Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

અમદાવાદ શહેરમાં પણ સવારથી થયેલો વરસાદ

વરસાદી માહોલથી ઠંડક પ્રસરી

અમદાવાદ, તા. ૭ : મહા વાવાઝોડાની અસર હેઠળ અમદાવાદમાં પણ સવારમાં વરસાદ થયો હતો અને વરસાદી માહોલ રહ્યો હતો. કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદ થયો હતો જ્યારે કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. અમદાવાદ શહેર અને જિલ્લામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં હળવાથી ભારે વરસાદના ઝાપટાં નોંધાયા હતા. જેના કારણે વાતાવરણ એકદમ ઠંડુ અને વરસાદી બની રહ્યું હતું. અમદાવાદ શહેર અને જિલ્લામાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ફેરફારની સ્થિતિ રહી છે. અમદાવાદમાં હજુ વરસાદ પડી શકે છે તેવી આંગાહી તંત્ર તરફથી કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી અમદાવાદ માટે પણ વરસાદ માટેની આગાહી કરવામાં આવી છે જેથી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા દેખાઈ રહી છે. મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી વચ્ચે તંત્ર સંપૂર્ણપણે સાવધાન થયેલું છે. અમદાવાદમાં મિશ્ર સિઝન વચ્ચે આજે લઘુત્તમ તાપમાન ૨૩ અને મહત્તમ તાપમાન ૩૨.૨ ડિગ્રી રહ્યું હતું. પાટનગર ગાંધીનગરમાં ૨૯.૫ અને ૨૨ ડિગ્રી તાપમાન રહ્યું હતું.

(8:14 pm IST)