Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

એટલું પ્રદૂષણ કે અમદાવાદીઓને શ્વાસ લેવામાં પણ પડી રહી છે તકલીફ

ટૂંક જ સમયમાં અમદાવાદ દિલ્હી બની જશે

અમદાવાદ તા. ૭ : દિવાળીના એક દિવસ પહેલા જ અમદાવાદમાં લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે તેટલું વાયુ પ્રદૂષણ ફેલાઈ ગયુ છે. બોડકદેવ અને ચાંદખેડા જેવા વિસ્તારોની હવાની ગુણવત્તા કથળી ગઈ હતી અને આખુ શહેર જાણે ગાઢ ધૂમાડાની ચાદર નીચે ઢંકાઈ ગયુ હતુ. PM2.5 અને PM10 અમદાવાદમાં વધઈને ૯૧ અને ૧૮૪ થઈ ગયા હતા જેને કારણે પ્રદૂષણની કેટેગરીમા અમદાવાદ ખરાબ શ્રેણીમાં મૂકાઈ ગયુ હતું. દિવાળી બાદ હવાની ગુણવત્તા હજુ વધુ કથળે તેવી આગાહી કરવામાં આવી છે. આ કેટેગરી કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત સિસ્ટમ ઓફ એર કવોલિટી ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (SAFAR) દ્વારા નિશ્ચિત કરવામાં આવે છે.

આખા શહેરનો કચરો જયાં ઠલવાય છે તે પિરાણામાં હવાની ગુણવત્તા સૌથી ખરાબ છે. ત્યાં PM2.5 વધીને ૩૧૭ થઈ ગયુ હતું. પિરાણામાં આ સ્થિતિ ઊભી થશે તેવી અપેક્ષા હતી પણ બોડકદેવ (૨૨૮) અને ચાંદખેડા (૨૨૫) જેવા પોશ વિસ્તારોમાં આ સ્થિતિ ઊભી થશે તેવી કોઈને ધારણા નહતી. રાઈખડ (૩૦૧)માં હવાની ગુણવત્તા ઊતરતી છે જયારે બોપલમાં (૧૭૪), સેટેલાઈટ (૧૯૩), નવરંગપુરા (૧૩૪) અને એરપોર્ટ (૧૭૯)માં સાધારણ છે. એર કવોલિટી ઈન્ડેકસ મુજબ જો હવાની ગુણવત્તાનો સ્કોર ૦-૧૦૦ વચ્ચે આવે તો સારુ કહેવાય, ૧૦૧થી ૨૦૦ વચ્ચે સાધારણ અને ૨૦૧થી ૩૦૦ વચ્ચે ખરાબ કહેવાય. જો ૩૦૧થી ૪૦૦ વચ્ચે હોય તો ખૂબ જ ખરાબ કહેવાય અને ૪૦૧દ્મક ૫૦૦ વચ્ચે હોય તો તે અત્યંત ખરાબ કહેવાય છે.

બોડકદેવ એક પેઢીમાં કામ કરતા ૨૮ વર્ષીય ભાવના વસાવાએ જણાવ્યું, ગયા વર્ષે પણ આ જ સમસ્યા થઈ હતી. AMCની બેદરકારીને કારણે હવાની ગુણવત્તા કથળી ગઈ હતી. AMCએ ધ્યાન રાખવું જોઈએ કે બધા જ નિયમોનું પાલન કરે. નહિં તો ટૂંક જ સમયમાં અમદાવાદ દિલ્હી બની જશે. ચાંદખેડાના રહેવાસી બ્રિજેશ ખત્રી જણાવે છે, 'જે લોકો અહીં રહે છે તેમને તરત જ ફરક નથી ખબર પડતી. રોજ મોટા પ્રમાણમાં વૃક્ષો કપાય છે અને વાહનોની સંખ્યા વધતી જાય છે જેને કારણે આ સમસ્યા થઈ છે.' ન્યુ સીજી રોડના રહેવાસી દિવ્યા શોભાવતનું માનવું છે કે સરકારે વધારે ધૂમાડો અને અવાજ કરે તેવા અમુક પ્રકારના ફટાકડા પર પ્રતિબંધ લાદી દેવો જોઈએ. આ ફટાકડા બાળકો અને વડીલો બંને માટે નુકસાનકારક છે.

બીજી મોટી સમસ્યા એ છે કે AMC કચરો બાળે છે જેને કારણે હવાની ગુણવત્તા વધુ કથળે છે. આ અંગે AMCના મેડિકલ ઓફિસર ભાવિન સોલંકીએ જણાવ્યું, 'હવા ઠંડી છે જેને કારણે શહેરમાં ધૂમ્મસ દેખાય છે. દિવાળીના ફટાકડાને કારણે પણ હવાની ગુણવત્તા કથળે છે.' તેમણે વધુમાં જણાવ્યું કે જે લોકોને શ્વાસને લગતી તકલીફ હોય તેમણે ઘણું સંભાળવુ જોઈએ અને આ સમય ગાળા દરમિયાન બહાર જવાનું ટાળવુ જોઈએ. જો બહાર જવુ જ પડે તો તેમણે માસ્ક પહેરવુ જોઈએ.

હેવી ટ્રાફિક હોય ત્યાં કસરત કરવાનું ટાળો. નીલગીરીનું તેલ અને પેપરમિંટ ઓઈલ નાંખીને રોજ સાંજે નાસ લો. શ્વાસને લગતી તકલીફ હોય તેમણે ઘરની અંદર જ રહેવું. બહાર જવુ પડે તો માસ્ક પહેરવું. એર પ્યોરિફાયર ખરીદો. જો કફ, આંખ, નાકમાં ઈરિટેશન, ગળુ ખરાબ થાય, થાક લાગે એવા લક્ષણો દેખાય તો ડોકટરનો સંપર્ક કરો. SAFAR એપ ડાઉનલોડ કરી તમારા લોકેશન પર હવાની ગુણવત્તા કેવી છે અને આગામી ૧-૩ દિવસમાં હવા કેવી રહેશે તેની માહિતી મેળવો.(૨૧.૬)

(12:21 pm IST)