Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

સુરતની ૧૩ વર્ષની છોકરીએ ઓસ્‍ટ્રેલિયામાં રહેતા બાયોલોજિક વાલીને બદલે પાલક મા-બાપ સાથે રહેવા લીધો નિર્ણય

ઓસ્‍ટ્રેલિયામાં રહેતા ભારતીય દંપતિનો કાનુની લડતમાં પરાજય

સુરત,તા.૭: ઓસ્‍ટ્રેલિયામાં રહેતા એક ભારતીય દંપતિને ત્‍યારે ઝટકો લાગ્‍યો જયારે જે દીકરીને પાછી મેળવવા માટે ૩ વર્ષથી કાયદાકીય લડત આપી રહ્યા હતા તેણે જ તેમની સાથે રહેવાથી ઈનકાર કરી દીધો. ૧૩ વર્ષની છોકરીએ પોતાના બાયોલોજિકલ પેરેન્‍ટ્‍સ સાથે રહેવાને બદલે પોતાના પાલક મા-બાપ સાથે જ રહેવાનો નિર્ણય કર્યો. આ છોકરી મુર્તુઝા ગિલિટવાલા અને તેની પત્‍ની ફાતિમા સાથે સુરતમાં ૬ મહિનાની હતી ત્‍યારથી રહે છે. તેમને કોઈ સંતાન ન હોવાથી શબ્‍બીર બાદશાહ અને નશીમે ગિલિટવાલ દંપતિને પોતાની દીકરી દત્તક આપી હતી. છોકરી બાદશાહ અને નશીમની ત્રીજી દીકરી હતી જે ૨૦૦૬માં નાસિક રહેતા હતા અને બાદમાં ઓસ્‍ટ્રેલિયામાં સ્‍થાયી થયા.

બાદશાહે દીકરીની કાયમી કસ્‍ટડી લેવા માટે ફેમિલી કોર્ટે અરજી કરી હતી જેને ફગાવી દેવામાં આવી હતી. ગિલિટવાલ દંપતિના વકિલ ધવલ દલાલે TOIજન જણાવ્‍યું કે, કોર્ટે મહત્‍વની બાબતો પર વિચાર કર્યો. જે મુજબ જો છોકરી પોતાને કોની સાથે રહેવું છે તેનો નિર્ણય લેવામાં સક્ષમ હોય તેને પોતાના મા-બાપ પસંદ કરવોનો હક છે. કોર્ટમાં છોકરીએ પોતાના બાયોલોજિકલ મા-બાપ સાથે રહેવાનો ઈનકાર કર્યો હતો. આથી તેની કસ્‍ટડી પાલક માતા ફાતિમાને સોંપાઈ છે.

જોકે કોર્ટે બાદશાહ દંપતિને છોકરી સાથે સમયસર મળવા, ફોન પર વાત કરવા અને વેકેશન દરમિયાન સાથે સમય પસાર કરવાની અનુમતિ આપી છે. બાદશાહના વકીલ નેહલ મહેતાએ કહ્યું કે, ગિલિટવાલ દંપતિ અલગ થઈ ગયું છે તેવી અમારી અરજીને નકારી દેવામાં આવી છે. અમે હવે આ ચૂકાદાને હાઈ કોર્ટમાં પડકારીશું.

ઉલ્લેખનીય છે કે એપ્રિલ ૨૦૧૬માં  બાદશાહ દંપતિએ ગિલિટવાલ દંપતિ વિરુદ્ધ ગેરકાયદે રીતે દીકરીના બર્થ સર્ટિફિકેટમાં બાયોલોજિકલ પેરેન્‍ટ્‍સ હોવાનું નામ ઉમેરાવ્‍યું હોવાનો આરોપ મૂકી અઠવા લાઈન્‍સ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમનો આરોપ હતો કે ગિલિટવાલ દંપતિએ નકલી ડોક્‍યુમેન્‍ટ્‍સ ઊભા કરીને સુરત મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાંથી તેમની દીકરીનું બર્થ સર્ટિફિકેટ કઢાવ્‍યું. આ સર્ટિફિકેટની મદદથી શહેરની સ્‍કૂલમાં એડમિશન અપાવ્‍યું અને પાસપોર્ટ સહિતના ડોક્‍યુમેન્‍ટ્‍સ બનાવડાવ્‍યા.

(11:28 am IST)