠકથી દૂર રાખવામાં આવ્યા હતા. ગુપ્ત બેઠકથી વાઘોડિયામાં પરસોત્તમ રૂપાલાએ ફરી સેન્સ લીધી હોવાની ચર્ચા છે.

ઉલ્લેખનીય છે કે, મધુ શ્રીવાસ્તવ ભાજપના વાઘોડિયા બેઠકથી ધારાસભ્ય છે. તેઓ પોતાની દબંગ ઈમેજને કારણે સતત ચર્ચામાં રહે છે. ત્યારે મધુ શ્રીવાસ્તવને આ બેઠકથી દૂર રાખવા પાછળ શુ સંકેત છે. કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાની વડોદરાની ટુંકી મુલાકાતે અનેક સવાલો પેદા કર્યા છે.

(4:49 pm IST)