Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

સિનીયર આઇએએસ પ્રેમકુમાર ગેરા સાયબર માફીયાનો શિકાર બન્‍યા

પેટીએમ વોલેટના કેવાયસીના નામે ગુજરાત આલ્‍કલીઝ એન્‍ડ કેમીકલ્‍સના એમડી સાથે સાયબર માફીયા દ્વારા છેતરપીંડીની ફરીયાદથી ખળભળાટ : આવી લીંક કોઇ કંપની મોકલતી નથી, ઓટીપી કોઇ સંજોગોમાં અજાણી વ્‍યકિતને આપવો નહિઃ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત અને એસીપી ભરત રાઠોડની અકિલાના માધ્‍યમથી લોકોને અપીલ

રાજકોટ, તા., ૭: ગુજરાતના ૧૯૮પ બેચના સિનીયર આઇએએસ અને હાલમાં  વડોદરા ખાતે ગુજરાત આલ્‍કલીઝ એન્‍ડ કેમીકલ્‍સ લી. (જીએસીએલ)નાં એમ.ડી. પ્રેમકુમાર ગેરા સાથે પેટીએમ વોલેટનું કેવાયસી કરાવવાના બહાને સાયબર માફીયાએ ટીમવ્‍યુઅર કવીસ સપોર્ટ  નામની એપ્‍લીકેશન ડાઉન કરાવી રૂા.૧૦નું ટ્રાન્‍ઝેકશન કરાવી સામે છેડે બેઠેલા સાયબર માફીયાએ ૯૪,૯૯૯ના બે ટ્રાન્‍ઝેકશન કરાવી લીધાની સનસનાટી ભરી ફરીયાદ વડોદરા સાયબર સેલમાં થતા જ વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે તુર્ત જ આ મામલાની તપાસ સાયબર સેલના મદદનીશ પોલીસ કમિશ્નર ભરત રાઠોડને સુપ્રત કર્યાનું જાણવા મળેલ છે.

અત્રે એ યાદ રહે કે સિનીયર આઇએએસ પ્રેમકુમાર ગેરાને તેમના મોબાઇલ પર પેટીએમનું કેવાયસી કરાવવા મેસેજ આવેલ. ઉકત મેસેજમાં તેઓ પેટીએમનું કેવાયસી અપડેટ નહી કરે તો તેમનું વોલેટ બંધ થઇ જશે તેવી સાયબર માફીયાએ હિન્‍દીમાં ચેતવણી આપી હતી.

પેટીએમના કેવાયસી માટે પ્રથમ ચોક્કસ માહીતી પુછી તેમને એપલ વર્ઝનની ટીમવ્‍યુઅર કવીક સ્‍પોર્ટ નામની એપ્‍લીકેશન ડાઉનલોડ કરવા સુચના આપી હતી. કોમ્‍પ્‍યુટર સ્‍ક્રીનના એકસેસ માટે સામાન્‍ય ગણાતી આ એપ્‍લીકેશન ડાઉનલોડ કરાવ્‍યા બાદ તેમનો કબ્‍જો મેળવી લીધો હતો અને આમ તેમની સાથે મોટી રકમની છેતરપીંડી થઇ હતી.

વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે અને એસીપી ભરત રાઠોડે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું કે ટીમવ્‍યુઅર કવીક સ્‍પોર્ટ એપ્‍લીકેશનથી એક મોબાઇલની સ્‍ક્રીનનો બીજા મોબાઇલમાં એકસેસ મળી જાય છે.

ઉકત બંનેએ અકિલા સાથેની વાતચીતમાં વિશેષમાં જણાવેલ કે કોર્પોરેટ કંપનીઓમાં આવી એપ્‍લીકેશન સામાન્‍ય બાબત છે. આવી કંપનીઓમાં કામગીરી માટે કોમ્‍પ્‍યુટરની સ્‍ક્રીન શેર થતી હોય છે. આ પ્રકારની એપ્‍લીકેશન અજાણ્‍યા વ્‍યકિતના કહેવાથી કયારે પણ ડાઉનલોડ ન કરવી તથા ઓટીપી તો કોઇ પણ સંજોગોમાં કયારેય આપવો નહી. તેઓએ ભાર પુર્વક જણાવેલ કે કોઇ પણ કંપની આ પ્રકારની લીંક મોકલતી જ નથી. તેઓએ વિશેષમાં કોઇ પણ કંપનીની સિકયોર વેબસાઇટમાં જ લોગ ઇન કરવું જોઇએ તેવુ અકિલાના માધ્‍યમથી લોકોને અપીલ કરી હતી.

(12:12 pm IST)