Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

ભાનુશાળી હત્‍યા કેસ

મનીષા બની હતી યોગશિષ્‍યા

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના આશ્રમોમાં યોગ શીખવાના બહાને રહેતી અને પોતાની જાતને મુંબઇની ફેશન-ડીઝાઇનર ગણાવતી

અમદાવાદ, તા.૭: જાન્‍યુઆરીએ સયાજીગંજ એકસપ્રેસ ટ્રેનમાં જેમની હત્‍યા કરવામાં આવી એ બીજેપીના સિનિયર નેતા જયંતી ભાનુશાળીના મર્ડરનાં મુખ્‍ય આરોપી મનીષા ગોસ્‍વામીનો અને સુરજિત ભાઉ છેલ્લા ૧૦ મહિનાથી સતત ભાગતાં ફરતાં હતાં. આ ૧૦ મહિના દરમ્‍યાન બંને ગુજરાત ઉપરાંત મહારાષ્‍ટ્ર, દિલ્‍હી, ઉત્તરાખંડ, મધ્‍યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવાં રાજયોમાં ખોટાં નામે છૂપાઇને રહ્યાં હતાં. સીઆઇડી (ક્રાઇમ) દ્વારા બનાવવામાં આવેલી સ્‍પેશ્‍યલ ટાસ્‍ક ફોર્સના હેડ ગૌતમ પરમારના કહેવા મુજબ, ‘મનીષા ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના અલગ અલગ આશ્રમોમાં યોગ-સ્‍ટુડન્‍ટ બનીને રહેતી હતી. મનીષાએ આ બધી જગ્‍યાએ એક જ ઓળખ રાખી હતી. તે પોતાને મુંબઇની ફેશન-ડીઝાઇનર કહેતી અને મનની શાંતિ માટે યોગ શીખવા માગે છે એવું પણ તેણે કહ્યું હતું. મનીષાએ પોતાનો ગેટઅપ પણ જાણે પોતે ફેશન-ડીઝાઇનર હોય એ મુજબનો કરી નાખ્‍યો હતો અને ડીઝાઇનર તરીકે લાંબો ગાઉન અને કપાળ પર મસમોટો ચાંદલો રાખતી. તેની રૂમમાં સુરજિત પડયો રહેતો, તે ભાગ્‍યે જ કોઇને જોવા મળતો હતો.'

મનીષા ફોન કરવા માટે પોતાના મોબાઇલનો ઉપયોગ નહોતી કરતી. તે હમેશાં કોઇ અજાણ્‍યા પાસે બહાનું કાઢીને તેનો ફોન લઇને ફોન કરી લેતી હતી. મનીષા પાસે વાપીનો મોબાઇલ નંબર હતો જે સતત બંધ રહેતો હતો, પણ બે વીક પહેલાં મનીષાએ એ મોબાઇલ ચાલુ કર્યો એમાં તે સ્‍પેશ્‍યલ ટાસ્‍ક ફોર્સની નજરમાં આવી ગઇ. મનીષાની આ ભુલને કારણે એના મોબાઇલનું લોકેશન મળ્‍યું અને એ લોકેશન પર તરત જ તપાસ શરૂ થઇ. જે એરિયાનું લોકેશન મળ્‍યું હતું એ એરિયામાં સાત દિવસની વોચ પછી મનીષા પહેલા દેખાઇ અને એ પછી સુરજિત દેખાયો હતો જેને અમદાવાદથી કન્‍ફર્મ કરવામાં આવ્‍યા બાદ ટાસ્‍ક ફોર્સ બંનેને પકડી લીધાં હતાં.

હવે તે બંનેને ટ્રાન્‍ઝિટ રિમાન્‍ડથી અમદાવાદ લાવવાની તજવીજ શરૂ થશે. અમદાવાદ લાવ્‍યા પછી જયંતી ભાનુશાળીના મર્ડરનું કારણ જાણવા મળશે તો સાથોસાથ મનીષા પાસેથી અન્‍ય હની-ટ્રેપના કિસ્‍સાઓ પણ કઢાવવામાં આવે એવી શકયતા છે. એવી ધારણા મુકવામાં આવી રહી છે કે મનીષાએ હની-ટ્રેપ દ્વારા સિનિયર લેવલના ઓફિસરો પાસેથી ઘણાં કામ કરાવ્‍યાં હોઇ શકે છે.

(11:34 am IST)